મેટિની

ભૂમિ ને ભાગ્યનો સ્વભાવ એક જ: વાવશો એ મળશે..!

અરવિંદ વેકરિયા

‘હું પૈસા નહી લઉં!’ એવું પ્રવીણ ભોસલેએ કહ્યું એટલે બે ઘડી હું અવાક થઈ ગયો. પૈસાનો હિસાબ કરનાર ડૉલર પટેલને જો હું આ વાત જણાવું તો એ તો રાજીનો રેડ થઈ જાય. ત્યારે સેટ લગભગ 20 થી 30 હજારમાં બનતા. ઈમ્તિયાઝના આ નાટકમાં બે સેટ હતા – એક ઘરનો અને બીજો ઑફિસનો. દરેક કલાકાર પોતાની કૅપેસિટી અને સિનિયારિટી મુજબ ‘કવર’ લેવાનો જ હતો.

હું પણ એમાં આવી ગયો. તો પછી સેટ સાવ ‘મફત’માં પ્રવીણ બનાવે એ મારું મન સ્વીકારે જ નહી. હું ઓળખીતા પાસે કંઈ લઉં તો કહું કે બીજા કરતાં ઓછા લે, પણ તારો પ્રોફિટ બીજા કરતાં ઓછો, પણ લે જે.. તો આ પ્રવીણ શા માટે મને સેટ મફતમાં કરી આપવા તૈયાર થાય? મેં જયારે ફલી મિસ્ત્રી પાસે સેટ-ડિઝાઇન બનાવેલી ત્યારે ક્યારેક ગફુરભાઈ તો ક્યારેક શમ્સુભાઈ પાસે કરાવતો. (હાલ કોઈ હયાત નથી) મેં પ્રવીણને આ ‘મફત’નું કારણ પૂછ્યું. એને પોતાની સાથે મારો સંઘર્ષ પણ યાદ હતો. આ કદાચ એના મનમાં મારા માટે ઊભી થયેલી લાગણી અને સંબંધ જાળવી રાખવાની નેમ હોઈ શકે. અહીં પ્રવીણ પણ માનતો હશે કે સંબંધ જાળવવા જોઈએ. સાચું જ કહ્યું છે કે સંબંધો જો ટકાવવા હોય તો 50 ગ્રામની જીભને 80 કિલોના શરીર પર હાવી ન થવા દો.

આ પણ વાંચો: બધું જ કીમતી… મળ્યા પહેલાં ને ગુમાવ્યા પછી!

પ્રવીણે પણ એ જ વાત અમલમાં મૂકી મને પ્રેમથી કહ્યું, ‘સેટ ચોક્કસ બનાવીશ, પણ પૈસા નહી લઉં.’ મેં ફરી કારણ પૂછ્યું તો કહે, ‘દાદુ, મૈને આપકે સાથ બહોત કામ કિયા હૈ, કરતા હું.. અબ જબ ખુદકા કામ શુરુ કર રહા હું તો મૈં આપશે કરું.. પૈસા તો આગે કમા લુંગા. બસ, મેરી ઔર શૈલેશ કી ઇચ્છા હૈ કી આપશે કામ શુરુ કરે. આપ કે આશીર્વાદ મિલેંગે.. હા, સેટ બનાનેકા પૈસા નહી લુંગા બાકી સર્વિસ કા ‘કવર’ જરૂર લુંગા.’

હું સાંભળી જ રહ્યો. ગમતાં-ચાહતાં ને પામતાં ભલે આવડે, પણ નિભાવતાં આવડે એ જ સાચો સંબંધ જે આજે પ્રવીણે નિભાવ્યો એટલે નહીં કે મને અને નિર્માતાને લાભ થાય છે…પણ એક સામાન્ય માણસ આવી અસામાન્ય વાત કરી શકે એ માટે કોઈ પણ જમાનામાં 56ની છાતી જોઈએ..

પ્રવીણ ભોસલે સાથે બહુ રકઝક થઈ. છેવટે મેં કહ્યું કે ‘હું સેટ માટે એક પૈસો નહી આપું બસ, પણ તારા નવા સાહસ માટે ગૂડ-લક રૂપે 5001/- આપીશ એ તારે લેવા પડશે અને તારા ‘સર્વિસ’ના કવરમાં તારા બજાર ભાવ કરતાં 250/- રૂપિયા વધુ આપીશ. તું પ્રાર્થના કરજે કે નાટકના વધુ શો થાય અને મને સેટ માટે થોડા પૈસા હું આપી શક્યો એનો સંતોષ થાય’ માંડ-માંડ મારી વાત પ્રવીણે કબૂલ કરી.

આ પણ વાંચો: શબ્દો પાસે અર્થ હોય ને મન પાસે અર્થઘટન!

પ્રવીણ એક સામાન્ય ગજાનો માનવી. બીજા જયારે ભાવમાં રકઝક કરે ત્યારે આ સાવ મફતમાં. માત્ર મારા પ્રત્યેનો લગાવ-લાગણી. સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહી, પરિવારના માહોલમાંથી મળે. આ કદાચ એને પરિવારના મળેલા સંસ્કારનું જ પ્રતિબિંબ હતું.

મેં વાત ડોલર પટેલને અથથી ઈતિ, જે પ્રવીણ સાથે થયેલ એ બધી વાત કરી. નિર્માતા બોલ્યો, ‘દાદુ, તારે 5001ની વાત કરવાની શું જરૂર હતી? તારા પ્રત્યેની લાગણીને લઈ મફત કરી આપવા તૈયાર હતોને!’

મને એમ કે ડોલર ખુશ થશે પણ… ગમે એટલી લાગણીઓ વરસાવો, રેઈનકોટ પહેરેલા લોકો ન ભીંજાય. ત્યારે ડોલર મને રેઈનકોટ પહેરેલ નિર્માતા લાગ્યો.

આ પણ વાંચો: જેટલા વિચાર ઓછા કરો તેટલા વધુ આનંદમાં રહો!

ખેર! આખા નાટકની કોસ્ટમાં સેટ પેટે માત્ર 5001 જ ગણાશે. નાટકના બે અંક તૈયાર થઈ ગયા. મૂળ વસ્તુ હવે ‘કાસ્ટિંગની. મુખ્ય ભૂમિકા યુવાન દંપતી અને એક મોડલની આસપાસ ફરતી વાર્તા હતી. એ સમયે એક સારો અભિનેતા મારી બાજુમાં રહેતો હતો, અનિલ ઉપાધ્યાય. ઘણી વાર કહેતો, ‘ દાદુ, મારે તમારી સાથે કામ કરવું છે.’ (આજે હયાત નથી.) મેં એને નાટકની કથાવસ્તુ કહી. ‘બોલ્ડ’ સામે એને વાંધો પડ્યો. મને કહે ‘મારે તો પ્રવીણ જોશી જેવા રોલ કરવા છે. આવા ચિરકુટ, બોલ્ડ અને ગંદા રોલ નહી’ મને ડોલરની વાત યાદ આવી ગઈ. ‘તમારું કામ નાટકમાં અભિનય કરવાનું છે, પછી વિષય કોઈ પણ હોય.’

ખેર, એની ‘ના’ આવી ગઈ. પછી એ જ અનીલે મારી સાથે ‘જલ્દી કર કોઈ જોઈ જશે’ નામનો બોલ્ડ પ્લે કર્યો! કહું છું જીવનમાં ક્યારેય કોઈની મજાક ન ઉડાવો કે ન કોઈને નીચું દેખાડો. ભલે તમે શક્તિશાળી હો, પરંતુ તમારાં કરતાં પણ કોઈ શક્તિશાળી છે, જેનું નામ છે સમય. જયારે અનીલે ‘જલ્દી કર કોઈ જોઈ જશે’ કર્યું ત્યારે એના સમયે જ એ નાટક કરવા એને મજબૂર કરેલો, ખેર!

આ પણ વાંચો: મૂળ વગરનાં વૃક્ષ અને વિશ્ર્વાસ વગરના વ્યવહાર…

મેં અને ડોલરે પાત્ર માટે ઘણી કોશિશ કરી, પણ જોઈએ એવું જામતું નહોતું. છેવટે મેં ઈમ્તિયાઝને કહ્યું કે ‘ યુવા દંપતીને બદલે આપણે પ્રૌઢ જોડી બનાવીએ અને દીકરાના પાત્રને નાના ભાઈમાં ફેરવી નાખીએ તો?’ ઈમ્તિયાઝ કહે, ‘એમાં બહુ પ્રોબ્લેમ નહીં થાય. એ તો બે દિવસમાં થઈ જશે, પણ જે મોડલ તરીકે જોઈએ છે એમાં તો પ્રૌઢ નહીં ચાલે. એના માટે શું કરીશું?’ મેં કહ્યું, ‘એ થઈ રહેશે. મેં બધે સારું વાવી રાખ્યું છે. બધા સાથે હંમેશા સારું વર્તન જ રાખ્યું છે. ભૂમિ અને ભાગ્યનો સ્વભાવ એક જ છે વાવશો એ મળશે, કોઈ તો મદદ કરશે જ!

પિતા એના દીકરાને ‘પરીક્ષા’નો નવો અર્થ સમજાવતા હતા:
‘જો બેટા, મન લગાવીને ભણશે તો ‘પરીક્ષા’ના પહેલા બે અક્ષર મુજબ ‘પરી’ મળશે અને નહી ભણે તો છેલ્લા બે અક્ષર મુજબ ‘રિક્ષા’ મળશે, હવે નક્કી કરી લે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button