ક્લાઈમેક્સની કમાલઃ વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ને મળેલી અણધારી, પણ ફાંકડી સફળતામાં અનપેક્ષિત ક્લાઇમેક્સનું વિશેષ યોગદાન

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
આજની તારીખમાં ફિલ્મ મેકરોએ ચિત્રપટ સંબંધિત વિવિધ પાસાં શ્રેષ્ઠ હોય એની તકેદારી રાખવા ઉપરાંત એની રિલીઝ ડેટ – સિનેમાઘરોમાં રજૂ કરવાની તારીખ અંગે પણ ચીવટ રાખવી પડે છે.
વિકી કૌશલની ‘છાવા’ના નિર્માતાએ સાઉથની ધમાકેદાર ‘પુષ્પા 2’ સાથેની બોક્સ ઓફિસ ટક્કર ટાળવા તેમજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી(19 ફેબ્રુઆરી)નું નિમિત્ત સાધવા ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનું નક્કી કર્યું. આ ગણતરી સવળી પડી છે અને આ લખાય છે ( 5 માર્ચ-25) ત્યાં સુધીમાં દેશ – વિદેશના બોક્સ ઓફિસ કલેક્શન (વકરો) 640 કરોડને પાર કરી ગયો છે.
‘છાવા’ને મળેલા જબરદસ્ત આવકારનું ચોક્કસ કારણ શું છે એ નક્કી કરવું મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. જોકે, એને મળેલી અસાધારણ સફળતામાં ફિલ્મના ક્લાઈમેક્સનો સિંહફાળો છે એવી પ્રતિક્રિયા અનેક ફિલ્મ અભ્યાસુઓએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: shriya-saran પણ છે હેમામાલિની જેવી ક્લાસિકલ ડાન્સર, જૂઓ તેનો ગ્રેસફૂલ ડાન્સ
લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત ‘છાવા’ નાટ્ય તત્ત્વથી છલોછલ ઐતિહાસિક કથાવસ્તુ ધરાવે છે. ચિત્રપટમાં છત્રપતિ શિવાજી મહારાજના શૂરવીર સુપુત્ર છત્રપતિ સંભાજી મહારાજના શૌર્ય અને સાહસ તેમજ મરાઠા સામ્રાજ્યની ગૌરવ ગાથા વણી લેવામાં આવી છે. ઈતિહાસને વફાદાર રહેવાની દિગ્દર્શકની તકેદારી અને વિકી કૌશલના અફલાતૂન અભિનય ઉપરાંત લોહી ઉકળાવી દેતો ક્લાઈમેક્સ દર્શકોની આંખોમાં વસી હૃદય સોંસરવો ઊતરી ગયો છે. ક્લાઈમેક્સમાં મુઘલ સૈન્ય છત્રપતિ સંભાજી મહારાજને બંદી બનાવી એના પર હેવાન બની ક્રૂરતા આચરે છે. ઔરંગઝેબ છત્રપતિ સંભાજી મહારાજને પારાવાર શારીરિક પીડા આપવાની સાથે એમની આંતરિક શક્તિ, એમના મનોબળનો ભાંગીને ભુક્કો કરવા મક્કમ છે, પણ સંભાજી મહારાજ દરેક અત્યાચાર પચાવી સહેજ પણ મચક નથી આપતા અને ધોળે ધરમે ઈસ્લામ અંગીકાર નહીં કરવાનો અડગ નિર્ણય જાહેર કરે છે. જે લોહીમાં શક્તિ અને દ્રઢ નિર્ધાર વહેતા હોય એ ઘૂંટણિયે થોડું પડે?
અસ્સલ ‘પુષ્પા 2’ના ‘ઝુકેગા નહીં સાલા’નો જ પડઘો અહીં ઝીલાયો હોય એવું લાગે!
ફિલ્મના ક્લાઇમેક્સમાં કથાનકનો પાવર અને એની પ્રામાણિકતાની સાથે વિકીની અફલાતૂન અદાકારી અને ડિરેક્ટરની ફિલ્માંકનની કાબેલિયત ઉપરાંત એ સીન શૂટ કરવા માટે ઝીણી ઝીણી વિગતો માટે રાખવામાં આવેલી ચીવટ ઊડીને આંખે વળગે છે. ચામડી ઉતરડવી, નખ ખેંચી કાઢવા જેવી ઘટના ખરેખર એમ થઈ રહ્યું હોવાનો દર્શકોને અનુભવ થાય છે. છત્રપતિ સંભાજી મહારાજ, એમની પારાવાર વેદના, ક્રૂરતાનું આચરણ વગેરે વાસ્તવિક લાગે એ માટે નેશનલ એવોર્ડ વિજેતા મેકઅપ અને પ્રોસ્થેટિક આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહ ડિસોઝાનું યોગદાન મહત્ત્વનું છે.
આ પણ વાંચો: ભાઈજાન, હવે નહીં મહેમાન
ફિલ્મનો ક્લાઈમેક્સ ધારદાર સાબિત થાય એ માટે ફિલ્મમેકરો વિવિધ અખતરા કરતા હોય છે. પ્રભાસની આગામી ફિલ્મ ‘ફૌજી’ મૂળ તો તમિળ ભાષામાં બની રહી છે. જોકે, મૂળ ભાષા ઉપરાંત સાઉથની અન્ય ભાષાઓમાં અને હિન્દીમાં તેમજ વિદેશી ભાષાઓમાં પણ ડબ કરવાની પ્રથા પડી છે. સાઉથના મેકરો સમજી ગયા છે કે હિન્દી ફિલ્મો જોતા દર્શકો તગડો વકરો કરાવી આપે છે. એટલે તમિળ ફિલ્મ હોવા છતાં ‘ફૌજી’માં સની દેઓલ, જયા પ્રદા, અનુપમ ખેર, મિથુન ચક્રવર્તીને સાઈન કરવામાં આવ્યા છે. તાજા સમાચાર એવા છે કે ફિલ્મનો ક્લાઈમેક્સ કળશ સાબિત થાય એ માટે આલિયા ભટ્ટને પણ સાઈન કરવામાં આવી છે. નાના રાઈના દાણા જેવી આલિયાની ભૂમિકા પર્વતની ગરજ સારે એવી કોશિશ કરવામાં આવશે. એટલું જ નહીં, સની દેઓલની એન્ટ્રી ઈન્ટરવલ પછી રાખવામાં આવી છે જે ક્લાઈમેક્સ સુધી ખેંચાશે એ અનુમાન અસ્થાને નથી. યાદ કરો, ‘દામિની’માં ઈન્ટરવલ પછી એન્ટ્રી મારી સની દેઓલ ફિલ્મ પર કેવો છવાઈ ગયો હતો.
છેલ્લા દસકાની કેટલીક સફળ ફિલ્મોની ધૂંઆધાર સફળતામાં એ ફિલ્મોના ક્લાઈમેક્સએ કેવો ભાગ ભજવ્યો એ જાણવા જેવું છે. સૌ પ્રથમ ઉદાહરણ છે ‘બાહુબલી: ધ બિગિનિંગ’ (2015)નું. અલબત્ત, આની નોંધ અગાઉ ‘મુંબઈ સમાચાર’માં લીધી છે, પણ અહીં ઉલ્લેખ જરૂરી હોવાથી ફરી કર્યો છે. ફિલ્મના અંતે ‘કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા’ ટેગ લાઈન જ લોહચુંબક સાબિત થઈ ‘બાહુબલી: ધ કનકલુઝન’ માટે દર્શકોને ખેંચી લાવી હતી. ‘પુષ્પા: ધ રાઈઝ’ (2021)ના ક્લાઈમેક્સમાં ભંવર સિંહ શેખાવત અને પુષ્પા વચ્ચે શારીરિક યુદ્ધને બદલે ખેલાયેલું માનસિક યુદ્ધ સિક્વલ માટે મોકળું મેદાન તૈયાર કરવામાં કારણભૂત બન્યું હતું એ હકીકત છે.
આ પણ વાંચો: G20 ના મહેમાનોને સાંભળવા મળશે – મિલે સુર મેરા તુમ્હારા
એ કેવી રસપ્રદ વાત છે કે વિશાળ ફલક પર તૈયાર થયેલી સાઉથની બે ફિલ્મના ક્લાઈમેક્સ સિક્વલ માટે ભૂમિ તૈયાર કરે છે અને બંને સિક્વલ મૂળ ફિલ્મ કરતાં વધુ સફળતા મેળવવામાં સફળ રહે છે. ક્લાઈમેક્સની કમાલના આ કેવાં ગજબનાક ઉદાહરણ છે.
અમિતાભ બચ્ચન – તાપસી પન્નુની ‘બદલા’ (2019) પણ ‘તીન પત્તી’ના ખેલમાં શો કરાવ્યા પછી પત્તાબાજનું ત્રીજું પત્તુ ખુલ્યું ન હોય ત્યારે ઉત્સુકતાનો જે સળવળાટ હોય એનું વિલક્ષણ ઉદાહરણ છે. સ્પેનિશ ફિલ્મ ‘ધ ઈન્વિઝિબલ ગેસ્ટ’ની રિમેક ‘બદલા’ મિસ્ટ્રી થ્રિલર છે. ફિલ્મમાં તાપસીના પાત્ર નૈના પર હત્યાનો આરોપ છે અને જાતને નિર્દોષ સાબિત કરવા નૈના બાહોશ વકીલ અમિતાભ બચ્ચનની મદદ લે છે. ક્લાઈમેક્સમાં રહસ્ય પરથી પડદો ઊંચકાયા પછી જે જોવા મળે છે એ જાણી દર્શકો સ્તબ્ધ – અવાચક બની જાય છે. ફિલ્મને હિટ સાબિત કરવામાં ક્લાઇમેક્સનું યોગદાન મહત્ત્વનું માનવામાં આવ્યું હતું.