અમદાવાદ

PHOTOS: રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી, સંગઠન માળખામાં બદલાવને લઈ થઈ ચર્ચા

Rahul Gandhi Gujarat Visit 2025: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે. તેમણે કૉંગ્રેસ ભવન ખાતે પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, ગુજરાત પ્રભારી અને મહામંત્રી મુકલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનના પહેલા માળ પર યોજેલી પહેલી મિટિંગમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી વેણુગોપાલ, AICC સેક્રેટરી ઉષા નાયડુ, પૂર્વ સાંસદ અમી યાજ્ઞિક, પૂર્વ પ્રદેશ પ્રમુખો સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર હાજર રહ્યા હતા.

આ પછી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત કૉંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. ગુજરાત કૉંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમજ સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા થઈ હતી.

ગુજરાતમાં આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે. થોડા સમય પહેલા લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કૉંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો. રાહુલ ગાંધી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 2017 જેવી ટક્કર આપવા અત્યારથી જ સક્રિય થયા છે.

આ પણ વાંચો…સમૃદ્ધ ગુજરાતની શરમઃ રાજ્યમાં 5.40 લાખ બાળક કુપોષિત

  • કૉંગ્રેસને કેમ છે આશા
  • રાજ્યમાં ભાજપનું ત્રણ દાયકાથી શાસન
  • પીએમ મોદીનું 75 વર્ષ નજીક પહોંચવું
  • ગુજરાતના અનેક સમાજની ભાજપથી નારાજગી
  • અસ્થાયી નોકરી, ફિક્સ પગાર જેવા મોટા મુદ્દા
  • આદિવાસીઓ અને ક્ષત્રિયોની નારાજગી

કૉંગ્રેસ સામે શું છે ચિંતા
કૉંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ, પક્ષના સંગઠનમાં જે પણ ફેરબદલ થશે તેની શરૂઆત ગુજરાતથી થશે. આ સ્થિતિમાં કૉંગ્રેસ પણ ભાજપની જેમ ગુજરાતને લેબોરેટરી બનાવશે. ગુજરાતમાં હજુ પણ કૉંગ્રેસ મુખ્ય વિપક્ષ છે, જોકે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી તે નબળી પડી છે. જે કૉંગ્રેસ માટે ચિંતાની વાત છે. કૉંગ્રેસના એક નેતાના કહેવા મુજબ, રાહુલ ગાંધી 2025નું સમગ્ર વર્ષ સક્રિય રહેશે. આ ઉપરાંત ટોચના નેતૃત્વ સહિત અન્ય નેતા પણ ગુજરાત પ્રવાસે આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button