ગાંધીનગરટોપ ન્યૂઝ

સમૃદ્ધ ગુજરાતની શરમઃ રાજ્યમાં 5.40 લાખ બાળક કુપોષિત

ગાંધીનગરઃ ગુજરાત મૉડલની દેશભરમાં ચર્ચા થાય છે પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. એક સમયે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું કે દેશમાં કુપોષણ એ એક રાષ્ટ્રીય શરમ છે. તે સમયે વિરોધપક્ષમાં બેઠેલી ભાજપ સરકારે તેમની સરકારની ટીકા કરી હતી, પરંતુ 30 વર્ષથી ગુજરાતમાં સત્તા સંભાળી રહેલી ભાજપ સરકારના કાર્યકાળમાં પણ ગુજરાતમાં કુપોષણની સમસ્યા એટલી જ છે. ખુદ સરકારે આપેલા આંકડા મુજબ ગુજરાતમાં આજે પણ 5.40 લાખ બાળકો કુપોષિત છે. રાજ્યમાં કુપોષણ નાબૂદી પાછળ છેલ્લાં બે વર્ષમાં રૂ. 509 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આદિવાસી-પછાત જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા એક લાખની આસપાસ પહોચી ગઈ છે.

509 કરોડનો ખર્ચ
વિધાનસભા ગૃહમાં ખુદ સરકારે જણાવ્યું છે કે, કુપોષણ નાબૂદી પાછળ છેલ્લાં બે વર્ષમાં રૂ. 509 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાંય રાજ્યમાં આજે પણ હજારો કુટુંબો એવા છે જેમને પૂરતો આહાર મળતો નથી. સગર્ભા માતા કુપોષણયુક્ત આહારથી વંચિત રહી છે. વધતાં જતાં કુપોષણ માટે ગરીબી પણ એટલી જ જવાબદાર છે.

આ જિલ્લામાં છે સૌથી વધુ કુપોષિત બાળકો
સગર્ભાઓને પોષણયુક્ત આહાર આપીને સરકાર દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે તેમ છતાંય ખાસ કરીને આદિવાસી-પછાત જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. જોકે, સરકારે દાવો કર્યો છે કે કુપોષિત બાળકોની સંખ્યામાં દોઢ લાખનો ઘટાડો થયો છે.

પણ વાસ્તવિકતા એ છે કે, રાજ્યના ત્રણ જિલ્લામાં જ કુપોષિત બાળકોની સંખ્યા 99403 જેટલી છે. જેમાં બનાસકાંઠામાં 42419 કુપોષિત બાળકો, પંચમહાલમાં 35242 કુપોષિત બાળકો, સાબરકાંઠામાં 21742 કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત નવ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 94149 છે. જેમાં પાટણમાં 12742 બાળકો, અરવલ્લી માં 11683 બાળકો, નર્મદામાં 11994 બાળકો, 16845 બાળકો, વડોદરામાં 14293 બાળકો, તેમજ ડાંગમાં 5100 બાળકો, નવસારીમાં 7150 બાળકો, ગીર-સોમનાથમાં 7141 બાળકો અને તાપીમાં 7201 કુપોષિત બાળકો છે.

આ પણ વાંચો…૨૦૨૪માં પાક નુકશાની માટે SDRFમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કેટલા કરોડની સહાય ચૂકવવામાં આવી?

સરકારે સ્વીકાર્યું કે, જાન્યુઆરી-2025 સુધી ગુજરાતમાં કુલ મળીને 5,40,303 બાળકો કુપોષિત છે. સરકારે કુપોષણ નાબુદી માટે વર્ષ 2023-24માં રૂ. 264 કરોડ જ્યારે વર્ષ 2024-25માં રૂ. 245 કરોડનો ખર્ચ કર્યો છે. આટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં લાખો બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. એ જ દર્શાવે છે કે, કુપોષણ નાબુદી માટેની સરકારી યોજના માત્ર નામ પૂરતી જ રહી છે.

કુપોષણ નાબુદી માટે આ યોજના છે અમલમાં
અત્રે ઉલ્લેખનીય છે કે કુપોષણ નાબુદી માટે રાજ્ય સરકાર મમતા અભિયાન, કુપોષણમુક્ત ગુજરાત, નમો શ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ, માતૃવંદના સહિત ઘણી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય કુપોષણ કાબુમાં લઈ શકાયું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button