કેરોલિના રીપર પ્રકરણ-૩૫
સર, મુરુડ બ્લાસ્ટ્સ કેસને મામલે ભેરવવાની કોશિશો હું સમજું છું
પ્રફુલ શાહ
અલીબાગ એટીએસના પરમવીર બત્રાને સાયબર સેલ તરફથી ચોંકાવનારી માહિતી મળી
રાજ્યના રાજ્યકક્ષાના પ્રધાન વિશ્ર્વનાથ આચરેકરને પાંચ પ્રયાસ બાદ મુખ્ય પ્રધાન રણજિત સાળવી લાઇન પર મળ્યા. કોઇ જાતના વિવેક કે ઔપચારિકતા વગર આચરેકરે નારાજગી સાથે ફરિયાદ શરૂ કરી.
“સર, મેં રાજકારણમાં દાયકાઓ કાઢ્યા છે. ખૂબ ખેલ જોયા છે અને ખેલ્યા પણ છે. મુરુડ બ્લાસ્ટ કેસને મામલે મને ભેરવવાની કોશિશ હું સમજું છું. એક ટીવી ચેનલ મારી પાછળ પડી ગઇ છે. એ પણ મારા હરીફોની ચાલ છે. આપે મુખ્ય પ્રધાન તરીકે મારો બચાવ ન કરવો જોઇએ? આપના પી.એ.ના એક માત્ર ફોનથી પેલી ચેનલવાળા વિશ્ર્વનાથનો ‘વી’ કે આચરેકકનો ‘એ’ બોલવાનુંય ભૂલી જાય. હું ઇચ્છું છું કે આપ આ મામલે મૌન તોડો.
“આચરેકરજી, આચરેકરજી. હું તો હમણાં મોઢું ખોલું બ્લાસ્ટ્સ જેવી સંવેદનશીલ બાબત છે. ખોટા સમયે આપે નોમિનેશન પેપર ભરવામાં મોટું સરઘસ કાઢયું. આ બધાથી લોકલાગણી આપની વિરુદ્ધ થઇ રહી છે, આપણાં પક્ષની વિરુદ્ધ જવા માંડી છે. આ સ્થાનિક સમસ્યા છે. એને સ્થાનિક સ્તરે જ ઉકેલવી સારી.બાકી કોઇ આર્થિક મદદની જરૂર હોય તો બોલો?
“થેન્ક યુ વેરી વેરી મચ, સર એવું દાઝમાં બોલીને આચરેકરે ફોન કટ કરી નાખ્યો. સામે છેડે રણજીત સાળવીએ કોઇકને ફોન કરીને આદેશ આપ્યો. આજકાલમાં જ ધડાકો કરાવી દો. પછી એકદમ જોરશોરથી મંડી પડો.
વિકાસને માંડ માંડ શાંત પાડીને પ્રશાંત ગોડબોલે બહાર લઇ ગયા. જતાં જતાં વૃંદા તરફ ઇશારો કર્યો. હળવેકથી કિરણના ખભા પર હાથ મૂકીને વૃંદાએ આગળ વધવાનો ઇશારો કર્યો.
કિરણ એક પછી એક લાશ જોતી આગળ વધતી હતી. ન જાણે કેમ પણ વૃંદાએ પોતાની હથેળીના આંગળાના અંકોડા તેની હથેળીના આંગળામાં ભરાવી દીધા હતા. આનાથી કિરણને હૂંફ જેવું લાગતું હતું. છ લાશ જોયા બાદ સાતમી લાશ જોઇને કિરણ ત્યાં ઊભી રહી ગઇ. એ કંઇ ન બોલી. થોડી નીચી નમીને જમણાં હાથ પર જોયું. છતાં એના મોઢામાં એક હરફ ન નીકળ્યો. એની નસ તંગ થવા માંડી. એ વૃંદાએ અનુભવ્યું. વૃંદાએ કિરણ સામે જોયું. કિરણની આંખ રણની જેમ સુક્કીભઠ હતી ને ચહેરો એકદમ ભાવહીન.
વૃંદાને નવાઇ લાગી. કિરણ આગળ વધી. યંત્રવત્ બાકીની લાશ પણ જોઇ લીધી. કયાંય તે એક પણ શબ્દ ન બોલી કે ન ચહેરા પર કોઇ ભાવ બદલાવા દીધા. વૃંદાને નવાઇ લાગી. માત્ર એક લાશ જોઇને કિરણ અસ્વસ્થ થઇ પણ કંઇ બોલી કેમ નહીં?
બન્ને બહાર આવ્યા. પ્રશાંત ગોડબોલેએ સવાલ સૂચક નજરે કિરણ સામે જોયું. એ એકદમ ઠંડા અવાજે બોલી. “બધી લાશ હદ બહાર દાઝી ગઇ છે. ઓળખવાનું ખૂબ મુશ્કેલ છે. મારું મગજ સુન મારી ગયું છે. લાગતું નથી કે એમાં ક્યાંય આકાશ મહાજન હોય. વૃંદા એકદમ અસમંજસમાં પડી ગઇ.
અલીબાગ એટીએસના પરમવીર બત્રાને સાયબર સેલ તરફથી ચોંકાવનારી માહિતી મળી. અપેક્ષા હતી સોલોમન, પવલા, મરી ગયેલી શકીના, બ્લાસ્ટ્સમાં માર્યા ગયેલા એનડી કે ગાયબ થઇ ગયેલા પવલા વિશે કંઇક જાણકારી મેળવવાની. પણ જાદુગરની હેટમાંથી જાણે નામ નીકળ્યું આસિફ પટેલનું.
આસિફ પટેલના નામે ઘણાં ધંધા બોલતા હતા. અનેક દેશમાં આ મહ્દઅંશે ખુદ આસિફે કબૂલ કર્યું હતું અને એટીએસ જાણતું હતું, પરંતુ નવી માહિતી એકદમ ચોંકાવનારી હતી. માલદિવ્સ, મોરેટાનિયા, અલ્જેરિયા, યમન, મોરક્કો અને નાઇજેરિયા જેવા દેશોમાં પણ આસિફ પટેલના વેપાર-ધંધા ચાલતા હતાં, પરંતુ એકદમ સ્માર્ટલી.
અન્ય દેશોની જેમ આ દેશો સાથે ધંધો કરવામાં વાંધો શું હોય? પરંતુ અહીં એ સીધો વેપાર નહોતો કરતો. વાયા વાયા એક દેશથી બીજા દેશને ત્રીજા દેશથી ઉપર લખેલા દેશ સાથે ધંધો થતો હતો. સાયબર સેલે આસિફ પટેલની કંપનીઓના બૅન્ક અકાઉન્ટસનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. પૈસા કયાંથી આવતા હતા, કોણ મોકલતું હતું. અને શા માટે મોકલતું હતું? અમુક ફાયનાન્શિયલ ટ્રાન્ઝેકશનના છેડાં ફરી ફરીને ઉપર લખેલા છ રાષ્ટ્ર સુધી પહોંચતા હતા.
આ દેશોમાં શેની લે-વેચ થતી હતી? સોદા છુપાવાતા શા માટે હતા? આ સવાલો ખૂબ મહત્ત્વના હતા કારણકે આ છએ છ દેશ વિશ્ર્વના સૌથી વધુ મુસ્લિમ ટકાવારી ધરાવતા હતાં. ત્યાં સો ટકાથી લઇને ૯૮ ટકા મુસ્લિમો રહેતા હતા. એમાં વાંધો ન હોઇ શકે, પરંતુ એમાંથી ઘણાંના મુખ્ય ધંધા દુનિયાભરમાં આતંક ફેલાવવાના હતા. જો કંઇ છુપાવવાનું ન હોય તો આસિફ પટેલ આ દેશોમાં વાયા વાયા કયો માલસામાન મોકલતા કે મેળવતા હતા અને શા માટે છૂપી રીતે પેમેન્ટ કરતાં કે મેળવતા હતા? બધાનો મુરુડ બ્લાસ્ટ્સ સાથે કંઇ સંબંધ હશે ખરો? બત્રાને લાગ્યું કે આસિફ પટેલ ધાર્યા કરતાં ઘણો મોટો ખેલાડી નીકળ્યો. હવે એના પર પણ કામ કરવું પડશે.
એ જ સમય ધૂઆંપૂઆં થતા દીપક મહાજન અને રોમા હાથ મસળતા હતા. કિરણે બધાને ઑફિસ બોલાવીને ન પોતે ઑફિસ આવી કે ન કોઇને મેસેજ કહેવડાવ્યો. બધા કર્મચારીના ચહેરા પર રોષ દેખાવા દીધા વગર કામ કરતા હતા. પણ સૌને એક જ સવાલ સતાવતો હતો. ‘કિરણ મેડમ, અત્યારથી આ રીતે વર્તે છે, તો ભવિષ્યમાં શું નહીં કરે?’
દીપકે પોતાના ત્રણ-ચાર મળતીયાને વારાફરતી બોલાવીને પૂછયું કે મોહનકાકુ શું કરે છે? બધાએ અલગ-અલગ શબ્દોમાં એક જ જવાબ આપ્યો કે તેઓ એકદમ સ્વસ્થતાથી પોતાનું કામ કરી રહ્યા છે.
દીપકને થયું કે મહાજન મસાલા પર કબજો જમાવવા માટે કિરણ ભાભીની સાથે આ મોહનકાકુને બહારનો રસ્તો દેખાડવો પડશે.
જરાય મન નહોતું છતાં કિરણે મુરુડ રોકાઇ જવું પડયું. કારણકે ઇન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલેને થોડી પૂછપરછ કરવી હતી. એમના જ સૂચનથી સબ-ઇન્સ્પેકટર વૃંદા સ્વામી નજીકની સારી હોટેલમાં કિરણને લઇ ગઇ. વૃંદા સ્વામીએ હોટેલ મેનેજમેન્ટ પાસે જઇને કંઇક વાત કરી. મેનેજરના કહેવાથી વેઇટર કિરણને એક રૂમ તરફ લઇ ગયો. કિરણના ગયા બાદ મેનેજરે વૃંદા સ્વામીને સમજાવ્યું કે તમે એમના રૂમની બાજુમાં રહો. બન્નેને જોડતી બાલ્કની
પણ છે.
આ બધાથી અજાણ કિરણ રૂમમાં જઇને બેડ પર ફસડાઇ પડી. ગળું ફાડીને રડવું હતું પણ એનાથી એ પણ ન થઇ શકયું. હૉસ્પિટલના શબઘરમાં અન્ય કોઇ ઓળખી ન શકે એવા આકાશના શબને જોઇને એ દિગ્મૂઢ થઇ ગઇ હતી. કયાંય સુધી એ ગુમસુમ પડી રહી. એકાદ કલાકે આંખ મીંચાઇ ગઇ.
આંખ ખુલી ત્યારે ઊંઘ થવા છતાં તાજગી ન અનુભવી. કિરણ વિચારે ચડી ગઇ. પોતાના વિશે અને સમગ્ર નારી જગત માટેના વિચારો મગજમાં ઘૂમરાવા માંડયા. “અમે પૂરેપૂરા તૂટીએ એ અગાઉ વરસો થોડા થોડા તૂટતા રહીએ. એની જાણ તો ઠીક અણસાર પણ કોઇને આવવા ન દઇએ. જે પોતાને અમારો સાથી પડછાયો કે સર્વસ્વ માને એને પણ ખબર ન પડે. અંદરને અંદર તૂટતું જાય. ઘા વધતા જાય, વકરતા જાય, પીડા વધતી જાય. અમે બધું ચૂપચાપ સહન કરીએ. બને ત્યાં સુધી રફુ કરીને સંબંધને અકબંધ જે અખંડ હોવાનું દેખાડતા રહીએ. જે નથી કે ક્યારેય નહોતું. એ સાબિત કરવામાં એટલા મશગૂલ થઇ જઇએ કે આંતરિક ઘા પર મલમ લગાવવાનો વિચાર સુધ્ધાં ન આવે. સમાજ અને કુટુંબની નજરમાં સારી સ્ત્રી હોવાનું સાબિત કરવાની આટલી બધી આકરી કિંમત? આ નારી હોવાના અભિશાપ છે? લાચારી છે કે ના સમજી? શું સમાજ, કુટુંબ અને ઘર બરાબર ચાલે અને સારું લાગે એ જોવાની જવાબદારી એકલી સ્ત્રીની જ? શા માટે? જાત તોડીને એમાં સફળ થઇએ તો ઇનામમાં શું મળે? એ જ હૂંફ વગરના સંબંધ, ઉપેક્ષા, શોષણ અને વધુ જવાબદારીનો બોજ? સ્ત્રી કરતાં તો મજૂરનું જીવન સારું નહીં? મન હોય, ત્યારે કામ કરો, ઇચ્છા થાય એટલું કામ કરો, કામની ના પાડી શકો, મજૂરીની આવક મળ્યાનો સંતોષ અનુભવો અને અઠવાડિયે રજા ય
મેળવો.
અચાનક અખબારમાં એક મોડેલના ફોટા પર નજર પડતા કિરણના વિચારોની દશા બદલાઇ.”શું હું વૈચારિક રીતે પછાત છું? એકદમ બાબા આદમના જમાનાની જુનવાણી સ્ત્રી છું? જૂના જર્જરિત વિચારો-રિવાજોની બેડી ફગાવી શકી નથી? કે પછી સામે દેખાતી, હસતી, ઉછળતી, અને કૂદતી આધુનિકા પણ કંઇક સંતાડી રહી છે? શું સ્ત્રી હોવું એ પાપ છે? કે ગયા જન્મના પાપનું ફળ?
વિચારોની એકસપ્રેસ ટ્રેનને બ્રેક લાગી. કારણકે એની નજર સામે આકાશનો ચહેરો ઊપસી આવ્યો. એ ગુસ્સામાં કિરણ સામે ટગર ટગર જોઇ રહ્યો હતો. એ જાણે ગુસ્સામાં કહી રહ્યો હતો. “તારા વરના મોત પર એક આંસુ ય સારવું નથી તારે?
અચાનક કિરણનું ધ્યાન ગયું કે સાયલંટ પર મૂકેલો મોબાઇલ ફોન ક્યારનો વાઇબ્રેટ થતો હતો. સામે મમતા હતી. “ભાભી, ફોન ! કેમ ઉપાડતા નથી? બધું બરાબર છે ને ત્યાં? પપ્પાએ મને વાત કરી કે તમે કયાં ગયા છો.
કિરણ જુઠું બોલી, “બધું બરાબર છે. ફિકર ન કરો. પોલીસવાળા સાથે છું. આજે રોકાઇ જવું પડશે. પછી નિરાંતે વાત કરું.
(ક્રમશ:)