આમચી મુંબઈ

સાયબર ઠગોએ હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ માટે ફૅક લિંક બનાવી: ગુનો દાખલ

મુંબઈ: વાહનો માટેની હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી)ના રજિસ્ટ્રેશન માટે હાલ પડાપડી ચાલી રહી છે અને આ નોંધણી ઓનલાઇન કરાવવાની હોવાથી અનેક લોકો મૂંઝવણમાં છે. આનો લાભ ઉઠાવવા સાયબર ઠગોએ રજિસ્ટ્રેશન માટે પણ ફૅક લિંક બનાવીને ઠગાઇ કરવાનું શરૂ કર્યું છે. આ વાત ધ્યાનમાં આવતાં પોલીસે અજાણ્યા શખસો ગુનો દાખલ કરીને તપાસ આદરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ કમિશનર રૅન્કના ઓફિસરે બુધવારે અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ સાઉથ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઠગાઇ પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચો: સાયબર ફ્રોડના 100થી વધુ ગુનામાં સંડોવાયેલા બે યુવક ચેન્નઈમાં પકડાયા

મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ વિભાગે એપ્રિલ, 2019 પૂર્વે નોંધણી કરાયેલાં વાહનોમાં આ વર્ષે 30 એપ્રિલ સુધી એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વાહન સંબંધી ગુનાખોરી રોકવા માટે એચએસઆરપી ફરજિયાત છે. આથી રાજ્યમાં નંબર પ્લેટની ફેરબદલીનું કામ શરૂ થયું છે.

આ પણ વાંચો: Jumped Deposit Scam સાયબર ગઠીયાઓનું નવું હથિયાર, બેંક એકાઉન્ટ પલક ઝપકતા જ થઇ જશે ખાલી

રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) દ્વારા આ માટે નોંધણી કરાવવા વાહનના માલિકો માટે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ પર લિંક પૂરી પાડી છે. આરટીઓ દ્વારા ત્રણ વેન્ડરને આ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં રોસમેર્ટા સેફટી સિસ્ટમ લિમિટેડ, રિયલ મેઝોન ઇન્ડિયા લિમિટેડ અને એફટીએ એચએસઆરપી સોલ્યુશન્સ લિમિટેડનો સમાવેશ છે.

આમાંથી રોસમેર્ટા અને રિયલ મેઝોને તેમની બોગસ લિંક તૈયાર કરવામાં આવી હોવાની ફરિયાદ આરટીઓમાં કરી છે.
ફરિયાદની ગંભીરતને ધ્યાનમાં લેતાં આરટીઓ અધિકારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાથી સાયબર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button