લેન્ડ રૅકોર્ડ વિભાગના અધિકારી, કર્મચારીની લાંચના કેસમાં ધરપકડ

થાણે: જમીન સંબંધી કામ પૂર્ણ કરવાના બદલામાં એક શખસ પાસેથી 2.70 લાખ રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ થાણે એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ લેન્ડ રૅકોર્ડ વિભાગના અધિકારી અને કર્મચારીની ધરપકડ કરી હતી.
બંને આરોપીની ઓળખ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રૅકોર્ડ વિભાગના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ચગદેવ મોહોળકર અને એ જ ઓફિસમાં સર્વેયર તરીકે કાર્યરત શ્રીકાંત રાવતે તરીકે થઇ હતી.
આરોપીઓએ શરૂઆતમાં પ્લોટ માપવાના બાકી રહેલા કાર્યને પૂર્ણ કરવા 1.95 લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેને પગલે શખસે થાણે એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, એમ ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ધર્મરાજ સોનકેએ કહ્યું હતું.
આ પણ વાંચો: વીજ વિતરણ કંપનીનો એન્જિનિયર લાંચ લેતાં પકડાયો
થોડા દિવસ બાદ બંનેએ ફરી એક લાખ રૂપિયાની માગણી કરી હતી અને તડજોડને અંતે તેઓ 75 હજાર રૂપિયા લેવા તૈયાર થયા હતા. આથી એસીબીના અધિકારીઓએ બુધવારે સાંજે આરોપીની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું અને બંનેને લાંચ સ્વીકારતાં પકડી પાડ્યા હતા.
બંને આરોપી વિરુદ્ધ થાણે નગર પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)