મેટિની

જીવનમાં અડધું દુ:ખ ખોટા માણસોથી અપેક્ષા રાખવાથી અને બાકીનું અડધું દુ:ખ સાચા માણસો પર શક કરવાથી આવે છે!

અરવિંદ વેકરિયા

પુસ્તકનું પાનું ફેરવીને હજી થોડું વાંચ્યું જ હશે ત્યાં મેક-અપ મેને હળવેથી દરવાજો ખોલ્યો. કદાચ રાત્રે ચીનુભાઈ આવ્યા ત્યારે સીધા પલંગ પર પડ્યા હશે અને દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હશે. ખેર ! ચીનુભાઈની ઊંઘ ન બગડે એટલે મેં નાક પર આંગળી મૂકી અને હું રૂમની બહાર નીકળ્યો. સવારની સરસ ઠંડક હતી. સૂર્યનારાયણ વાદળમાંથી બહાર નીકળી પોતાનું હળવું-હૂંફાળું દર્શન કરાવી રહ્યાં હતા. હું મેક-અપ મેનને લઇ બહાર આવ્યી. એણે મને તૈયાર થવા કહ્યું. રૂમની બહાર મસ્ત ઓટલો હતો અને બે ખુરસી પડેલી હતી. મેં કહું, “અંદર ચીનુભાઈ મોડા સુતા છે, તો બહાર મેક-અપ કરીએ તો તને ફાવશે? એ ઘડીક વિચારમાં પડ્યો. મને કોઈ વાંધો નથી પણ જે અરીસો છે એ અંદર જડેલો છે. એ બહાર નહિ લાવી શકાય. મેક-અપ તો હું કરી લઈશ, તમને અરીસા વગર ફાવે તો..પછી હું તમને મારા હાથ-અરીસામાં બતાવી દઈશ. પછી મેક-અપ ડાર્ક કે લાઈટ કરવા જેવો લાગે તો કરી લઈશું. બાકી લાઈટ તો સૂરજદાદાની નેચરલ આવી જ રહી છે એણે કહ્યું. મને કોઈ વાંધો નથી. મેં કહ્યું. તરત જ એણે એક ખુરસી ઉપર એના મેક-અપનો સમાન ગોઠવ્યો અને બીજી ખુરસી પર મને બેસવા કહ્યું. એણે પોતાનું કામ શરૂ કરતાં કહ્યું કે તમારો પહેલો મેક-અપ કરું છું. પછી હું મોબ-સીન માટેના ૧૦ જણને મેક-અપ કરીશ. મેં કહ્યું “મારે તો નરેશજી અને રોમાજી સાથે સીન કરવાનો છે, તો એમનો મેક-અપ? તો કહે તેઓના તો પર્સનલ મેક-અપ મેન હોય છે. એ એમને તૈયાર કરશે. આટલું કહી એણે મારા મેક-અપના શ્રી ગણેશ કર્યા.

આજે મારો ત્રીજો દિવસ હતો. મારે વાત થયા મુજબ મારે વધુમાં વધુ ચાર દિવસ જ શુટિંગ માટે આપવાના હતા. એ ચાર દિવસનું કામ પૂરું થઇ જશે એવી બાહેંધરી એમણે અને એમના સહ-નિર્માતા ભૂપેન્દ્ર ઘીયાએ મને આપી હતી. આજે શુક્રવાર હતો. રવિવારે તો મારો શો હતો. એ પાછો બપોરનો હતો. ચિન્તા થઇ કે આ લોકો મને છોડશે તો ખરા ને ? એમણે આપેલો ભરોસો મારે મારી શંકાને કારણે તોડવો નહોતો. જીવનમાં કોઈનો ભરોસો ન’ તોડતા કેમ કે ઓગળેલી ચોકલેટ ફ્રીઝમાં મૂકવાથી કઠણ તો થશે પણ મૂળ આકારમાં નહિ રહે, ભરોસાનું એવું જ હોય છે. મેક-અપ મેન મારો ચહેરો રંગવામાં હતો અને મારું મન મારા નાટકમાં હું સમયસર પહોંચીશ કે નહિ એ વિચારમાં અટવાયેલું હતું. ખરેખર ! જીવનમાં અડધું દુ:ખ ખોટા માણસોની અપેક્ષા રાખવાથી આવે છે, અને બાકીનું અડધું દુ:ખ સાચા માણસો પર શક કરવાથી આવે છે. મારે આવા શંકાના દાયરામાં અટવાયને દુ:ખી નહોતું થવું. નીલેશભાઈ નિર્માતા હતા, પણ એ પહેલા એ નાટકની દુનિયાના મારા મિત્ર પહેલા હતા, એમની કાબેલિયતની મને ખબર હતી. ‘એમને યાદ હશે જ અને મને છોડશે જ એવું મેં માની જ લીધું.’

મેક-અપ મેને મારો મેક-અપ પૂરો કરી મને મિરર હાથમાં આપી કહ્યું, “જોઈ લો, બરાબર લાગે છે ને ? મેં અરીસામાં મારું મોઢું જોઈ લીધું અને કહ્યું, તારે હિસાબે બરાબર હોય તો મારે કંઈ કહેવું નથી. કદાચ એવું કંઈ લાગશે તો સેટ ઉપર રી=ટચ કરી લઈશું. એણે કહ્યું, “મારે હિસાબે તો પરફેક્ટ છે કહી એણે પોતાનો મેક-અપ બોક્ષ પેક કર્યો અને મોબ-સીનના કલાકારોનો મેક-અપ કરવા એ ઊપડી ગયો. હું હળવેથી રૂમમાં દાખલ થયો તો વોશ-રૂમમાં ચીનુભાઈ બ્રશ કરી રહ્યાં હતા. મેં કહ્ય, ઉઠી ગયા? મને ગુડ-મોર્નિંગ કહીને કહે, અરવિંદભાઈ, ‘ઊઠી ગયા’ ન કહેવાય, જાગી ગયા’ કહેવાય. સારું છે “હું શૅરબજારનું કામ કરતો નથી નહિ તો ઉઠી ગયા મને કેવું અસર કરી જાય! મને એમની વાત ઉપર હસવું આવી ગયું. મેં મારા કાનની બૂટ પકડી ‘સોરી’ કહી દીધું. મને કહે ખોટું લાગ્યું?. મેં તો જસ્ટ મોર્નિંગ-હ્યુમર કરી. મેં કહ્યું, ખોટું નથી લાગ્યું પણ ખોટું બોલ્યો એ તો સાચું ને? ફરી બંને મોકળા મને હસ્યા.

ચીનુભાઈને ડાન્સરો સાથે કોરીઓગ્રાફી કરવા જવાનું હતું. પેલો મેક-અપ મેન જે ‘મોબ-સીન’ ની વાત કરતો હતો એ ૧૦ ડાન્સરોના મેક-અપ કરવા ગયેલો, અને એ ડાન્સ માટે જ ચીનુભાઈ વહેલા જાગી ગયેલા.

હું અંદર પલંગ પર પડ્યો. હવે મારે ડ્રેસમેનની રાહ જોવાની હતી. ફરી પુસ્તક કાઢ્યું. મને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની સરસ વાત યાદ આવી ગઈ. ‘અંધકારમાં આદિત્યનું અને સંસ્કારમાં સાહિત્યનું હોવું જોઈએ’ હું ફરી વાંચતો અને સમય પસાર કરવામાં પડ્યો. થોડું વાંચ્યું હશે ત્યાં ડ્રેસમેન આવી ગયો. સર…. ચાલ, પહેરી લઉં કહી હું ઉઠ્યો. એને ગુડમોર્નિંગ પણ કર્યું. મને કે.કે.ટેલર્સનાં સીવેલા લેંઘો-ઝભો પહેરાવી, મારા કપડા સરસ રીતે હેન્ગરમાં મૂકી ગોઠવી દીધા. મને કહે ‘સરસ!’ તમારે હિસાબે બરાબર છે ને ? મેં કહ્યું, હા…કપડા કરતાં મારે કલામાં..એટલે કે મારા અભિનયમાં સારા દેખાવું છે. મને કહે, વાહ.. તમારો સ્વભાવ મને બહુ ગમ્યો. મેં કહ્યું, સ્વભાવ હંમેશાં બ્લેકપેન્ટ જેવો હોવો જોઈએ, ગમે તે શર્ટ હોય, મેચ થઇ જાય.

મારી વાત સાંભળી હસતા હસતા એ વિદાય થયો. હવે સહાયક સીન લઈને આવે એની રાહ જોવાની હતી.

હું ફરી પાછો પુસ્તક લઇ પલંગ પર પડ્યો.
***
ચાલ્યા ભલેને સાથે કિરણો હજાર લઇ,

સૂરજ નથી થવાતું તડકો ઉધાર લઇ. !

કહે છે કે સ્ત્રી પુરુષ કરતાં બમણું બોલે છે…..
જો પુરુષ પહેલીવારમાં સાંભળતો હોત તો સ્ત્રી એ બીજીવાર બોલવું ન પડે !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button