Champions Trophy 2025નેશનલ

શમીએ એનર્જી ડ્રિંક પીતા થઈ બબાલઃ મૌલાનાએ વખોડ્યો, તો રાજકારણીઓએ કર્યો બચાવ…

દુબઈઃ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ મેચની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. જેમાં તે એનર્જી ડ્રિંક પીતો નજરે પડી રહ્યો છે. જેને લઈ ભારે વિવાદ થયો છે. કારણ કે હાલમાં મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે. આ મહિનામાં મુસ્લિમો રોઝા રાખતા હોય છે. અનેક મૌલાના દ્વારા શમી રોઝા નહીં રાખતાં વિરોધ કરી રહ્યા છે. શમીની આ તસવીરને લઈ રાજકારણ પણ ગરમાયું છે. ભાજપ આ મામલે શમીના બચાવમાં ઉતર્યું છે.

શમી શરીયતની નજરમાં તે ગુનેગારઃ મૌલાના
શમીની એનર્જી ડ્રિંક પીતી તસવીર પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રાજવીએ નિવેદન બહાર પાડીને કહ્યું, ઈસ્લામમાં રોઝાને એક ફરજ ગણાવવામાં આવી છે. જો કોઈ જાણી જોઈને ન રાખે તો તે ગુનેગાર છે. શમીએ રોઝા નથી રાખ્યા, જ્યારે રોઝા રાખવા તેની નૈતિક ફરજ છે. આમ ન કરવાથી તેણે મોટો ગુનો કર્યો છે. શરીયતની નજરમાં તે ગુનેગાર છે.

તે વાત મૌલાનાથી સહન થતી નથી
આ મુદ્દે ભાજપ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું, આસ્થા કોઈપણ વ્યકિતનો અંગત મુદ્દો છે. ક્યું વ્રત રાખવું, કેવી રીતે પૂજા કરવી તેઓ ખુદ નક્કી કરશે. રોઝા રાખવા કે નહીં તે વ્યક્તિની અંગત ઈચ્છા પર નિર્ભર કરે છે. ક્રિકેટર દેશ માટે રમી રહ્યો છે તે વાત મૌલાનાથી સહન થતી નથી.

રમત ગમતમાં વચ્ચે ધર્મને લાવો નહીં
આ મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રોહિત પવારની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું, દેશનું પ્રતિનિધિત્વ કરતી વખતે મોહમ્મદ શમીને લાગે છે કે રોઝાના કારણે તેના પ્રદર્શન પર થોડી પણ અસર પડશે કે કંઈ થશે તો ઉંઘી નહીં શકે. તે એક કટ્ટર ભારતીય છે, તેણે ઘણી વખત ટીમને જીત અપાવી છે. રમત ગમતમાં ધર્મને વચ્ચે ન લાવવો જોઈએ. જો તમે આજે કોઈપણ મુસ્લિમ વ્યક્તિને પૂછશો તો કહેશે કે તેમને મોહમ્મદ શમી પર ગર્વ છે.

આ પણ વાંચો…ICC ફાઇનલમાં ભારત સામે ન્યુઝીલેન્ડનું પલડું ભારે; જુઓ હેડ-ટૂ-હેડ રેકોર્ડ

સોશિયલ મીડિયા પર છેડાયો જંગ
મોહમ્મદ શમીની આ તસવીરને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ છે. કેટલાક યુઝર્સ શમીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક રોઝા રાખવાની વાત કરતી વખતે પહેલા ધર્મને માનવાની સલાહ આપી રહ્યા છે. શમીના ફેંસનું કહેવું છે કે દેશ માટે રમવું સૌથી મોટી વાત છે. કોઈ ખેલાડીએ મેચ દરમિયાન તેમને કેવી રીતે ફિટ અને ફ્રેશ રાખવા તેમનો નિર્ણય છે. આને લઈ કોઈ વિવાદ ન થવો જોઈએ.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમીનું પ્રદર્શન
ઈજામાંથી મુક્ત થઈને પરત ફર્યા બાદ શમી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ટીમની ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે હર્ષિત રાણા અને હાર્દિક પંડ્યા સાથે નવા બોલથી બોલિંગ કરી છે. રાણા નવોદિત છે અને પંડ્યા ઓલરાઉન્ડર છે, જે વન ડે મેચમાં સામાન્ય રીતે 10 ઓવરનો સ્પેલ પૂરો કરતો નથી. શમીએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં આઠ વિકેટ ઝડપી છે. શમીને વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજા થઈ હતી અને ત્યારથી ટીમ બહાર હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button