
લંડનઃ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર હાલ બ્રિટનના પ્રવાસે છે. એક કાર્યક્રમ દરમિયાન તેમને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને લઈ પત્રકારે સવાલ કર્યો હતો. જેના પર એસ જયશંકરે એવો સણસણતો જવાબ આપ્યો કે આગળનો સવાલ કરવાનો પ્રશ્ન જ ઊભો થયો નહોતો. એક પછી એક મુદ્દાને વણી લઈને વિદેશ પ્રધાને જવાબ આપ્યો કે પત્રકારની બોબડી બંધ થઈ ગઈ હતી.
અહીંના ચેથમ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન નિશાર નામના પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને મધ્યસ્થી બનાવીને કાશ્મીરનો મુદ્દો ઉકેલવાનો પ્રશ્ન કર્યો હતો. પત્રકારે કહ્યું હતું કે ભારતે કાશ્મીર પર ગેરકાયદે કબજો કર્યો હોવાથી ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે, જેને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શાંતિ સમજૂતી મુદ્દે રસ દાખવી રહ્યા છે તે જોતાં શું પીએમ મોદી પણ તેમના મિત્રની મદદથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવી શકે છે? 70 લાખ કાશ્મીરીઓને કંટ્રોલ કરવા 10 લાખ સૈનિક તહેનાત છે?
આપણ વાંચો: USAID ને લઈ વિદેશ પ્રધાન એસ જયશંકરે શું આપ્યું નિવેદન?
જેનો જવાબ આપતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે કાશ્મીરમાં અમે મોટા ભાગના મુદ્દાને નિકાલ કરવા સારું કામ કર્યું છે. મને લાગે છે કલમ 370 નાબૂદ કરવી પહેલું પગલું હતું ત્યાર બાદ કાશ્મીરમાં વિકાસ અને આર્થિક ગતિવિધિને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્રીજા ક્રમે ત્યાં ચૂંટણી થઈ, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. એટલે કાશ્મીરમાં પણ લોકશાહી છે.
મને લાગે છે કે અમે જેની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરનો ચોરી લેવામાં આવેલો હિસ્સો છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદે કબજો કર્યો છે. જ્યારે આ બધું થઈ જશે ત્યારે હું તમને આશ્વાસન આપું છું કે કાશ્મીર મુદ્દાનું પણ સમાધાન થઈ જશે.
વિદેશ પ્રધાને કહ્યું હતું કે, ભારતને હવે માત્ર પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પરત લેવાની રાહ છે. પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજો કર્યો છે. આ પહેલા 9 મે, 2024ના રોજ વિદેશ પ્રધાન જયશંકરે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનો હિસ્સો હોવાનું નિવેદન આપ્યું હતું.