મેટિની

‘કોડ મંત્ર’

તખ્તાની પેલે પાર -વિપુલ વિઠ્ઠલાણી

બે અઠવાડિયાં પહેલાં વાત કરી યુદ્ધનું પાશ્ર્ચાત્યભૂ ધરાવતાં નાટક “૨૩ કલાક ૫૨ મિનિટની.. તો ગુજરાતી રંગભૂમિના ઇતિહાસનું એક એવું પ્રકરણ જે દાયકાઓના દાયકાઓ સુધી યાદ એને તો કેમ ચૂકી જવાય? અને એ પ્રકરણ, એ નાટક એટલે “કોડ મંત્ર!! ૨૦૧૫માં ભરત નારાયણદાસ ઠક્કર નિર્મિત, સ્નેહા દેસાઇ લિખિત અને રાજેશ જોશી દિગ્દર્શિત “કોડ મંત્ર જોવા માટે નાટ્યરસિક જનતા સહિત યુવાપેઢી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ મોટા મોટા ઉદ્યોગપતિઓએ પણ થિયેટર તરફ દોટ મૂકેલી. ૪૦થી ૪૨ જેટલા કલાકારોના કાફલાને એકસાથે તેજપાલ, નહેરુ કે ઠાકરેનાં રંગમંચ પર જુઓ ત્યારે એવી જ અનુભૂતિ થાય જાણે બ્રોડવૅનું કોઈ નાટક માણી રહ્યા હો. સામાન્યપણે કોઈપણ નાટક એક-દોઢ મહિનાની મહેનત પછી તૈયાર થઈ જતું હોય છે પણ આ નાટકની વાત અલગ જ હતી.

નિર્માતા ભરત ઠક્કર અને લેખિકા સ્નેહા દેસાઇએ કોડ મંત્ર પહેલા પણ ઘણાં નાટકો પ્રેક્ષકો સમક્ષ પીરસેલાં એટલે બન્ને વચ્ચે તાલમેલ પહેલેથી જ ખૂબ સારો. ભરત એનાં નાટક “થોડું લોજિક, થોડું મેજિકની ટૂર પર અમેરિકા હતો ત્યારે એના પર સ્નેહાનો ફોન ગયો કે, “મારી પાસે એક સરસ વિષય છે. પણ ‘લૉજિક-મૅજિક’ નાટકમાં જેટલું કમાયો છે એ બધું જ ગુમાવવાની તૈયારી હોય તારી તો તું પાછો આવે એટલે મળીએ.’ સ્નેહાને એ વિષય પ્રાયોગિક ધોરણનો લાગતો હોવાથી એમાં કશું જ કમાવા નહીં મળે એમ ધારી તેણીએ વાર્તા સંભળાવતાં પહેલાં જ ભરતને માનસિક રીતે તૈયાર કરી લીધો હતો. પણ ભરત જેનું નામ. રંગમંચ પર નવી કૃતિને પ્રસ્તુત કરવા ખર્ચાની સહેજ પણ ચિંતા ન કરે એવો ૫૬ની છાતી ધરાવતો નિર્માતા. ભરત તો ભારત આવતાંવેંત પહોંચી ગયો સીધો સ્નેહાનાં ઘરે અને બેસી ગયો વાર્તા સાંભળવા. પહેલા અંકનાં રીડિંગ બાદ ભરતને એ વિષય એટલો કડક લાગ્યો કે એણે એ જ ઘડીએ સ્નેહાને ટોકન મની આપતાં કહ્યું, “તું આનો બીજો અંક તૈયાર કર એટલે આપણે આગળ વધીએ.

સામાન્યપણે નાટકના પહેલા અંકમાં ચાર-પાંચ દ્રશ્યો હોય છે ને બીજા અંકમાં પણ લગભગ એટલાં જ. પણ આ નાટકની સૌથી મોટી સમસ્યા એ હતી કે આમાં સ્નેહાએ જે દ્રશ્યો લખેલાં એ સાવ નાનાં-નાનાં હતાં જેનાં કારણે પહેલા અંકમાં જ અઢારેક જેટલા બ્લૅક-આઉટ હતા. સ્નેહાએ એ સમસ્યા પર વિચાર કરી સમય બગાડવા કરતાં આગળ લખવાનું ચાલું કરી દીધું. અને જ્યારે બીજો અંક લખાઈને આવ્યો ત્યારે તો બ્લૅક-આઉટ વધીને ચાળીસ જેટલા થઈ ગયા. પૂરી સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ ભરતનો વિશ્ર્વાસ ઑર વધી ગયો. એણે સ્નેહાને કહ્યું, “આખું નાટક વાંચ્યા બાદ હું એક નિર્ણય પર તો આવી જ ગયો છું કે આ નાટક તો બનશે જ. બાય હૂક ઑર બાય ક્રૂક. ગમે તે ભોગે, ગમે તેટલા ખર્ચે. અને સત્તર કલાકારો અને ચાળીસ બ્લૅક-આઉટવાળાં નાટકને ડિરેક્ટ કરી શકે એવો જો કોઈ ડિરેક્ટર હોય તો એ છે એક માત્ર રાજેશ જોશી. એટલે હવે જ્યાં સુધી રાજુભાઈ આ પ્રોજેક્ટમાં ના જોડાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.

ભરતે આ પહેલા પણ રાજુભાઈ સાથે બે-ચાર પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું, પણ નિર્માતા તરીકે એ એમને પહેલી જ વાર અપ્રોચ કરવાનો હતો. રાજુ જોશીને બોર્ડ પર લાવવા એટલે એક પહાડ ખોદવા બરાબર એ વાતથી ભરત અજાણ નહોતો છતાં એણે રાજુભાઈને ફૉલો-અપ કરવાનું ચાલું કરી દીધું. પણ રાજુભાઈ પોતાના સિરિયલ્સનાં કામોમાં વ્યસ્ત હોવાને કારણે, “આપણે આવતાં અઠવાડિયે મળીએ, હું હમણાં મુંબઈમાં નથી, મારો ફોન તને સામેથી આવી જશે જેવા અનેક જવાબો ભરતને સાંભળવા મળતા. આમ કરતાં-કરતાં પૂરા ચાર મહિના નીકળી ગયા. (આટલા સમયમાં તો એક નાટક બની જતું હોય છે અને એના ૩૦-૪૦ શૉ પણ થઈ જતા હોય છે. પણ અહીં ચિત્ર જુદું જ હતું. ભરત રાજુભાઈ સિવાય બીજા કોઈના હાથમાં આ નાટકની બાગડોર સોંપવા માગતો નહોતો એટલે એ સતત એમની સાથે મીટિંગની રાહ જોયા કરતો હતો). એક દિવસ સ્નેહાએ કંટાળીને ભરતને કહ્યું, “આમને આમ કેટલા મહિના રાહ જોતાં બેઠાં રહી પ્રોજેક્ટને પાછળ ઠેલવ્યા કરશું? આનો કઇંક તો રસ્તો કાઢવો પડશે’ને?. એટલે ભરતે બીજે દિવસે સવારે રાજુભાઈને ફોન કર્યો. સામે રાજુભાઈ કશું બોલે એ પહેલા જ ભરત એકશ્ર્વાસે બોલી ગયો કે, રાજુભાઈ, “એક સરસ સબ્જેક્ટ છે અને એ માત્ર ને માત્ર તમે જ ડિરેક્ટ કરી શકો એમ છો. આપણા સંબંધોને ધ્યાનમાં રાખતા મારો એટલો હક્ક તો બને જ છે કે તમે એકવાર વાર્તા સાંભળો. અને જો તમને પસંદ ના પડે તો તમારો પણ હક્ક બને છે કે તમે મને તુરંત જ ના પાડી દો. હું એકપણ સવાલ કર્યા વગર ત્યાંથી નીકળી જઈશ. રાજુભાઈએ સહેજ વિચારીને કહ્યું, “આર યુ શ્યોર કે હું ના પાડીશ તો તું ચૂપચાપ જતો રહીશ?. ભરતે હસતાં કહ્યું, હું ૧૦૦% શ્યોર છું. પણ પાછો જવા માટે નહિ, તમે ના નહીં પાડો એના માટે. ભરતનો આત્મવિશ્ર્વાસ જોતા રાજુભાઈએ પછીનાં અઠવાડિયામાં મળવાની હા પાડી.
વિષય સંભળાવતાં પહેલા જેમ સ્નેહાએ ભરતને માનસિક રીતે તૈયાર કર્યો હતો એમ આ વખતે રાજુભાઈ સામે જતાં પહેલા ભરતે સ્નેહાને માનસિક રીતે તૈયાર કરતાં કહ્યું, “વાર્તા એક જ વારમાં સંભળાવજે. વચ્ચે ચ્હા પીવાની ત્રણ મિનિટ પણ ના બગાડીશ, નહીંતો રાજુભાઈ એ ત્રણ મિનિટ દરમિયાન પોતાનો નિર્ણય લઈ ના પણ પાડી શકે છે. એટલે કાં તો ચ્હા પીને વાર્તા સંભળાવજે અથવા તો વાર્તા સંભળાવ્યાં બાદ ચ્હા પીજે. સ્નેહાએ પણ એમ જ કર્યું. જતાંવેંત ચ્હા-પાણી કશું પીધાં વગર જ રાજુભાઈ સામે સતત એક કલાક બોલી આખી વાર્તાનું વર્ણન કરી નાખ્યું. વાર્તાથી પ્રભવિત થઈ રાજુભાઈએ ભરતને હા પાડતા કહ્યું, “મને વાર્તા ગમી છે અને હું ડિરેક્ટ કરવા તૈયાર છું. ભરત આનંદ વ્યક્ત કરવા જાય એ પહેલા જ રાજુભાઈએ કહી દીધું, “પણ હવે તું મારા માથાં પર સવાર થઈને એમ ના કહેતો કે આપણે ફલાણી તારીખે નાટક ઓપન કરવાનું છે અને આપણી પાસે હવે આટલો જ સમય છે. ભરતે તો રાજુભાઈએ હા પાડી એટલે ગંગા નહાયા એમ રાજી થતાં કહ્યું, “બિલકુલ નહીં. હવે તમે કહેશો ત્યારે જ આપણે રિહર્સલ ચાલું કરશું અને એ પછી જ હું મારું આગળનું પ્લાનિંગ કરીશ.

તમને લાગતું હશે કે ત્યારબાદ એકાદ મહિનામાં નાટક બનાવવાની પ્રક્રિયા ચાલું થઈ ગઈ હશે પણ ના.. રાજુભાઈએ રિહર્સલ ચાલું કરવામાં પૂરા આઠ મહિના લગાવ્યા. જી હા, આઠ મહિના. પણ એ આઠ મહિના દરમિયાન કોઈ જ આરામથી નહોતું બેઠું. રાજુભાઈ સ્નેહા પાસે નાટકમાં ફેરબદલાવ કરાવતા રહ્યા અને સ્નેહા પણ એમાં પોતાનાં સૂચનો ઉમેરતી માથે ચોટલી બાંધીને નિષ્ઠાપૂર્વક લખ્યાં કરતી. એ આઠ મહિના દરમિયાન નાટકનાં અલગ-અલગ આઠ વર્ઝન લખાયાં. હા જી, તમે બરાબર જ વાંચ્યું, આઠ વર્ઝન. વાર્તા એની એ જ પણ એની ભજવણી કઈ રીતે કરવી એ માટે થઈને સુધારા-વધારા કરતાં આઠ વર્ઝન લખાયાં હતાં. અંતે જ્યારે ફાઈનલ સ્ક્રિપ્ટ તૈયાર થઈ ત્યારે રાજુભાઈએ ભરત સામે સેટ અને લાઇટ ડિઝાઇન સાથે નાટકનું નેવું ટકા ચિત્ર તો પેપર પર જ ઊભું કરી દીધું હતું. અને મજાની વાત એ હતી કે આ વખતે નાટકમાં ચાળીસમાંથી એકપણ બ્લૅક-આઉટ નહોતો. રાજુભાઈ અને સ્નેહાએ મળીને વાર્તાની ગૂંથણી એવી કરી નાખી હતી કે એક પણ વાર અંધારપટની જરૂર જ ના પડે.. રંગભૂમિના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હતું કે અધધધ દ્રશ્યો અને આટલાં બધાં સ્થળ હોવા છતાં નાટકમાં એકપણ બ્લૅક-આઉટ નહોતો. અને એનો જશ રાજુ જોશી અને સ્નેહા દેસાઈની સાથે ચોક્કસપણે પ્રકાશ અને દ્રશ્ય પરિકલ્પના કરનાર અનુક્રમે ભૌતેશ વ્યાસ અને પ્રસાદ વાલાવલકરને પણ જવો જ જોઈએ. આમ રાજુભાઈની રાહ જોવામાં ચાર અને નાટકને મઠારવામાં આઠ મહિના બાદ છેક બાર મહિને રિહર્સલ ચાલું કરવા માટે શ્રીફળ વધેરાયું.

રણભૂમિનું પાશ્ર્ચાત્યભૂ હોવાને કારણે નાટકમાં ૧૫-૧૭ કલાકારો સાથે સૈનિકોની પણ જરૂર હતી. તો એ સૈનિકોના રોલ માટે ભરત રોજ નવા નવા કલાકારો લઈ આવતો જે “આમાં તો કશું કરવાનું છે જ નહિ’ કહીને એકાદ-બે દિવસમાં પાછા જતા રહેતા. આ તરફ રાજુભાઈએ રિહર્સલ ચાલું રાખ્યાં. નાનાં નાનાં દ્રશ્યો હોઈ રોજ માત્ર ચાર-ચાર પાંચ-પાંચ કલાકારો આવીને રિહર્સલ કર્યા કરે. ૧૫-૧૭ કલાકારોમાંથી એક પણ કલાકારને સમજાતું નહોતું કે શું ચાલી રહ્યું છે. ભરત, સ્નેહા, રાજુભાઈ અને સહાયક દિગ્દર્શક સૂરજ વ્યાસ સિવાય કોઈને આગળ પાછળની કશી લિન્ક જ નહોતી બેસતી. પણ કલાકારોને રાજુભાઈ પર વિશ્ર્વાસ હતો એટલે ચૂપચાપ આગળ વધી રહ્યા હતા. આમાં કર્નલના મુખ્ય પાત્રમાં કલાકાર ગોતવાનો હજુ બાકી જ હતો એટલે એના ડમી (કામચલાઉ) સાથે કામ ચાલી રહ્યું હતું. એ પાત્ર માટે આશુતોષ રાણાથી શરૂ કરીને જેકી શ્રોફ, પરેશ રાવળ, અન્નુ કપૂર, દર્શન ઝરીવાળા, ફિરોઝ ભગત, અતુલ કુલકર્ણી, સચિન ખેડેકર અને મનોજ જોશીથી લઈ પ્રતીક ગાંધી અને ધર્મેન્દ્ર ગોહિલ સુધી પ્રયત્નો કર્યા પણ કોઈ સાથે મેળ ના બેઠો. પણ પેલું કહેવાય છે’ને કે, ‘દાને દાને પે લીખા હૈ ખાને વાલે કા નામ’ એમ છેલ્લા ૧૫ દિવસમાં અચાનક જ જાણીતા કલાકાર પ્રતાપ સચદેવ સાથે વાત થઈ અને બધું બંધબેસતા આ રોલ એમના જ નસીબમાં હોઈ એમના માથે કળશ ઢોળાયો. અને એમણે પણ પોતાની ઉત્કૃષ્ટ અભિનયક્ષમતાથી આ પાત્ર ભજવી લોકોનાં દિલમાં અમીટ છાપ છોડી.
આ તબક્કે પેલો ફેમસ ડાયલૉગ “યે તો સિર્ફ ટ્રેઈલર હૈ, પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત ભરતને લાગુ પડ્યો. રિહર્સલ તો જાણે કે ચાલું થઈ ગયાં હતાં પણ વાત અહીં પતી નહોતી. રોજ રાત્રે થાક્યાપાક્યા ઘરે જઈ નિરાંતે ઘસઘસાટ સૂવાના આદી ભરતને ખબર જ નહોતી કે આગામી અમુક દિવસો માટે એની ઊંઘ એવી હરામ થઈ જવાની હતી કે ન પૂછો વાત. ભરતે તો હજુ અભિમન્યુની જેમ કોઠાઓ પાર કરવાની શરૂઆત જ કરી હતી. એની ખરી કસોટી તો ત્યારબાદ શરૂ થઈ હતી.

(આંખો પહોળી થઈ જાય એવી અચંબામાં પાડી દેનારી બાકીની રસપ્રદ વાતો આવતા શુક્રવારે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે