સોનામાં રૂ. 46નો ધીમો સુધારો, ચાંદીમાં રૂ. 905ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી ધીમો ઘટાડો આવ્યો હતો. જોકે, રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર સ્થિર હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 46નો સાધારણ સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 905ની આગેકૂચ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 905 વધીને રૂ. 96,898ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 46ના સાધારણ સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2921.19 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 86,346ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈકાલે અમેરિકાએ કેનેડા અને મક્ક્સિકોનાં ઑટો ઉત્પાદકોને એક મહિના સુધી 25 ટકા ટેરિફમાંથી મુક્ત રાખ્યાનાં નિર્દેશો સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ચાર મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકાના સુધારા સાથે અનુક્રમે આૈંસદીઠ 2921.19 ડૉલર અને 2929.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર હોવાથી તેઓએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, આજે સત્રના આરંભે ચાંદીમાં વધ્યા મથાળેથી ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 32.26 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અન્ય ઉત્પાદનો જેને ટેરિફમાંથી મુક્ત રાખશે તેની યાદી જાહેર કરનાર હોવાથી ટ્રેડ વૉર વિલંબિત થવાથી આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જિગર ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ટ્રમ્પે કેનેડાના PMને ફરી કહ્યા ‘ગવર્નર ટ્રુડો’, પૂછ્યું – તમારા દેશમાં કેમ ચૂંટણી નથી થતી?
ટ્રમ્પનાં ટેરિફના પ્રતિસાદમાં કેનેડા અને ચીને અમેરિકાથી થતી આયાત પરની ટેરિફમાં વધારો કર્યો છે, જ્યારે મેક્સિકો ટેરિફ અંગે આગામી રવિવારે નિર્ણય લેનાર છે. આમ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે સોનામાં સલામતી માટેની માગ વધારતા ગત 24મી ફેબ્રુઆરીએ ભાવ વધીને આૈંસદીઠ 2956.15 ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 11 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.
તાજેતરમાં સોનામાં વધેલી સલામતી માટેની માગને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્વિક સોનામા ધીમી અને મક્કમ ગતિએ ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ભાવ આૈંસદીઠ 3000 ડૉલર સુધી ભાવ પહોંચે તેવી શક્યતા આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે વ્યક્ત કરી હતી. જોકે, આવતીકાલે જાહેર થનારા ફેબ્રુઆરી મહિનાના અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં રોજગારમાં 1,60,000નો વધારો થાય તેવો અંદાજ રૉઈટર્સના અર્થશાસ્ત્રીઓએ કરેલા સર્વેક્ષણમાં મૂકવામાં આવ્યો છે.