ભાવનગર

ભાવનગરમાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા, જાણો શું છે મામલો

ભાવનગરઃ શહેર મનપા દ્વારા ચાર દિવસ પૂર્વે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અડચણરૂપ 780 ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે પંદર દિવસની મુદત સાથેની નોટિસ ફટકારવામાં આવી હતી. આજે કોર્પોરેશન ખાતે ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિના નેજા હેઠળ વિરોધ વ્યક્ત કરવા આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકો પૈકી ઘણા લોકોએ “અમને પાકિસ્તાન મોકલી દયો, પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી આક્રોશ વ્યક્ત કરતા ભારે વિવાદ જાગ્યો હતો.

ભાવનગર મનપા દ્વારા બોર તળાવથી કુંભારવાડા બ્રિજ થઈ દરિયાઈ ક્રિક સુધી 4.12 કિ.મીનો 69.56 કરોડનો ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પ્રોજેક્ટમાં અડચણરૂપ 811 દબાણકારોને અગાઉ બાંધકામની મંજૂરી અને જમીનના માલિકી આધાર રજુ કરવા નોટીસ આપી હતી. તે પૈકી 31 લોકોએ વાંધો રજુ કર્યા હતા અને અન્ય 780 બાંધકામોને 15 દિવસમાં હટાવી દેવા નહીં તો કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવશે તેવી ચાર દિવસ પૂર્વે નોટિસ ફટકારતા ગઢેચી નદીના બંને કાંઠે રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

જેના વિરોધમાં આજે ગઢેચી નદીના બંને કાંઠે રહેતા લોકો કોંગ્રેસના આગેવાનો સાથે કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. દરમિયાન કોર્પોરેશન ખાતે વિરોધ વ્યક્ત કરતા 200થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને વિરોધ પ્રદર્શિત કરતા સમયે ભાજપ સરકારની હાય હાય સાથે અમને પાકિસ્તાન મોકલી દયો ના નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ મામલે યોગ્ય નિર્ણય નહીં કરાય તો આગામી સાત દિવસ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા પાકિસ્તાન તરફેણના નારાથી ભારે વિવાદ પણ સર્જાયો હતો.

આ પણ વાંચો…હવે કોઈ રસ્તો ખોદવો નહીં: પાલિકાની ચેતવણી

અત્રે ઉલ્લેખની છે કે, ભાવનગર રાજકોટ રોડ પર આ પહેલા બેકરીના એક વેપારી દ્વારા પાકિસ્તાન તરફેણમાં જાહેરમાં નિવેદન આપ્યા બાદ ભારે વિરોધ સાથે વિવાદ સર્જાયો હતો અને હિન્દુ સંગઠન દ્વારા વેપારીને જોડાનો હાર પહેરાવી આક્રોશ વ્યકત કરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button