CBSEની લાલ આંખ છતાં શિક્ષણ વિભાગ ગુજરાતમાં ડમી શાળા શોધી કાઢવામાં નિષ્ફળ

ગાંધીનગર: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુજરાતમાં ડમી શાળાઓની અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને ઉચ્ચ માધ્યમિક(ધોરણ 11-12)માં ભણતા ઘણા વિદ્યાર્થીઓ નિયમિત શાળાને બદલે JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની કોચિંગ કરવા ડમી શાળાઓમાં એડમીશન લે છે. ડિસેમ્બર 2024 માં ડમી શાળા શોધવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)એ પરિપત્ર જાહેર કર્યો હતો, જેના ત્રણ મહિના બાદ પણ ગુજરાતમાં એક પણ ડમી શાળાનો અહેવાલ મળ્યો નથી.
CBSEની સરપ્રાઈઝ વિઝીટ:
બોર્ડની વેબસાઇટ અનુસાર, રાજ્યભરમાં 9,500 થી વધુ GSHSEB સંલગ્ન શાળાઓ છે. ગયા ડિસેમ્બરમાં CBSE દ્વારા શાળાઓમાં સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી, CBSEએ શાળાઓમાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓ અને અપૂરતી માળખાગત સુવિધા માટે કડક ટિપ્પણીઓ કરી હતી. ત્યાર બાદ ગુજરાત બોર્ડે કાર્યવાહી શરુ કરી હતી.
ત્રણ મહિનામાં એક પણ ડમી શાળા ન મળી!
GSHSEB એ 12 ડિસેમ્બર, 2024 ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં ડમી શાળાઓની તાત્કાલિક જાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ડમી વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ શોધી કાઢવામાં નિષ્ફળ ગયું હોય એવું લાગે છે.
ડિસેમ્બર 2024 માં CBSEના પરિપત્ર છતાં, GSHSEB ને ત્રણ મહિના પછી પણ 34 જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) તરફથી ડમી શાળાનો એક પણ અહેવાલ મળ્યો નથી.
આ પણ વાંચો…રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનું શિડ્યૂલ થયું જાહેર
ડમી શાળાઓ ચિંતાનો વિષય:
બોર્ડ સાથે સંકળાયેલા એક શિક્ષણવિદે જણાવ્યું હતું, “ડમી શાળાઓને શોધી કાઢવા ગુજરાત શિક્ષણ વિભાગનો ઉદાસીન અભિગમ શંકા ઉપજાવે એવો છે. મહારાષ્ટ્ર જેવા ગુજરાતના પડોશી રાજ્યોએ ડમી શાળાઓના વધતા દૂષણને ટાળવા માટે બોર્ડના વિદ્યાર્થીઓ માટે 75% બાયોમેટ્રિક હાજરી ફરજિયાત બનવવામાં આવી છે.”
નોંધનીય છે કે GSHSEB ના સભ્ય અધિકારી ડમી શાળાઓની વધતી જતી સમસ્યાને રોકવાની જરૂરિયાત અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.