તાપસી પન્નુની અકળામણ
સાઉથની ફિલ્મોથી શરૂઆત કરી સફળતા મેળવ્યા બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવી રહેલી અભિનેત્રી નિર્માત્રી બન્યા પછી સ્ટાર સિસ્ટમ સામે બળાપો કાઢી રહી છે
ફોકસ -હેમા શાસ્ત્રી
૨૦૨૨નું વર્ષ હિન્દી ફિલ્મ માટે અત્યંત કંગાળ સાબિત થયું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આનાથી વધુ ખરાબ વર્ષ ક્યારેય નથી જોયું એવો અભિપ્રાય અનેક લોકોએ વ્યક્ત કર્યો છે. આંકડા ઘણું બધું કહી જતા હોય છે. ગયા વર્ષની બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મોની યાદી બનાવીએ તો આંકડો દસ સુધી નથી પહોંચતો જ્યારે ફ્લોપ ફિલ્મોનો આંકડો ૪૦ પર પહોંચી જાય છે. સારી સ્ટારકાસ્ટ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં ફિલ્મો ફ્લોપ થવાના કારણોની છણાવટ જ્યારે દિગ્ગજો દ્વારા કરવામાં આવી ત્યારે ફિલ્મ મેકરોએ ફિલ્મની સ્ટાર વેલ્યુ દમદાર બનાવવા પર ધ્યાન આપવાને બદલે ક્ધટેન્ટ પર વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે ‘ક્ધટેન્ટ ઈઝ કિંગ’ જેવી દલીલો અનેક લોકો દ્વારા ગાઈ વગાડીને રજૂ કરવામાં આવી હતી. દલીલમાં દમ હતો અને અનેક લોકોને આ વાત ગળે પણ ઊતરી ગઈ હતી. જોકે, ૨૦૨૩માં આપણે શું જોઈ રહ્યા છીએ? આ વર્ષની ગલ્લો છલકાવનારી ત્રણ અત્યંત સફળ ફિલ્મો છે ‘જવાન’, ‘પઠાન’ અને ‘ગદર ૨’. આ ત્રણેય ફિલ્મમાં ‘ક્ધટેન્ટ ઇઝ કિંગ’ની વાત લાગુ પડે છે ખરી? એનો જવાબ ના એટલા માટે છે કે ‘જવાન’ અને ‘પઠાન’માં શાહરુખ ખાનની હાજરી અને ‘ગદર ૨’માં સની દેઓલ અને ૨૦૦૧ની ‘ગદર’નું સફળ સમીકરણ ફિલ્મને સફળ બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે એવી દલીલમાં બહુ દમ છે. અલબત્ત અન્ય પણ કેટલીક ફિલ્મો સારી સફળતાને વરી છે જેમાં ‘ઓએમજી ૨’, ‘કેરળ સ્ટોરી’, ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ‘તૂ જૂઠી મૈં મક્કાર’, ‘ડ્રીમ ગર્લ ૨’ વગેરેનો સમાવેશ છે. આ બધી ફિલ્મો સ્ટાર પાવર કરતા એના ક્ધટેન્ટને કારણે લોકોને વધુ ગમી છે એ પણ એટલી જ સાચી હકીકત છે. ફરક વકરાના તફાવતમાં છે. શાહરુખની બંને ફિલ્મ ૧૦૦૦ કરોડને પાર કરી ગઈ છે, સનીની ફિલ્મને ૭૦૦ કરોડથી સહેજ છેટું રહી ગયું જ્યારે અન્ય સફળ ફિલ્મો ૧૫૦ – ૩૫૦ કરોડના દાયરામાં રહી છે. તો શું એમ સમજવાનું કે ‘ક્ધટેન્ટ ઈઝ કિંગ’ એ માત્ર કાગળ પરની કે ચર્ચા કરવા માટેની એક રૂપાળી દલીલ છે? અંતે તો રાજાને ગમી એ રાણી એ ન્યાયે પ્રેક્ષક માઈબાપને ક્યારે શું ગમી જાય એ સમજવું ઈશ્ર્વરના અસ્તિત્વને સમજવા જેટલું મુશ્કેલ છે.
સાઉથની ફિલ્મોથી શરૂઆત કરી હવે હિન્દી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથરી રહેલી તાપસી પન્નુની દલીલ આ સંદર્ભમાં જાણવા – સમજવા જેવી છે. ૨૦૧૫ની ‘બેબી’થી ધ્યાનમાં આવેલી અને છેલ્લાં આઠેક વર્ષમાં ‘પિન્ક, ‘બદલા’, ‘થપ્પડ’, ‘સાંડ કી આંખ’ ‘મિશન મંગલ’ વગેરે ફિલ્મોથી ઠસો ઉમટાવનાર તાપસીની નિર્માત્રી તરીકેની પહેલી ફિલ્મ ‘ધક ધક’ રિલીઝ થઈ છે એ નિમિત્તે તેણે કરેલા કેટલાક વિધાનને કારણે અભિનેત્રી ચર્ચામાં છે. મહિલાલક્ષી કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મમાં મોટર બાઈક પર સવાર ચાર મહિલાના વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત કેન્દ્ર સ્થાને છે. આશ્ર્ચર્યની વાત એ છે કે તાપસી ફિલ્મની સહ નિર્માત્રી હોવા છતાં એના પ્રમોશનથી દૂર રહી હતી. એની ગેરહાજરી વિશે અનેક અટકળો વહેતી થઈ હતી. છેવટે તાપસીએ ગેરહાજરીનું કારણ જણાવતા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટાર સિસ્ટમ સામે આંગળી ચીંધી છે. એક ઇન્ટરવ્યૂમાં તાપસીએ જણાવ્યું હતું કે ‘લોકો’ ક્ધટેન્ટ ઈઝ કિંગ’ માને છે એ વાત તકલાદી હોવાનું મેં મેહસૂસ કર્યું છે. ઈન્ડસ્ટ્રીમાં ઠેર ઠેર દંભ જોવા મળે છે. લોકો એક લાઈનની સ્ટોરી જાણી લીધા પછી પૂછે છે કે પિક્ચર મેં હીરો કૌન હૈ? હીરો કોણ છે એના પરથી ફિલ્મમાં કેટલા પૈસા રોકવા કે એને માટે કેવી લાગણી રાખવી એ નક્કી થતું હોય છે. હું જ્યારે પણ ફિલ્મ સાઈન કરું છું ત્યારે મારા સહ કલાકાર કે હીરો કોણ છે કે બેનર – નિર્માતા કેટલા ગંજાવર છે એવો સવાલ નથી કરતી. મેં પહેલી જ ફિલ્મ કરી રહેલા ડિરેક્ટર કે સહ કલાકારો સાથે કામ કર્યું છે, પણ બધા લોકોનો રવૈયો આવો નથી હોતો.’ સાથે એ વાત પણ ઉમેરવી રહી કે આજે પણ દર્શકનો એક નોંધપાત્ર વર્ગ છે જે ‘હીરો કોણ છે’ એ જાણ્યા પછી ફિલ્મ જોવા જતો હોય છે.
અલબત્ત આ કોઈ નવી વાત નથી. ૧૯૯૧માં રિલીઝ થયેલી ‘અજૂબા’ ડિમ્પલ કાપડિયાએ સાઈન કરી ત્યારે પણ સ્ટાર સિસ્ટમની બોલબાલા હતી જ. જોકે,રાજ કપૂરની ‘બોબી’થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી લેનાર ડિમ્પલ કાપડિયાએ માત્ર પૈસા માટે મનમોહન દેસાઈની ‘મર્દ’માં કામ કરવાની ના પાડી જિતેન્દ્ર સાથે ’પાતાલ ભૈરવી’ નામની ફિલ્મમાં કામ કરવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે ‘મેં અમિતાભ બચ્ચન સાથે ‘મર્દ’માં કામ કરવાની ઓફર ઠુકરાવવાની મૂર્ખાઈ કરી હતી. હદ તો એ વાતની છે કે એ ફિલ્મ માટે ના પાડી મેં કોઈ બહેતર ફિલ્મ કરી એવું નહોતું. મિસ્ટર દેસાઈને ના પાડી મેં જે ફિલ્મ સ્વીકારી એ ‘પાતાલ ભૈરવી’માં મારે એક સ્ટુપિડ સોન્ગ અને ડાન્સ કરવાનો હતો. વધુ પૈસાની લાલચમાં અમિતાભ સાથેની ફિલ્મ ગુમાવી એક ઢંગધડા વગરની ફિલ્મ કરી બેઠી જેનો અફસોસ મને કાયમ રહ્યો.’ ડિમ્પલ કાપડિયાને ૧૯૯૧માં રિલીઝ થયેલી ’અજૂબા’ના રોલ વિશે પૂછવામાં આવતા તેણે એટલું જ કહ્યું હતું કે ‘ફિલ્મમાં અમિતાભ હીરો હોય ત્યારે હિરોઈનના રોલ વિશે સવાલ જ ન કરવાનો હોય. ‘અજૂબા’ તો મારા માટે પિકનિક હતી.’
ઘટનાના તાણાવાણા જુઓ. દિગ્દર્શક શશી કપૂર ‘અજૂબા’માં શ્રીદેવીને સાઈન કરવા માગતા હતા, પણ મેડમે ના પાડી એટલે ડિમ્પલનો નંબર લાગી ગયો હતો. ૧૯૮૬માં રિલીઝ થયેલી ‘આખરી રાસ્તા’માં શ્રીદેવી અમિતજીની હિરોઈન હતી, પણ ફિલ્મમાં મિસ્ટર બચ્ચનનો રોલ ડબલ સાઈઝ ટર્કીશ ટોવેલ જેવો હતો જ્યારે પોતાનો રોલ લેડીઝ રૂમાલ કરતાંય નાનો હોવાથી શ્રીદેવીએ દમદાર રોલ ન હોય તો કામ નહીં કરવાનું એવા સોગંદ ખાધા હતા. ૧૯૮૦ના દાયકામાં અમિતજી સુપરસ્ટાર હતા તો શ્રીદેવીનો દરજ્જો પણ તેમની સમકક્ષ હતો. એટલે જ રોલમાં દમ ન હોવાનું કારણ આપી અમિતજી સાથે ‘અજૂબા’માં કામ કરવાની ના પાડનાર શ્રીદેવીએ અમિતાભ બચ્ચન સાથેની મુકુલ આનંદ દિગ્દર્શિત ‘ખુદા ગવાહ’ (૧૯૯૨) સ્વીકારી હતી કારણ કે એમાં તેનો રોલ અમિતજી સાથે ખભે ખભા મિલાવી શકાય એવો હતો.