ઇન્ટરનેશનલ

ઇઝરાયલી સેનાના આ 4 યુનિટ ધરાવે છે લોખંડી તાકાત, હમાસને આપી રહ્યા છે જબરી ટક્કર

ઇઝરાયલ અને હમાસ વચ્ચે મોટાપાયે યુદ્ધ ચાલી રહ્યું છે. આ લડાઇમાં ઇઝરાયલે પેલેસ્ટાઇનના ચરમપંથી સંગઠન હમાસનો ખાતમો બોલાવવાની જાણે પ્રતિજ્ઞા જ લઇ લીધી હોય તેમ હમાસનું નિયંત્રણ ધરાવતા ગાઝાના વિસ્તારોની ઘેરાબંધી કરી લીધી છે અને સતત ગોળીબાર કરી રહી છે. આ બધામાં ઇઝરાયલની સેનાના 4 જૂથો વિશે દુનિયાભરમાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. આ 4 યુનિટ્સ સાયરેત મતકલ, શાયતેત-13, યુનિટ-669 અને યહાલોમ છે જેમને અત્યંત ખતરનાક માનવામાં આવે છે.

ઇઝરાયલી સેનાના પ્રિમીયર સ્પેશિયલ યુનિટ સાયરેત મતકલ વિશે દુનિયાભરમાં બેહદ ખૂંખાર યુનિટ હોવાની છાપ છે. આ યુનિટના યોદ્ધા ઇઝરાયલની બહાર જઇને બંધક બનાવાયેલા ઇઝરાયલી નાગરિકોને છોડાવવા માટે મશહૂર છે. હમાસે ઓછામાં ઓછા 200 ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવીને તેમને ગાઝાપટ્ટીમાં પોતાના નિયંત્રણ હેઠળ રાખ્યા છે. જેમને છોડાવવાની જવાબદારી પણ સાયરેત મતકલને આપવામાં આવી છે.

1957માં આ યુનિટની સ્થાપના થઇ હતી અને તેના યોદ્ધાઓએ ઇઝરાયલ વિરોધી લગભગ તમામ મોટા આતંકવાદ વિરોધી ઓપરેશનનું નેતૃત્વ કર્યું છે. તેમજ તેમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. યુદ્ધ દરમિયાન સાયરેત મતકલને સૌથી જોખમી માહિતી એકઠી કરવાનું તેમજ અભિયાન ચલાવવાનું કામ સોંપાય છે. યુનિટના સૈનિકો ઘરમાં ઘુસીને પણ દુશ્મનનો ખાતમો બોલાવે છે.

ઇઝરાયલ પોતાના સ્પેશિયલ યુનિટના ઓપરેશનોની માહિતી ખાનગી જ રાખે છે પરંતુ એવું માનવામાં આવે છે કે 1968માં ઓપરેશન ગિફ્ટ(બેરૂતમાંથી આરબ વિમાનોને નષ્ટ કરવા), ઓપરેશન રોસ્ટર(1969ના ઇજીપ્તના રડાર સ્ટેશન પર કબજો), ઓપરેશન આઇસોટોપ(1972માં હાઇજેક કરેલું સબેના વિમાન છોડાવવું)માં આ યુનિટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આટલા મોટા મિશનોને અંજામ આપનારા સૈનિકોની તાલીમ ઘણી કડક હોય છે. 2 વર્ષની સતત કડક ટ્રેનિંગ બાદ સાયરેત મતકલના જવાનોને કોમ્બેટ, પેટ્રોલિંગ, બોમ્બ અને લેન્ડ માઇન્સને ડિફ્યુઝ કરવાની ટ્રેનિંગ, પહાડ, જંગલ અને રણપ્રદેશમાં લાંબા સમય સુધી જીવિત કઇ રીતે રહેવાય તેની તાલીમ આપવામાં આવે છે. આ યુનિટ ખૂબ જ ગુપ્ત રીતે કામ કરે છે અને ઇઝરાયલના ઘણા રાજનેતાઓ આ યુનિટનો ભાગ રહી ચુક્યા છે. બેન્જામિન નેતન્યાહુ પણ આ જ યુનિટનો ભાગ હતા.
ઇઝરાયલી નૌસેનામાં કમાન્ડોની એક વિશેષ યુનિટ છે જેને શાયતેત 13 કહેવાય છે. તે નેવીમાં ચાલતા સ્પેશિયલ ઓપરેશન્સને અંજામ આપવાનું કાર્ય કરે છે. સમુદ્રમાં ગોતાખોરી, યુદ્ધ જહાજો ચલાવવા વગેરેમાં આ ટુકડીના સૈનિકો માહેર હોય છે. શાયતેત 13 ની તુલના અમેરિકાના SEALs સાથે કરવામાં આવે છે.

યુનિટ 669 ઇઝરાયલી વાયુસેનાનું યુનિટ છે જે દુશ્મનોની સરહદે ફસાયેલા વિમાનો અને પાયલટને રેસ્ક્યુ કરવા માટે ગઠિત થયું હતું. તે કોઇપણ મુશ્કેલ સ્થિતિમાં હવાઇ અભિયાનો દ્વારા વિશ્વના કોઇપણ ખૂણે ફસાયેલા લાપતા સૈનિકોને શોધી લાવે છે. આ યુનિટનું પ્રતીક બિલાડી છે. તે બિલાડીની જેમ જ ગુપચુપ કામ કરે છે. દુશ્મન દેશોમાં આક્રમક રીતે પોતાના મિશનને અંજામ આપે છે. 7 ઓક્ટોબરે હમાસ સાથે જંગ શરૂ થયાના 3 દિવસની અંદર જ યુનિટ 669 એ 45 રેસ્કયુ ઓપરેશન કર્યા અને 200 ઇજાગ્રસ્તોને બચાવ્યા હતા.

યહાલોમ યુનિટ એન્જિનિયરીંગના કામોમાં મહારથ ધરાવે છે. તે આતંકી સુરંગોને તબાહ કરવામાં પોતાની ભૂમિકા ભજવે છે. હમાસે ઇઝરાયલ પર હુમલો કરવા માટે ગાઝામાં 2500થી વધુ આંતરિક સુરંગ બનાવી છે. જેમને નષ્ટ કરવા માટે ઇઝરાયલે તેની સ્પેશિયલ યુનિટને મેદાનમાં ઉતારી છે. આ યુનિટના સૈનિકોનું મુખ્ય કામ બોમ્બ શોધવા, ડિફ્યુઝ કરવા, ઇમારતો ધ્વસ્ત કરવી, સુરંગો ઉડાડવી વગેરે છે. તેઓ હાઇફાઇ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેમાં રોબોટ અને રિમોટ કંટ્રોલથી ચાલતા ઉપકરણોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button