અકસ્માતની બે ઘટનામાં 9 લોકોના મૃત્યુ, એક જ પરિવારના છ લોકોએ ગુમાવ્યો જીવ

અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારમાં જ અકસ્માતની બે મોટી ઘટના બની હતી. જેમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદથી જાલોર જઈ રહેલી કારને સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર અકસ્માત નડ્યો હતો. આબુરોડ નજીકના વિસ્તારમાં અમદાવાદથી જાલોર જઈ રહી એક કાર ટ્રેલર પાછળ ધૂસી ગઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.

આ ઘટનાની જાણ મળતાં જ સિરોહી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાથી 108 દ્વારા તેમને સારવાર માટે સિરોહી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 6 મૃતદેહોને આબુરોડ સરકારી હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં હતા. એક જ પરિવારના છ લોકોના મોત થવાથી અત્યારે પંથકમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. આબુરોડના વિનાયક પેટ્રોલ પંપ નજીક ભારે ધડાકા સાથે ટ્રેલર અને કાર વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં છ લોકોના મોત થયાની જાણ થતા ઘટના સ્થળ પર પણ લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે પહોચેલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટ્રાફિકજામને દુર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…રાજકોટના ભાજપ મહિલા કોર્પોરેટરને પગમાં ગોળી વાગી, જાણો કેવી રીતે બની ઘટના
ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર કાર ટ્રકમાં ઘૂસી ગઈ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાર ઝડપે જતી ઇકો કાર હરીપર બ્રિજ નજીક આગળ જતી ટ્રકમાં ઘૂસી જતાં ઇકોમાં સવાર સાત પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.
આ ગોઝારી ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈને પોસ્ટ મોર્ટમ અર્થે માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જયારે અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.