બેવડી ઋતુથી અમદાવાદમાં રોગચાળો વકર્યો: સોલા સિવિલ હોસ્પિટલ OPDમાં 7,744 કેસ નોંધાયા

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રોગચાળો વકર્યો છે. તેમાં પણ ગત સપ્તાહે દિવસ દરમિયાન અમદાવાદના રહેવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા હતા અને સાંજ થતા જ આંશિક ઠંડક અનુભવાતી હતી. જેથી ઠંડી-ગરમીની બેવડી ઋતુમાં શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો સાથે અનેક લોકો વાયરલ ઇન્ફેક્શનમાં સપડાયા છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહે મોટી સંખ્યામાં વાયરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાની અછત, દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર
ગત સાપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 7,744 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 3,944 દર્દીઓને વિવિધ પ્રકારની સઘન સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બેવડી ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થાય છે. તેવામાં ગત સપ્તાહે સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના 130 જેટલા કેસ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરમીમાં વધારો થતા મચ્છરોનો ઉપદ્રવ ઘટે છે, પરંતુ બેવડી ઋતુને કારણે મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ નોંધાઇ રહ્યા છે. ગત સપ્તાહે હોસ્પિટલમાં મેલેરિયાના 4 તથા ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો હતો. જ્યારે ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો ન હતો.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં હડકાયા કૂતરાના ઇન્જેક્શનો લાંબા સમયથી સ્ટોક ખલાસ…
રાજ્યમાં પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે. ગત સપ્તાહે ટાઈફોઈડના 10 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ઝાડા ઉલ્ટીના 84 અને વાયરલ હિપેટાઈટીસના 21 કેસ નોંધાયા હતા. મુખ્યત્ત્વે એક સાપ્તાહ દરમિયાન બાળ વિભાગમાં 70-80 દર્દીઓ આવતા હોય છે, ત્યારે ગત સાપ્તાહ દરમિયાન 53 બાળકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.