પાકિસ્તાનમાં બે બોમ્બ વિસ્ફોટમાં બારનાં મોતઃ ૩૦ ઘાયલ

પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક શહેરમાં બે બોમ્બ ધડાકા થયા હતા. બે આત્મઘાતી હુમલાખોરોએ લશ્કરી થાણાની દિવાલ તોડવા માટે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આ હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે ૩૦ ઘાયલ થયા હતા. બન્નુ શહેરના લોકો દ્વારા મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીના ભાગરૂપે દુકાનો અને શાળાઓ બંધ રહી હતી.
પાકિસ્તાની તાલિબાન સાથે જોડાયેલા એક આતંકવાદી જૂથે મંગળવારે સાંજે બન્નુમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી. બે આત્મઘાતી હુમલાખોરોએ લશ્કરી થાણાની આસપાસની દિવાલ તોડી નાખી હતી.
વિસ્ફોટ વખતે મોટા ભાગના સ્થાનિક રહેવાસીઓ પવિત્ર રમઝાન માસનો દિવસભરનો ઉપવાસ તોડી રહ્યા હતા અથવા તો નજીકની મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ અન્ય હુમલાખોરોને હુમલો કરવાની તક મળી હતી. જેથી હુમલાખોરો કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા અને સૈનિકો સાથે ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં TTP ના 6 આતંકવાદી ઠાર; 7 બાળકો સહિત 12 લોકોના મોત…
શક્તિશાળી વિસ્ફોટોથી દિવાલો તૂટી પડી હતી અને છતના કૂરચા ઉડી ગયા હતી. તેમજ મસ્જિદને પણ ભારે નુકસાન થયું હતું. આ હુમલામાં માર્યા ગયેલા ૧૨ લોકોની સાથે સાથે ૩૦ લોકો ઘાયલ પણ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. મૃતકોમાં સૈનિકોનો સમાવેશ થતો નથી. હુમલામાં કે ત્યારબાદ થયેલા ગોળીબારમાં કેટલા સુરક્ષા દળો માર્યા ગયા કે ઘાયલ થયા તે તાત્કાલિક જાણી શકાયું નથી.
બન્નુ સમુદાયના વડીલ આલમ ખાન જણાવે છે કે એક દિવસનો શોક પાળવામાં આવ્યો છે. બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. મોટા ભાગની દુકાનો પણ બંધ છે. મસ્જિદની ધરાશાયી થયેલી છત નીચે ફસાયેલા ત્રણ મૃતકના મૃતદેહ બહાર કાઢીને બચાવ કર્મચારીઓએ તેમનું અભિયાન પૂર્ણ કર્યું છે. બન્નુ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુખ્વાના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં આવેલું છે. અહીં ઘણા સશસ્ત્ર જૂથો સક્રિય છે. પાકિસ્તાન તાલિબાન સાથે જોડાયેલા જૂથ જૈશ અલ-ફુરસાને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.