Video Viral: સ્ટેજ પર જ બે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો વચ્ચે તૂ તૂ મૈં મૈં અને પછી…

વિક્રમ ભટ્ટ હોરર ઝોનરની ફિલ્મ બનાવવા માટે ખૂબ જ જાણીતા છે અને ટૂંક સમયમાં જ તેમની નવી ફિલ્મ તુમકો મેરી કસમ રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ટીમની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. અનુપમ ખેર, અદા શર્મા, ઈશ્વાક સિંહ જેવા કલાકારો આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. દરમિયાન આ ઈવેન્ટ પર મહેશ ભટ્ટ પણ હાજર રહ્યા હતા અને સ્ટેજ પર અનુપમ ખેર તેમ જ મહેશ ભટ્ટ વચ્ચે કંઈક એવું બન્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ જોઈને નેટિઝન્સ ભડકી ઉઠ્યા હતા. આવો જોઈએ આખરે એવું તે શું થયું બંને વચ્ચે-
આ પણ વાંચો: 40 વર્ષની ફિલ્મી કારકિર્દીને વાગોળતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર કરી મોટી વાત…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે બધાની હાજરીમાં અનુપમ ખેર મહેશ ભટ્ટને સ્ટેજ પરથી નીચે ઉતરવા જણાવે છે અને મહેશ ભટ્ટ સ્ટેજ પરથી ઉતરી પણ ડાય છે. યુઝર્સ આ વીડિયો જોઈને કહી રહ્યા છે કે આખરે અનુપમ ખેર આવું કઈ રીતે કરી શકે છે, કારણ કે તેમણે મહેશ ભટ્ટના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મોમાં કામ કર્યું છે.
વીડિયોમાં અનુપમ ખેર સ્ટેજ પર અદા શર્મા, ઈશ્વાક સિંહ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે આ સમયે મહેશ ભટ્ટ પણ તેમની સાથે પોઝ આપવા માટે હાજર હોય છે. દરમિયાન અનુપમ ખેર કોઈ કારણસર ગુસ્સામાં દેખાય છે અને તેઓ મહેશભટ્ટને એવું કહેતાં સંભળાય છે કે ભટ્ટ સાહબ હવે તમારે જવું જોઈએ. આ જોઈને મહેશ ભટ્ટ પણ ગુસ્સામાં કહે છે કે અચ્છા મારે જવું જોઈએ? આટલું કહીને મહેશ ભટ્ટ સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગે છે અને અનુપમ ખેર તેમને ટેકો આપવા હાથ આગળ કરે છે, પણ મહેશ ભટ્ટ ગુસ્સામાં તેમનો હાથ ઝટકીને જતા રહે છે. મહેશ ભટ્ટને જોઈને કોઈ પૂછે છે તે ભટ્ટ સાહબ તમે જઈ રહ્યા છો? જેના જવાબમાં મહેશ ભટ્ટ કહે છે કે મને કહેવામાં આવ્યું છે કે તમે જાવ.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહેશ ભટ્ટની બોડી લેંગ્વેજ જોઈને એક વાત તો સ્પષ્ટ થાય છે કે તેઓ અનુપમ ખેરની વાતથી ખાસ્સા નારાજ છે. નેટિઝન્સ પણ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોનું એવું કહેવું છે કે અનુપમ ખેરે આવું નહોતું કરવું જોઈતું. કેટલાકનું એવું પણ કહેવું છે કે મહેશ ભટ્ટની તબિયત સારી હોય એવું નથી લાગી રહ્યું અને અનુપમ ખેરે કદાચ તેમની તબિયતને લઈને પણ આવું કીધું હશે.
વાત કરીએ તુમકો મેરી કસમની તો આ ફિલ્મની તો આ ફિલ્મ 21મી માર્ચના રિલીઝ થઈ રહી છે અને તેની સ્ટોરી અનુપમ ખેરના કેરેક્ટરની આસપાસમાં ફરી રહી છે. આ ફિલ્મ ડો. અજય મુર્ડિયાની જિંદગીથી ઈન્સપાયર હોવાનું કહેવાઈ રહ્યું છે.