ભારતને એક શહેરમાં રમવાથી ફાયદો થવાના અહેવાલ અંગે સ્ટીવ સ્મિથે કરી નાખ્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી…

દુબઈ: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યા પછી ભારતે પાકિસ્તાનમાં નહીં રમવાનો મુદ્દો દર બીજે દિવસે ચર્ચામાં રહે છે, જેમાં અનેક ક્રિકેટરે તો ભારત એકલું દુબઈમાં રમી રહ્યું હોવાથી ફાયદો થઈ રહ્યો હોવાનું રટણ કરી રાખે છે ત્યારે કાંગારુ ટીમના સુકાની સ્ટીમ સ્મિથે તાજેતરમાં મહત્ત્વની વાત કરીને આ વાતને ફગાવી નાખી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે. દરમિયાન ઘણા લોકોનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતને એક જ શહેરમાં રહેવાનો ફાયદો મળી રહ્યો છે, પરંતુ તેનાથી વિપરીત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને લાગતું નથી કે ટીમ ઇન્ડિયાને લાંબા સમય સુધી એક દુબઇમાં રહેવાનો ફાયદો મળી રહ્યો છે. સ્મિથે સ્વીકાર કર્યો હતો કે એક શાનદાર ટીમે તેમને પરાજય આપ્યો હતો.
આપણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાંગારુઓને હરાવવામાં ટીમ ઈન્ડિયા કેમ સફળ રહી, જીતના કારણો જાણી લો!
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સ્પર્ધામાંથી ઓસ્ટ્રેલિયાના બહાર થયા બાદ વન-ડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર સ્મિથે જણાવ્યું હતું કે ભારત મંગળવારે જીત મેળવવા માટે ખૂબ સારું ક્રિકેટ રમ્યું હતું.
સ્મિથે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે હું તેને (ભારતની પિચ અને પરિસ્થિતિઓથી પરિચિત હોવાને કારણે) વધારે મહત્વ આપી રહ્યો નથી. ભારત અહીં ખૂબ સારું ક્રિકેટ રમ્યું. અહીંની પિચ સ્પિનરોની હાજરીમાં તેમની શૈલીને અનુરૂપ છે. સ્મિથે કહ્યું કે અમારી પાસે આવી પીચ માટે ઝડપી બોલરો છે. તેઓ સારું રમ્યા તેઓએ અમને પછાડ્યા અને તેઓ જીતવાના હકદાર હતા.
સ્મિથે કહ્યું હતું કે અમારી પાસે 300થી વધુ રન બનાવવાની ઘણી તકો હતી. અમે કદાચ ઇનિંગ દરમિયાન ઘણી વખત વધુ વિકેટ ગુમાવી છે. જો અમે આ ભાગીદારીમાં વધારો કર્યો હોત તો અમે કદાચ 290-300 રન કરી શક્યા હોત.
મેચમાં 73 રનની ઇનિંગ રમનાર સ્મિથે સ્વીકાર્યું કે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે સરળ નથી. જોકે એલેક્સ કેરીએ કહ્યું હતું કે ભારતને દુબઈમાં રહેવાથી ફાયદો થયો હોઇ શકે છે, પરંતુ તેણે એ હકીકત સ્વીકારી હતી કે તેમની ટીમ મોટો સ્કોર કરી શકી નહીં.