Champions Trophy 2025

NZ VS SA: વિલિયમ્સન-રચિનની શાનદાર સદી, ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને આપ્યો 363 રનનો લક્ષ્યાંક

લાહોરઃ કેન વિલિયમ્સન અને રચિન રવિન્દ્રની સદીઓની મદદથી ન્યૂ ઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 363 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂ ઝીલેન્ડે 50 ઓવરમાં છ વિકેટે 362 રન કર્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે.

તેઓએ ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડી દીધી હતી જેણે વર્તમાન ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટે 356 રનનો સૌથી વધુ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જો દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં પ્રવેશ મેળવવો હોય તો તેણે નવો ઇતિહાસ રચવો પડશે અને બધા જૂના રેકોર્ડ તોડવા પડશે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂ ઝીલેન્ડે વિલ યંગની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. વિલ યંગ 21 રન કરીને આઉટ થયો હતો. જોકે, આ પછી રચિન અને વિલિયમ્સને બીજી વિકેટ માટે 164 રનની ભાગીદારી કરી હતી. દરમિયાન, રચિને તેની વનડે કારકિર્દીની પાંચમી સદી પણ ફટકારી હતી.

આપણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં કાંગારુઓને હરાવવામાં ટીમ ઈન્ડિયા કેમ સફળ રહી, જીતના કારણો જાણી લો!

રચિન સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. તેણે 101 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 108 રન ફટકાર્યા હતા. આ પછી વિલિયમ્સને પણ ઇનિંગ્સને આગળ વધારી અને પોતાના વનડે કારકિર્દીની 15મી સદી ફટકારવામાં સફળતા મેળવી હતી. વિલિયમ્સન 94 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 102 રન કરીને આઉટ થયો હતો.

વિલિયમ્સન અને રચિનના આઉટ થયા પછી ટોમ લાથમ ચાર રન કરીને આઉટ થયો. જોકે, ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 300 ને પાર પહોંચાડ્યો હતો. મિશેલ અડધી સદી ચૂકી ગયો અને 37 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 49 રન કરીને આઉટ થયો હતો.

દરમિયાન માઈકલ બ્રેસવેલે 12 બોલમાં 16 રનનું યોગદાન આપ્યું હતું. ફિલિપ્સ અંત સુધી રહ્યો અને 27 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 49 રન ફટકાર્યા હતા. કેપ્ટન મિશેલ સેન્ટનર બે રન કરીને અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કગીસો રબાડાએ બે અને વિઆન મુલ્ડરે એક વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button