અમદાવાદ

Gujarat બન્યું બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન, વર્ષ 2024માં દેશ-વિદેશના આટલા પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)પ્રવાસન ક્ષેત્રનો સતત વિકાસ થઇ રહ્યો છે. જેના લીધે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. જેમાં વિધાનસભા ગૃહમાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આપેલી માહિતી મુજબ વર્ષ 2024માં દેશ-વિદેશના 18 કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે 2023-24 દરમિયાન ગુજરાતમાં 18.59 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં 17.50 કરોડ સ્થાનિક પ્રવાસીઓ અને 23.43 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી, પ્રવાસન ક્ષેત્રે ન્યૂઝીલેન્ડે દાખવ્યો રસ

પ્રવાસીઓની સંખ્યામાં 24.07 ટકાનો નોંધપાત્ર વધારો

જેમાં 11.38 કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે મુલાકાત લીધી હતી. જ્યારે 7.21 કરોડથી વધુ પ્રવાસીઓ રાત્રિ રોકાણ કર્યું હતું. આ વર્ષ 2022-23 ની સરખામણીમાં 2023-24 માં પ્રવાસીઓની સંખ્યામાં 24.07 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. વર્ષ 2022-23 માં પ્રવાસીઓની સંખ્યા 14.98 કરોડ હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતભરના પ્રવાસીઓ મુખ્યત્વે ધાર્મિક, વ્યવસાય, વારસો નિહાળવા અને આનંદ પ્રમોદના હેતુસર ગુજરાતની મુલાકાત લે છે.

વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં પ્રવાસનના વિકાસ અંગેની વિગતો આપતાં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું કે ખુશ્બૂ ગુજરાત કી… જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

આપણ વાંચો: ઓડિશાથી બિહાર સુધીના પ્રવાસન ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતો

બરડા ડુંગર સર્કિટનો વિકાસ કરાશે

આ ઉપરાંત બરડા ડુંગર સર્કિટના વિકાસ અંગેની વિગતો આપતા મંત્રીઆ જણાવ્યું કે બરડા સર્કિટમાં આવેલાં નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિરથી સોનકંસારી ડેરા સુધીનો પાથ-વે, મોડપરનો કિલ્લો, જાંબુવંતીની ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર સહિતના સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પીએમસીની નિમણૂક તથા ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના માટે આશરે રૂપિયા 40 કરોડ જેટલી રકમનો ખર્ચ થવાનો અંદાજ છે

કર્લી રિચાર્જ જળાશયને 200 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે પોરબંદર જિલ્લાના કર્લી(મોકરસાગર) રિચાર્જ જળાશયને રૂપિયા 200 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. હાલ મોટી સંખ્યામાં વિદેશી પંખીઓ પણ અહીં આવતાં થયાં છે. વધુમાં રૂપિયા 40.38 કરોડના ખર્ચે અસમાવતી રિવરફ્રન્ટનું કામ પૂર્ણ કરી છાયા નગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો છે.

ગાંધી કોરિડોરના વિકાસ માટે રૂપિયા 2.50 કરોડની જોગવાઈ

જ્યારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર જિલ્લામાં ગાંધી કોરિડોરના વિકાસ માટે વર્ષ 2025-26 ના બજેટમાં રૂપિયા 2.50 કરોડની જોગવાઈ સૂચિત કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં અલગ અલગ બીચના વિકાસ માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઈ કરી છે. જેમાં પોરબંદર જિલ્લાના વિસાવડા અને મિયાણી બીચનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button