સ્પોર્ટસ

ICC ODI ranking માં મોટા ફેરફાર: આ ભારતીય ખેલાડીઓને ફાયદો; આ અફઘાન ખેલાડીએ રચ્યો ઇતિહાસ

મુંબઈ: ગઈ કાલે મંગળવારે ICC Champions Trophy 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલીયાને હરાવીને ભારતે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. હવે 9મી માર્ચના રોજ દુબઈમાં ફાઈનલ મેચ રમાશે. એ પહેલા ICCએ ODI રેન્કિંગ જાહેર કરી (ICC ODI ranking) છે. રેન્કિંગમાં ભારતના વિરાટ કોહલી, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને ફાયદો થયો છે, જ્યારે રોહિત શર્મા અને કુલદીપ યાદવને નુકશાન થયું છે.

આ પણ વાંચો: ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટને અલવિદા કહ્યું; આવી રહી કારકિર્દી…

બેટર્સ રેન્કિંગ:

ICC ODI બેટર્સ રેન્કિંગના ટોચના 10 બેટરમાં 4 ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. શુભમન ગિલ પહેલા નંબર પર યથાવત છે જ્યારે વિરાટ કોહલી એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. જોકે, કેપ્ટન રોહિત શર્માને મોટું નુકસાન થયું છે, રોહિત બે સ્થાન નીચે પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

પાકિસ્તાનનો બાબર આઝમની બીજા નંબર પર છે અને દક્ષિણ આફ્રિકાનો હેનરિક ક્લાસેન ત્રીજા નંબર પર છે.

રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમેલી ચાર મેચમાં સારું પ્રદર્શન કર્યું નથી. ગઈ કાલે સેમિફાઇનલમાં તેણે શરૂઆત સારી કરી હતી છતાં 28 રન પર ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. જેને કારણે રોહિત શર્માને રેન્કિંગમાં નુકશાન થયું.

આ પણ વાંચો: Champions Trophy: ન્યૂ ઝીલેન્ડ ટોસ જીતીને લીધો ‘આ’ નિર્ણય, જાણી લો પ્લેઈંગ ઈલેવન…

બોલર્સ રેન્કિંગ:

ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી નવી ICC ODI બોલર્સ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. વરુણ 143 બોલર્સને પાછળ છોડીને 97માં સ્થાન પર પહોંચી ગયો છે. રાઈટ હેન્ડ સ્પિનર વરુણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં 7 વિકેટ લીધી છે. આ 7 વિકેટોમાંથી 5 વિકેટો એક જ મેચમાં લીધી હતી.

કુલદીપ યાદવ ટોચના 10 ICC ODI બોલરોની યાદીમાં એકમાત્ર ભારતીય બોલર છે. કુલદીપ નવી રેન્કિંગમાં ત્રણ સ્થાન નીચે ઉતરીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

ICC ODI બોલર્સ રેન્કિંગમાં ટોચના સ્થાન પર શ્રીલંકાનો મહેશ તિક્ષણા છે. દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજને બે સ્થાનનો ફાયદો મેળવ્યો છે અને હવે તે બીજા સ્થાને પહોંચી ગયો છે. દરમિયાન, ન્યુઝીલેન્ડનો મેટ હેનરી ત્રણ સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

ઓલ રાઉન્ડર રેકિંગ:

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ માટે બોલ અને બેટથી મહત્વનું યોગદાન આપી રહેલા ઓલરાઉન્ડર અક્ષર પટેલે ICC ODI રેન્કિંગમાં ફાયદો થયો છે. અક્ષર પટેલ 17 સ્થાનની છલાંગ લગાવીને ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં 13મા સ્થાને પહોંચી ગયો છે. અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં 1 વિકેટ લીધી અને 27 રન બનાવ્યા, જ્યારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તેણે 1 વિકેટ લીધી અને 42 રન બનાવ્યા.

ટોપ-10 ODI ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર ભારતીય છે. જાડેજા 9મા સ્થાને છે.

અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝાઈ ODI માં નંબર-1 પર આવી ગયો છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી બીજા સાથે છે, જયારે ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશનો મહેસી હસન મિરાઝ ચોથા ક્રમે છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન મિશેલ સેન્ટનર એક સ્થાનના ફાયદા સાથે પાંચમા ક્રમે પહોંચી ગયો છે. રાશિદ ખાન એક સ્થાન નીચે સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button