ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વૈશ્વિક સોનામાં ધીમો સુધારો રૂપિયો મજબૂત થતાં સ્થાનિક સોનામાં રૂ. 24નો સાધારણ સુધારો, ચાંદી રૂ. 492 વધી…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની નવાં ટેરિફની ચિંતાઓ ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 492નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાથી આ અહેવાલ લખાઈ રહ્યો છે
Also read : Russia Ukrain War: વ્હાઇટ હાઉસમાંથી હડધૂત થઇ નીકળેલા ઝેલેન્સકી પાસે બે વિકલ્પ, જાણો વિગતે
ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 19 પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં વિશ્વ બજારની સરખામણીમાં સોનાના ભાવમાં સાધારણ 10 ગ્રામદીઠ રૂ. 24નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 492 વધીને રૂ. 95,785ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં એકંદરે રૂપિયો મજબૂત થવાથી ભાવ સાધારણ 10 ગ્રામદીઠ રૂ. 24 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 86,110 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 86,456ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, પરંતુ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ત્રણ મહિનાની નીચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારમ સુધારા સાથે આૈંસદીઠ 2915.48 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને 2926.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 32.16 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલના તબક્કે વૈશ્વિક સ્તરે વેપારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ રહ્યું હોવાથી સોનાના સુધારાને ટેકો મળતો રહેશે, એમ કેસીએમ ટ્રેડનાં ચીફ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ ગઈકાલથી મેક્સિકો અને કેનેડાથી થતી આયાત સામે 25 ટકા ટેરિફ અમલી બનાવવાની સાથે ચીનથી થતી આયાત સામેની જકાત બમણી અથવા તો 20 ટકા કરી હોવાથી અમેરિકા ખાતે ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર આવી છે.
વધુમાં અમેરિકાના નિર્ણયના જવાબરૂપે ચીન અને કેનેડાએ પણ અમેરિકાથી થતી આયાત સામે ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી અને મેક્સિકો આ અંગે આગામી રવિવારે નિર્ણય લે તેવા અહેવાલો છે. વધુમાં ગઈકાલે ફેડરલ રિઝર્વ બૅન્ક ઑફ ન્યૂ યોર્કના પ્રમુખ જ્હોન વિલિયમ્સે જણાવ્યું હતું કે અમેરિકાની ટેરિફની નીતિઓને કારણે ફુગાવો વધે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં હાલનું ફેડરલનું વ્યાજદરનું માળખુ યોગ્ય છે.
Also read : યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા
જોકે, હવે બજારની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના એડીપી એમ્પ્લોયમ્ન્ટ ડેટા તેમ જ શુક્રવારે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.