આખરે વિવાદાસ્પદ પ્રધાન ધનંજય મુંડેનું રાજીનામું: ફડણવીસે સોમવારે રાતે આપ્યું હતું અલ્ટિમેટમ?
બીડના મસ્સાજોગ ગામના સરપંચની હત્યાના ફોટા જાહેર થયા બાદ શોક થતાં રાજીનામું આપ્યાનો મુંડેનો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે અપેક્ષા મુજબ રાજ્યના કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું હતું. મળતી માહિતી મુજબ સોમવારે રાતે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બંગલે થયેલી બેઠકમાં ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યા બાદ આ રાજીનામાની જાહેરાત મંગળવારે સવારે કરવામાં આવી હતી.
ધનંજય મુંડે વિધાનભવનમાં આવ્યા નહોતા, પરંતુ તેમના પીએના હસ્તે રાજીનામું મોકલી આપ્યું હતું. બીડના મસ્સાજોગ ગામના સરપંચની હત્યાના કેસમાં ધનંજય મુંડેના નજીકના ગણાતા વાલ્મિક કરાડને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા ત્યારથી વિપક્ષ દ્વારા તેમના પર રાજીનામાનું દબાણ હતું અને આખરે તેમણે રાજીનામું આપ્યું હતું.
ધનંજય મુંડેએ રાજીનામું આપી દીધું છે અને મેં તેને સ્વીકારી લીધું છે. હવે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનભવનમાં પત્રકારોને જણાવ્યું હતું.
આપણ વાંચો: Big Breaking: ધનંજય મુંડેનું રાજીનામું, પોતે ન આવ્યા પણ…
ધનંજય મુંડેના રાજીનામાને વિપક્ષની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે, જેઓ બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની નવ ડિસેમ્બરે થયેલી હત્યામાં વાલ્મિક કરાડનું નામ આવ્યું ત્યારથી મુંડેના રાજીનામાની માગણી કરી રહ્યા હતા. 27 ફેબ્રુઆરીએ સીઆઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસના આરોપનામામાં વાલ્મિક કરાડને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા બાદ વિપક્ષનું દબાણ વધ્યું હતું.
ઘટનાના 82 દિવસ બાદ મુંડેનું રાજીનામું લેવામાં આવ્યું હતું. સંખ્યામાં ઓછા હોવા છતાં વિપક્ષનું દબાણ મુંડેના રાજીનામા માટે સફળ થયું હોવાથી વિપક્ષી મહાવિકાસ આઘાડીને બળ મળશે એવું માનવામાં આવે છે. બીજી તરફ સત્તા સ્થાપનાને હજી ચાર મહિના થયા નથી ત્યાં એક પ્રધાનને રાજીનામું આપવું પડ્યું તે મહાયુતિ માટે એક મોટા ફટકા તરીકે જોવામાં આવે છે.
ધનંજય મુંડે રાજીનામું લઈને પોતે વિધાનભવનમાં પહોંચ્યા નહોતા, તેમના રાજીનામાની કોપી લઈને તેમના પીએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલા પર ગયા હતા અને રાજીનામું સુપ્રત કર્યું હતું.
આપણ વાંચો: આજે ધનંજય મુંડે આપશે રાજીનામું? મોડી રાત સુધી દેવગિરીમાં શું થઈ ચર્ચા ને પછી…
ધનંજય મુંડેએ રાજીનામામાં લખ્યું હતું કે સંતોષ દેશમુખની હત્યાના આરોપીને આકરી સજા આપવામાં આવે એવું વલણ પહેલેથી જ હતું, પરંતુ સોમવારે સામે આવેલા હત્યાના ફોટાઓ જોયા પછી શોક થયો હોવાથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે રાજીનામા માટે પોતાના આરોગ્યનું કારણ પણ આપ્યું હતું.
રાજ્યપાલે રાજીનામું સ્વીકારી લીધું
મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી સાધાકૃષ્ણને મંગળવારે સાંજે રાજ્યના કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું હતું.
રાજભવન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક બાબતોના પ્રધાન ધનંજય મુંડેનું રાજીનામું મુખ્ય પ્રધાનની ભલામણ પર સ્વીકારી લેવામાં આવ્યું હતું.
રાજીનામું ન આપે તો બરતરફી: ફડણવીસના અલ્ટિમેટમ બાદ આપ્યું રાજીનામું
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના પ્રધાન ધનંજય મુંડેને રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સત્તાવાર બંગલા પર સોમવારે રાતે ધનંજય મુંડે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આપણ વાંચો: ટી પાર્ટીમાં અજિત પવારે ધનંજય મુંડેથી રાખ્યું અંતર, પણ રાજીનામા અંગે કરી ‘આ’ વાત…
આ બેઠકમાં ફડણવીસે સ્પષ્ટ શબ્દોમાં ધનંજય મુંડેને કહ્યું હતું કે જો તું રાજીનામું અહીં આપે તો આવતીકાલે હું રાજ્યપાલ પાસે જઈને તને બરતરફ કરવાની ભલામણ કરીશ. આ ચેતવણી બાદ મંગળવારે વહેલી સવારે ધનંજય મુંડેએ રાજીનામું મોકલી આપ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડેએ બીડના પરંપરાગત પંકજા મુંડેના ગઢમાં તેને હરાવીને એનસીપીનો ઝંડો લગાવ્યો હતો. એક સમયે શરદ પવારના નજીકના ગણાતા ધનંજય મુંડેએ એનસીપીના ભાગલા બાદ અજિત પવારનો હાથ પકડ્યો હતો.
આમ છતાં પરિસ્થિતિ વણસતી જોઈને અજિત પવારે પહેલેથી જ મુંડે પાસેથી રાજીનામું માગી લીધું હતું. વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે તેની જાહેરાત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ આખરે મંગળવારે રાજીનામું આવ્યું હતું.