
મુંબઈઃ શનિવાર, બાવીસમી માર્ચે શરૂ થઈ રહેલી આઇપીએલની નવી સીઝન પહેલાં જ બીસીસીઆઇએ ક્રિકેટ વિશ્વની આ સૌથી લોકપ્રિય લીગના ખેલાડીઓ તેમ જ ટીમો માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. ખેલાડીઓને ગઈ સીઝન જેવી છૂટ નહીં મળે.
એક જાણીતી ક્રિકેટ સંબંધિત વેબસાઇટના અહેવાલ મુજબ આઇપીએલની મૅચ પહેલાં કે મૅચ દરમ્યાન ખેલાડીઓના પરિવારજનો પ્લેયર્સ ઍન્ડ મૅચ ઑફિશિયલ્સ એરીયા (પીએમઓએ)ની આસપાસના વિસ્તારમાં નહીં આવી શકે. આ સંબંધમાં નિયમ કડક બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: IPL 2025: MIની વિરોધી ટીમો સાવધાન! જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ કરવા તૈયાર
ખેલાડીઓએ ટીમની બસમાં જ મુસાફરી કરવી પડશે. બીસીસીઆઇએ થોડા દિવસ પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે પણ આ જ નિયમ અમલમાં મૂક્યો હતો.
ખેલાડીઓએ પ્રૅક્ટિસ માટે ટીમની જ બસમાં બેસીને સ્ટેડિયમ ખાતે આવવું પડશે. તેઓ બે જૂથમાં મુસાફરી કરી શકશે. તાજેતરની મીટિંગમાં નિયમોના આ ફેરફારો વિશે તમામ ટીમ મૅનેજર્સને જાણ કર્યા બાદ આઇપીએલના બધા ફ્રૅન્ચાઇઝીઓને ઇમેઈલ મારફત જાણ કરવામાં આવી હતી. મૅનેજરો સાથેની ઝૂમ કૉલ મીટિંગ 18મી ફેબ્રુઆરીએ યોજાઈ હતી.
આ પણ વાંચો: IPL 2025 માટે Schedule જાહેર; ક્યારે અને ક્યાં રમાશે ફાઇનલ? જુઓ સંપૂર્ણ શેડ્યુલ
ખેલાડીઓના પરિવારનો કોઈ પણ સભ્ય પ્રૅક્ટિસના દિવસે પણ ડ્રેસિંગ-રૂમમાં નહીં આવી શકે. મૅચના દિવસે તેમને આવા પ્રવેશની છૂટ હતી જ નહીં, અને હવે પ્રૅક્ટિસ મૅચના દિવસ સંબંધમાં પણ આ નિયમ લાગુ કરાઈ રહ્યો છે.
પ્રૅક્ટિસના દિવસે (ટૂર્નામેન્ટ પહેલાં કે ટૂર્નામેન્ટ દરમ્યાન) ફક્ત ઍક્રિડિટેશન કાર્ડ ધરાવતા ખેલાડીઓ જ ડ્રેસિંગ રૂમમાં અને મેદાન પર જઈ શકશે.
ખેલાડીઓના પરિવારજનો કે મિત્રોએ અલગ બસમાં મુસાફરી કરવી પડશે અને હૉસ્પિટાલિટી એરીયામાંથી જ તેઓ ટીમની પ્રૅક્ટિસ જોઈ શકશે. ટીમના સપોર્ટ સ્ટાફ (થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ/નેટ બોલર્સ)એ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવા માટે બીસીસીઆઇની અગાઉથી મંજૂરી લેવી પડશે. આ પરવાનગી મળી જતાં તેઓ મૅચ ન હોય એ દિવસે ડ્રેસિંગ રૂમમાં કે મેદાન પર જઈ શકશે.