જલારામ બાપા અંગે ટિપ્પણી કરવાનું સ્વામીને પડ્યું ભારેઃ 24 કલાકમાં મંદિરે આવી માફી માગવાનું મળ્યું અલ્ટિમેટમ

વિરપુર: સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા વિરપુરનાં સંત જલારામ બાપાને લઈને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા કરેલા નિવેદન અંગે હવે વિવાદ વધુ વકર્યો છે, તેમની આ ટિપ્પણી મુદ્દે રઘુવંશી સમાજ સહિત ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. આ વિવાદ મુદ્દે આજે વિરપુરમાં રઘુવંશી સમાજ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી જેમાં બે દિવસ વિરપુર સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને સ્વામીને 24 કલાકની અંદર વિરપુર જલારામ મંદિરે આવી માફી માંગવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જલારામ બાપાનું વિરપુરધામ બન્યું રામમય, શોભાયાત્રામાં કોમી એકતાના સુંદર દ્રશ્ય સર્જાયા
વિરપુર ખાતે યોજાઇ મહત્વની બેઠક
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ મામલે રોષ બાપામાં આસ્થા ધરાવનાર ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો અને આ મામલે જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી પણ માંગી લીધી હતી. પરંતુ આ મામલે આજે વિરપુર (જલારામ) ખાતે બેઠક યોજવામાં આવી હતી.
જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ
આ વિવાદ મુદ્દે આજે વિરપુર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે આજે અને આવતીકાલે વિરપુર સજ્જડ બંધ પાળવામાં આવશે. જો કે આ દરમિયાન આવશ્યક મેડિકલ અને હોસ્પિટલની સુવિધા ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે અને જો જ્ઞાનપ્રકાશ સ્વામી કાલ સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી નહિ માગે તો તે અંગે આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરવામાં આવશે.
પુરુષોત્તમ રૂપાલાએ નિવેદનને વખોડ્યું
જલારામ બાપા પર ટિપ્પણીનાં વિવાદમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “આ ખૂબ દુખદ ઘટના છે. જલારામ બાપા પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં પણ શ્રદ્ધા ધરાવનારો એક વિશાળ વર્ગ છે. જલરામ બાપા આપણી શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે અને ત્રણ ટાઈમ હરિહરનો સાદ કરવામાં આવે છે. કોઇ ભૂલથી પણ રૂપિયો ન ધરે તે ધ્યાન રાખવા માટે પૈસા ચૂકવીને માણસ રાખવામાં આવે છે અને તે વિશ્વમાં દુર્લભ છે. આવી જગ્યા સામે બોલતા પહેલા અરીસામાં જોવું જોઇએ. જલારામ બાપા વિશે કમેન્ટ કરવાની સ્વામીની કોઇ હેસિયત નથી. હું આ નિવેદનની નિંદા કરું છું.