દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ અને બાબરનામાને લઈને ચડયા વિવાદનાં વંટોળ

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીમાં (Delhi University) ફરી એકવાર વિવાદમાં ઘેરાણી છે. આ વખતે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં ફેરફારને મામલે વિવાદનાં વંટોળ ચડયા છે, જેમાં મનુસ્મૃતિ અને બાબરનામા જેવા ઐતિહાસિક ગ્રંથોનો સમાવેશ કરવાની ચર્ચાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી યુનિવર્સિટીના અમુક વિભાગોએ આ પુસ્તકોને સ્નાતક અભ્યાસક્રમમાં ભણાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઇતિહાસ અને તત્વજ્ઞાન વિભાગે લીધો નિર્ણય
દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસ અને તત્વજ્ઞાન વિભાગે તેના સ્નાતક અભ્યાસક્રમમાં ફેરફારના ભાગ રૂપે મનુસ્મૃતિ અને બાબરનામાનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. પ્રસ્તાવ મુજબ, મનુસ્મૃતિ ભારતીય દર્શન અને સામાજિક વ્યવસ્થાના અભ્યાસ માટે શીખવવામાં આવવાની હતી, જ્યારે બાબરનામા મધ્યયુગીન ઇતિહાસ અને મુઘલ શાસનને સમજવા માટે સૂચવવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીએ શું કરી દલીલ?
યુનિવર્સિટી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ ગ્રંથો વિદ્યાર્થીઓને પ્રાચીન અને મધ્યયુગીન ભારતની સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિને સમજવામાં મદદ કરશે. યુનિવર્સિટીના આ પ્રસ્તાવનો વિદ્યાર્થી સંગઠનોના મોટા વર્ગ અને શિક્ષક સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
શિક્ષણનાં ભગવાકરણનો આરોપ
જો કે આ મામલે શિક્ષકોનાં વર્ગમાં પણ બે ફાંટા જોવા મળી રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA)એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અભ્યાસક્રમમાં ફેરફાર કરતા પહેલા તમામ પક્ષો સાથે પરામર્શ જરૂરી છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.” કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપ પર શિક્ષણનાં ભગવાકરણનો આરોપ આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો…‘જાહેર જગ્યાઓએ સ્તનપાન માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે’ સુપ્રીમ કોર્ટેનો કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ
કેમ થઈ રહ્યો છે વિરોધ?
મનુ સ્મૃતિ એક પ્રાચીન હિન્દુ ગ્રંથ છે જે સામાજિક વ્યવસ્થા, ફરજો અને કાયદાઓને વ્યાખ્યાયિત કરે છે. તેની સૌથી મોટી ટીકા તેની જાતિ વ્યવસ્થા અને સ્ત્રીઓ પ્રત્યેના તેના વલણ અંગે કરવામાં આવી છે. તે ઉપરાંત મુઘલ સમ્રાટ બાબરની આત્મકથા બાબરનામાને મધ્યયુગીન ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. તેમાં બાબરના જીવન, યુદ્ધો અને શાસન વિશે વિગતવાર માહિતી છે. જોકે, આ બંને ગ્રંથોને અભ્યાસક્રમમાં દાખલ કરાવવાનાં પ્રસ્તાવનો વિરોધ થઈ રહ્યો છે.