કચ્છમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો; 15 વર્ષમાં 885 ગીધ ઘટયા

ભુજ: લુપ્ત થવાના આરે પહોંચેલાં પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાતાં ‘ઇન્ડિયન વલચર’ એટલે કે, ગીધ પક્ષીની વિવિધ પ્રજાતિઓની તાજેતરમાં હાથ ધરવામાં આવેલી રાજ્યવ્યાપી વસ્તી ગણતરીમાં ચિંતાજનક આંકડો સામે આવ્યો છે.
એક સમયે સૌથી વધુ સંખ્યામાં જોવા મળતાં ગીધ માત્ર 25 જેટલા જ કચ્છમાં બચ્યાં છે. કચ્છ અને ગુજરાતમાં ગીધની મુખ્યત્વે ચાર પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ આંધળા વિકાસની દોડમાં જંગલો અને ઊંચા પહાડોના નિકંદનને કારણે માત્ર આંગળીના વેઢે ગણાય એટલા જ ગીધ અત્યારે બચ્યા છે.
ગીધની સંખ્યામાં સતત ઘટાડો
આ અંગે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2005માં કચ્છમાં 910 જેટલા ગીધ પક્ષીઓ નોંધાયા હતા. 2007માં 462, 2010માં 235, 2012માં 180, 2016માં 72 ગીધ જે ઘટીને વર્ષ 2018માં 44ની સંખ્યામાં બચ્યાં હતાં. ત્યારબાદ ગત વર્ષ 2022ના ડિસેમ્બર માસમાં ગીર ફાઉન્ડેશન, પ્રકૃતિ પ્રેમીઓ અને પશુ ચિકિત્સકોના સહકાર સાથે હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીમાં માત્ર ૨૫ જેટ્લાં નગણ્ય કહી શકાય એટલા જ ગીધ બચ્યાં છે.
કચ્છમાં જોવા મળ્યા હતા 466 જેટલા ગીધ
એક સમય હતો જ્યારે ગુજરાતમાં સૌથી વધારે ગીધ પક્ષી એકલાં કચ્છમાં જોવા મળતા હતા. 466 જેટલા ગીધ કચ્છના પોલડિયા ગામમાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ વધતી જતી માનવ ખલેલ અને શહેરીકરણ, ઔદ્યોગિકીકરણના કારણે કચ્છમાં ગીધની વસ્તી સતત ઘટી રહી છે. કચ્છના અબડાસા વિસ્તારના જખૌ, નલિયા, સુથરી વગેરે ગામોમાં મકાનના નળીયા પર પર ગીધ પક્ષીઓનો જમાવડો જોવા મળતો હતો.
તેમણે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે આ ગીધ પક્ષીની સંખ્યામાં ઘટાડો થવા પાછળનું મુખ્ય કારણ પ્રજનન માટે પુખ્તવયના ગીધો કચ્છમાં ઓછા થઇ ગયા છે તેમજ પોતાનો માળો બનાવવા માટે ઊંચાઈ વાળા વૃક્ષો પસંદ કરે છે. પરંતુ જંગલો તથા માનવ વસાહતની આસપાસના ઊંચા અને મોટા વૃક્ષો કપાઈ જતા તેમના પ્રજનનની પ્રવૃતિમાં પણ અવરોધ આવી ગયો છે.
ગત વર્ષે શિયાળામાં વસ્તી ગણતરી
છેલ્લી વસ્તી ગણતરીમાં જંગલ અને જંગલ આસપાસના વિસ્તારોમાં કુદરતના આ સફાઈ કામદારો જોવા મળ્યા હતા. દર વર્ષે ઉનાળામાં ગીધની વસ્તીનો અંદાજ મેળવવામાં આવે છે પરંતુ ગત વર્ષે શિયાળામાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં પ્રવાસી ગીધની પણ નોંધ કરવામાં આવી હતી. વન્યજીવ અધિનિયમન 1972 હેઠળ ગીધ પક્ષી અનુસૂચિત એકમાં મુકાયેલું છે. કચ્છમાં પોલડીયા, અબડાસા વિસ્તાર અને કાળા ડુંગર વિસ્તારમાં મુખ્યત્વે ગીધ જોવા મળતા હોય છે. અગાઉ સફેદ પીઠ વાળું ગીધ, ગિરનારી ગીધ, રાજ ગીધ, ઉજળો ગીધ, પહાડી ગીધ, સાસણના જંગલોમાં દેખાયેલું અત્યંત દુર્લભ ડાકુ ગીધ, જટાયુ ગીધ અને ખેરો ગીધ જોવા મળ્યા છે.
શા માટે ઘટી રહી છે ગીધની વસ્તી?
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીધની ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં ઘટી ગયેલી વસ્તીનું એક કારણ પ્રાણીઓને થતા સાંધાના દુખાવાની દવા તરીકે પશુ ચિકિત્સકો દ્વારા આપવામાં આવતી ડિક્લોફેનાક નામની દવા હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું. ગીધ સારવાર કરાયેલ મૃત પશુઓના માંસ સાથે દવા ગળી જાય છે જેથી તેમની કિડની ફેલ થઇ જાય છે અને ગણતરીના દિવસોમાં તેમનું મૃત્યુ થાય છે.
આ પણ વાંચો…આવું છે અનંત અંબાણીનું એનિમલ રેસ્કયુ સેન્ટર વનતારાઃ જૂઓ વીડિયો
માર્ચ 2006માં ડો.મનમોહનસિંહની તત્કાલીન સરકારે ભારતમાં ડિક્લોફેનાકના વેટરનરી ઉપયોગ પર પ્રતિબંધ માટે સમર્થન જાહેર કર્યું હતું. લાંબા આયુષ્ય ધરાવતા અને સંવર્ધનમાં ધીમા ભારતીય ગીધની પ્રજાતિઓને લુપ્ત થતી બચાવવા માટે કેપ્ટિવ-બ્રિડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે. એશિયાના પ્રથમ ગીધના પુનઃ પરિચયના ભાગરૂપે જટાયુ સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર, પિંજોરમાંથી જૂન, 2016માં બે બંદીકૃત હિમાલયન ગ્રિફોન પ્રજાતિના ઈન્ડિન વલચર એટલે કે ભારતીય ગીધને મુક્ત કરવામાં આવ્યા હતા.