Big Breaking: ધનંજય મુંડેનું રાજીનામું, પોતે ન આવ્યા પણ…

મુંબઈઃ મહારાષ્ટ્ર કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેએ આખરે રાજીનામું આપ્યું છે. મસ્સાજોગ (બીડ)ના સરપંચ સંતોષ દેશમુખની હત્યા બાદ ઘેરાયેલા મુંડેએ ઘટનાના 82 દિવસ બાદ આખરે આજે રાજીનામું આપ્યું છે. જોકે મુંડે પોતે ન આવ્યા હતા, પરંતુ તેમના રાજીનામાની કૉપી લઈ તેમના પીએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલા ખાતે આવી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી છે.
સાગર બંગલાથી મુખ્ય પ્રધાન વિધાનભવન ખાતે નીકળ્યા છે અને થોડીક ક્ષણોમાં સત્તાવાર જાહેરાત કરશે. મુખ્ય પ્રધાને જ રાજીનામું માગ્યું હોવાની માહિતી સવારે જ બહાર આવી હતી.
મહાયુતી બહુમતીમાં હોવા છતાં કેબિનેટ પ્રધાને રાજીનામું આપવું પડે તે ત્રણેય પક્ષ માટે અઘરી સ્થિતિ ઊભી થઈ હોવાનું સાબિત કરે છે. આ સાથે ભલે ખૂબ જ ઓછી સંખ્યામાં હોવા છતાં વિરોધપક્ષ સત્તાપક્ષને આ રીતે દબાણમાં લાવી શક્યો છે, તે વિરોધપક્ષને જીવતદાન આપનારી ઘટના માનવામાં આવે છે.
દરમિયાન સંતોષ દેશમુખને ખૂબ જ બેરહેમીથી માર માર્યો હોવાના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસે ફાઈલ કરેલી ચાર્જશીટમાં દેશમુખની કરપીણ હત્યાનો ઉલ્લેખ થયો છે.
ચોમેરથી ઘેરાયેલા ધનંજય મુંડે
ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડેએ ઘણા ઓછા સમયમાં બીજીવાર કેબિનેટમાં પ્રધાનપદ મેળવી લીધું હતું. મુંડેની મુશ્કેલીઓ ઠાકરે સરકારમાં પ્રધાન હતા ત્યારથી જ શરૂ થઈ હતી. અરૂણા શર્મા નામની મહિલાએ પોતે મુંડેની પત્ની હોવાનો અને તેમનાથી બે સંતાન હોવાનો દાવો કર્યો હતો. આ મામલે તે સમયે વિરોધપક્ષમાં બેસેલા ભાજપે ભારે વિવાદ કર્યો હતો. અંતે મુંડેએ પોતાના અને અરૂણાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ અરૂણા પોતાના હક માટે કોર્ટમાં પણ ગઈ હતી અને કોર્ટે તેની તરફેણમાં ચુકાદો પણ આપ્યો હતો.
આ પણ વાંચો…મોગરા અને માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ ફરી ઘોંચમાં
આ ઉપરાંત મહાયુતી સરકારના હજુ તો ચાર મહિના નથી થયા ત્યાં મુંડે મોટા વિવાદમાં ઘેરાયા. બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યા મામલે તેમની ખૂબ ટીકા થઈ. તેમના ખૂબ જ નજીકના માણસ વાલ્મિકી કરાડ આ હત્યાનો મુખ્ય આરોપી છે. મુંડે અને તેમની નિકટતા જગજાહેર છે અને તેથી મુંડે સામે વિરોધપક્ષો સહિત ઘણાઓ મોરચો ખોલ્યો હતો.