યુક્રેન મોટી મુસીબતમાં ફસાયું! ટ્રમ્પે યુક્રેનને અપાતી લશ્કરી સહાય બંધ કરી

વોશિંગ્ટન ડીસી: વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉગ્ર બોલચાલ બાદ યુક્રેન માટે મુશ્કેલીઓ (Zelenskyy-Trump Dispute) વધી છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સોમવારે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાનો આદેશ (US Stops Aid to Ukraine) આપ્યો છે.
વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ધ્યાન શાંતિ સ્થાપવા પર છે. તેમણે કહ્યું, “અમે અમારી સહાય અટકાવી રહ્યા છીએ. શાંતિ કરારને પૂર્ણ કરવામાં મદદ કરીશું. “
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ એવા તમામ લશ્કરી સાધનો પર લાગુ થશે જે હજુ સુધી યુક્રેનને આપવામાં આવ્યા નથી. યુક્રેન હજુ પણ અમેરિકા પાસેથી મળેલા શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.
સોમવારે ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓને ટાંકીને કેટલાક અહેવાલોમાં જણાવવામાં જણાવવામાં આવ્યું કે જો કિવ શાંતિ માટે વાત કરવા માટે પ્રતિબદ્ધ નહીં થાય તો ટ્રમ્પ બધી સહાય રોકી દેશે.
આ પણ વાંચો…સ્ટીવ જૉબ્સ અને માર્ક ઝુકરબર્ગના આવા જબરા ફેન? ફિલ્મસ્ટારને પણ ઈર્ષા આવશે
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ઝેલેન્સકી પર આરોપ લગાવ્યાના થોડા કલાકો બાદ આ આદેશ આપ્યો હતો. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે જ્યાં સુધી યુક્રેનને અમેરિકાની સહાય મળી રહી છે ત્યાં સુધી ઝેલેન્સકી શાંતિ ઇચ્છતા નથી.
એક અમેરિકન ચેનલ સાથેના ઇન્ટરવ્યુમાં, ફોરેન સેક્રેટરી માર્કો રુબિયોએ ટ્રમ્પ સાથે ગેરવર્તન કરવા બદલ ઝેલેન્સકીને માફી માંગવા કહ્યું હતું.
યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવી એ યુક્રેન પર દબાણ લાવવાની ટ્રમ્પની વ્યૂહરચનાનો એક ભાગ છે; ટ્રમ્પને લાગે છે કે સહાય બંધ કર્યા પછી, ઝેલેન્સકી સમાધાન કરવા તૈયાર થશે.