તરોતાઝા

જાણી લેવા જેવી વરિષ્ઠ નાગરિકોની બચત યોજના

ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા

વરિષ્ઠ નાગરિક બચત યોજના (સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ – SCSS) ભારત સરકારે 2004માં શરૂ કરી હતી. નિવૃત્તિ પછી આવકનો નિયમિત સ્રોત વ્યાજના રૂપે મળે અને સાથે સાથે મુદ્દલની સુરક્ષા અને કરવેરાના લાભ મળે એવો એનો ઉદ્દેશ્ય છે

ભારતમાં રહેતા વરિષ્ઠ નાગરિકો વ્યક્તિગત અથવા સંયુક્ત રીતે એકસામટી રકમનું રોકાણ કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.

કોણ SCSS ખાતું ખોલાવી શકે છે?

કોઈપણ નિવાસી વ્યક્તિ, જે અહીં દર્શાવેલાં માપદંડોને સંતોષે છે એ આ ખાતું ખોલાવી શકે છે:

(1) ખાતું ખોલાવવાની તારીખે જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય અથવા

(2) જેમની ઉંમર 55 વર્ષ કે તેથી વધુ, પરંતુ 60 વર્ષથી ઓછી હોય અને જેમણે સેવાનિવૃત્તિ, વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના) અથવા વિશેષ વીઆરએસ હેઠળ નિવૃત્તિ લીધી હોય એવી વ્યક્તિઓ અમુક શરતોને આધીન રહીને ખાતું ખોલાવી શકે છે.

(3) સંરક્ષણ સેવાઓના નિવૃત્ત કર્મચારીઓ (નાગરિક સંરક્ષણ કર્મચારીઓ સિવાય), અન્ય નિર્દિષ્ટ શરતો સંતોષીને 50 વર્ષની ઉંમરે ખાતું ખોલાવી શકે છે.

SCSS  લગતા કેટલાક નિયમોને લીધે એચયુએફ (હિન્દુ અવિભક્ત કુટુંબ) અને એનઆરઆઈ (નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ)ને આ યોજનામાં રોકાણ કરવાની મંજૂરી નથી. જો કે, અહીં એ નોંધવું અગત્યનું છે કે એનઆરઆઈ વ્યક્તિએ વિદેશ જતાં પહેલાં ખાતું ખોલાવ્યું હોય તો એ ખાતું ચાલુ રાખી શકાય છે. આ એકાઉન્ટ મહત્તમ પાંચ વર્ષ માટે જ ચાલુ રાખી શકાય છે.

ખાતું ક્યાં ખોલાવી શકાય?

SCSS નુ  ખાતું કોઈપણ પોસ્ટ ઑફિસમાં અથવા યોજના ઑફર કરનારી કેટલીક નિયુક્ત રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાઓ અથવા કેટલીક ખાનગી બેન્કોમાં ખોલાવી શકાય છે.

 ખાતું કેવી રીતે ખોલાવવું?

SCSSનું ખાતું ખોલાવવા માટે બેન્ક અથવા પોસ્ટ ઑફિસ પસંદ કરી લેવાયા પછી જો સંબંધિત બેન્ક કે પોસ્ટ ઑફિસમાં બચત ખાતું ન હોય તો એ ખાતું ખોલાવવું પડે છે. ત્યારબાદ, SCSS  ખાતું ખોલાવવા માટે અહીં દર્શાવેલા દસ્તાવેજોની જરૂર પડશે:

1) ખાતું ખોલાવવાનું ફોર્મ, ફોર્મ-એ, જે યોગ્ય રીતે ભરીને સુપરત કરવાનું રહેશે. આ ફોર્મ ખાતું ખોલનાર બેન્ક અથવા પોસ્ટ ઑફિસ પાસેથી મળી રહે છે.

2) પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ.

3) પેન કાર્ડ અથવા પાસપોર્ટ જેવો ઓળખનો 

પુરાવો.

4 ) સરનામાનો પુરાવો જેમ કે આધાર કાર્ડ,

 ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખપત્ર અથવા રેશન કાર્ડ.

5) જમા કરવામાં આવનારી રકમનો ચેક.

પુરાવા તરીકે સબમિટ કરવામાં આવતા તમામ દસ્તાવેજોને સ્વ-પ્રમાણિત કરવાનું યાદ રાખો અને ખાતું ખોલાવતી વખતે ચકાસણીના હેતુ માટે દસ્તાવેજોની મૂળ પ્રત પણ સાથે રાખો.

SCSS  એકાઉન્ટની કેટલીક ખાસિયત ખાતાંની સંખ્યા:

વ્યક્તિઓને એક કરતાં વધુ ખાતાં જાતે ચલાવવાની અથવા તેમના જીવનસાથી સાથે સંયુક્ત ખાતું ખોલવાની છૂટ છે. જો કે, સંયુક્ત ખાતું ફક્ત જીવનસાથી સાથે જ ખોલી શકાય છે. અહીં જણાવવું રહ્યું કે વ્યક્તિ એક જ ચૂકવણી દ્વારા ખાતામાં રકમ જમા કરાવી શકે છે. આમ, એક ખાતાધારક યોજના હેઠળ એક કરતાં વધુ ખાતાંનું સંચાલન કરી શકે છે, પરંતુ બધાં ખાતાં મળીને જમા કરવામાં આવતી રકમ 30 લાખ રૂપિયા કરતાં વધુ હોવી જોઈએ નહીં.

યોજનાની પાકતી મુદત:

 યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે. ત્યાર પછી, ખાતાની મુદત પૂરી થવા પર કોઈપણ ચાર્જ વગર ખાતું બંધ કરાવી શકાય છે. જો વ્યક્તિઓ ઈચ્છે  તો આ ખાતાની મુદત વધુ 3 વર્ષ માટે લંબાવી  શકાય છે.

નામાંકન: 

SCSS  ખાતા માટે અરજી કરતી વખતે નામાંકન કરાવી શકાય છે. તમારું એકાઉન્ટ અમુક સમયગાળા સુધી અસ્તિત્વમાં રહ્યા બાદ પણ નામાંકન (નોમિનેશન) કરાવી શકાય છે. આ નોમિનેશન સંબંધિત બેન્ક અથવા પોસ્ટ ઑફિસમાં ફોર્મ-સી ભરીને રદ કરી શકાય છે અથવા એમાં ફેરફાર કરાવી શકાય છે.

રોકાણની લઘુતમ અને મહત્તમ રકમ: 

આ  ખાતામાં રોકાણ એક જ ડિપોઝિટ દ્વારા કરવાનું હોય છે અને તે પણ રૂ. 1000ના ગુણાંકમાં. ડિપોઝિટની લઘુતમ રકમ રૂ. 1000 અને મહત્તમ રકમ રૂ. 30 લાખ છે. જ્યારે ચેક દ્વારા ડિપોઝીટ કરવામાં આવે છે ત્યારે ચેકના ક્લિયરિંગની તારીખને એકાઉન્ટ ખોલવાની તારીખ ગણવામાં આવે છે.

SCSS  એકાઉન્ટનું ટ્રાન્સફર:

એક બેન્કમાંથી બીજી બેન્કમાં આ ખાતાની પોર્ટેબિલિટી ઉપલબ્ધ છે. વધુમાં, કોઈ વ્યક્તિ બેન્કમાંથી પોસ્ટ ઑફિસમાં અને પોસ્ટ ઑફિસમાંથી બેન્કમાં SCSS   એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકે છે. આવા  એકાઉન્ટ ટ્રાન્સફર કરવાના હેતુ માટે, વ્યક્તિએ બેન્ક અથવા પોસ્ટ ઑફિસમાં ફોર્મ-જી સુપરત કરવાનું હોય છે.      

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button