આમચી મુંબઈ

મોગરા અને માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ ફરી ઘોંચમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગપાલિકા ફરી એક વખત બે મહત્ત્વનાં પમ્પિંગ સ્ટેશન મોગરા અને માહુલ પર બાંધકામ શરૂ કરવામાં નિષ્ફળ ગયું છે. મોગરા સ્ટેશન માટેની વિવાદિત જમીનની કિંમત બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને પાલિકાના પ્રશાસન ભૂષણ ગગરાણી દ્વારા તેને મંજૂર કરવામાં આવી છે, તેમ છતાં પર્યાવરણ અને વન મંત્રાલયની મંજૂરીની રાહમાં અટવાઈ ગયો છે. વધુમાં પાલિકાએ હજુ સુધી માહુલ પમ્પિંગ સ્ટેશન માટે આવશ્યક મીઠાગરની જમીન સંપાદિત કરી શકી નથી, તેેને કારણે તેનું કામ પણ અટવાયેલું છે.

મુંબઈમાં ૨૦૦૫ની સાલમાં આવેલા વિનાશક પૂર બાદ ચિતળે સમિતિની ભલામણ કરાયેલા આઠ પ્રોજેક્ટમાંથી બે મહત્ત્વનાં પમ્પિંગ સ્ટેશન માટે જમીન સંપાદન કરવામાં પાલિકાને સતત અડચણ આવી રહી છે. મોગરા પમ્પિંગ સ્ટેશન માટે ટેન્ડરનું કામ ૨૦૨૧માં ફાઈનલ થયું હતું. પરંતુ બે ખાનગી પક્ષો વચ્ચે જમીનની માલિકીને લઈને ચાલી રહેલા કાયદાકીય વિવાદને કારણે જમીન સંપાદન પ્રક્રિયામાં વિલંબ થયો હતો. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમે હાઈ કોર્ટમાં ૩૩ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે અને વહીવટી મંજૂરી બાદ પમ્પિંગ સ્ટેશન માટે વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. હવે અમે પર્યાવરણ અને વન મંત્રાલયની મંજૂરીની મેળવવાની પ્રક્રિયામાં છીએ. ત્યારબાદ બાંધકામ તાત્કાલિક ચાલુ થઈ જશે. મોગરા પમ્પિંગને કારણે વર્સોવા, અંધેરી અને જોગેશ્ર્વરીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે.
માહુલ પમ્પિંગ માટે જમીન સંપાદન કરવામાં પણ પાલિકાને મુશ્કેલીઓ આવી રહી છે.

Also read: આગામી બે મહિનામાં મુંબઈ ચકાચક થઈ જશે: સુધરાઈનો દાવો

આ જમીન ભારત સરકારની સોલ્ટ કમિશનની છે. તેમની સાથે ચર્ચા ચાલી રહી છે. સોલ્ટ કમિશનરેટની એક નીતિ છે, જે જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટ માટે જમીનના મૂલ્યના ૧૦ ટકા ભાવે જમીન સંપાદન કરવાની મંજૂરી આપે છે. એટલે પાલિકાએ અગાઉ અંદાજિત ૧૧૮ કરોડ રૂપિયા ચૂકવવાના હતા તે હવે ૧૪ કરોડ રૂપિયા જ ચૂકવવા પડશે. જોકે બીજી જમીનનો માલિક ૧૦૦ કરોડ રૂપિયાના મૂલ્યાંકનને આધારે પચીસ ટકા માગી રહ્યો છે, જે પાલિકા માટે ખર્ચાળ સાબિત થશે. જોકે તેની સાથે ચર્ચા ચાલી રહી છે. માહુલ પમ્પિંગને સ્ટેશનને કારણે કુર્લા, સાયન, માટુંગા અને ચેમ્બુરમાં પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button