અમેરિકાની ઘેલછાઃ ગુજરાતના એસી પટેલ બન્યા ‘Pakistani’ અને પાસપોર્ટમાં ખૂલી પોલ…

નવી દિલ્હી: ગુજરાતની જનતામાં અમેરિકા જવાની ઘેલછા પ્રબળ જોવા મળે છે અને તેના માટે પૈસાનું પાણી કરવાની સાથે જીવને જોખમમાં મૂકાતા પણ ખચકાતા નથી. ગેરકાયદે અમેરિકા જવા માટેનાં ડંકી રુટની પસંદગી કરીને પણ અમેરિકા પહોંચેલા લોકો વિરુદ્ધ અમેરિકાએ કાર્યવાહી કરી છે અને અનેક લોકોને વતન પરત મોકલ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકાએ 344 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પણ ગેરકાયદે લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરી છે, ત્યારે તાજેતરમાં ગુજરાતના રહેનારા એક શખસને ભારત મોકલ્યો હતો, જ્યારે તેની પાસેથી મળેલા પાસપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
મોહમ્મદ નજીર હુસૈન નામના શખસનો અસલી પાસપોર્ટનો ઉપયોગ
ગુજરાતના રહેવાસી એસી પટેલ અમેરિકામાં પાકિસ્તાનના મોહમ્મદ નજીર હુસૈન બનીને પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી સરકારે ગેરકાયદે નાગરિકો પર અભિયાન છેડ્યું હતું. ઈમિગ્રેશનના સખત નિયમો પછી એસી પટેલની પોલ ખૂલી ગઈ હતી, જ્યારે એસી પટેલના પાસપોર્ટમાં મોહમ્મદ નજીર હુસૈન નામ લખ્યું હતું. અમેરિકન અધિકારીઓને શક ગયા પછી તપાસમાં એસી પટેલની પોલ ખોલી હતી.
પાકિસ્તાની નાગરિકના અસલી પાસપોર્ટનો ઉપયોગ
બારમી ફેબ્રુઆરીના ફ્લાઈટ સંખ્યા એએ-292 દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી હતી. આ જ ફ્લાઈટમાં એસી પટેલને અમેરિકન અધિકારીઓએ પરત મોકલ્યા હતા. દિલ્હી એરપોર્ટ પહોંચ્યા પછી તેની ધરપકડ કરી હતી. ઈમિગ્રેશનના અધિકારીઓને પાસપોર્ટ જોઈને આશ્ચર્ય થયું હતું. કારણ કે આ પાસપોર્ટ બનાવટી નહોતો, પરંતુ અસલી પાસપોર્ટ હતો. આરોપીએ કબૂલ્યું હતું કે એ પાકિસ્તાની નાગરિકનો ખોવાયેલો પાસપોર્ટ હતો. દિલ્હી પોલીસે છેતરપિંડી અને પાસપોર્ટના દુરુપયોગનો કેસ નોંધ્યો હતો.
Also read: ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ પર શું બોલ્યા જયશંકર
એજન્ટે દુબઈના રસ્તે અમેરિકાનો માર્ગ મોકળો કર્યો પણ
મળતા અહેવાલ અનુસાર આરોપી એસી પટેલે દુબઈના એક એજન્ટને પૈસા આપ્યા હતા, જેથી તેની નકલી ઓળખ ઊભી કરે. તેનો અસલી પાસપોર્ટ 2016માં રદ્દ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને રિન્યૂ કર્યો નહોતો, ત્યાર બાદ એજન્ટે તેને બનાવટી દસ્તાવેજો આપ્યા અને દુબઈના રસ્તે ગેરકાયદે મુસાફરી કરવામાં મદદ કરી હતી, પરંતુ આ યુક્તિ કામે લાગી નહોતી. એજન્ટે જે યુક્તિ કરી એ નિષ્ફળ રહેતા મોહમ્મદ નજીર હુસૈન એટલે એસી પટેલનો ભાંડો ફૂટી ગયો હતો.
અત્યાર સુધીમાં અમેરિકાથી 344 ભારતીય પરત ફર્યાં
20મી જાન્યુઆરીના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિપદેથી શપથ લીધા પછી ગેરકાયદે વિદેશીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં ચાર ફ્લાઈટ મારફત 344 ભારતીય નાગરિકને ભારત પરત મોકલવામાં આવ્યા છે, જેમાં પાંચમી ફેબ્રુઆરીના અમેરિકન એરફોર્સના વિમાન મારફત 104 ભારતીય નાગરિકને અમૃતસર એરપોર્ટ પર લાવ્યા હતા, ત્યાર બાદ પંદર ફેબ્રુઆરી (116 નાગરિક) અને 24 ફેબ્રુઆરીના તુર્કીય એરલાઈન્સની ફ્લાઈટથી 12 ભારતીયને ભારત મોકલવામાં આવ્યા હતા.