કમનસીબીઃ અંજારમાં પુત્ર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી માતાનું મોત, હત્યાનો નોંધાયો કેસ

ભુજ: કચ્છના અંજારમાં 50 વર્ષના પુત્રએ તેની 80 વર્ષની સગી માતા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ મોત થયું હતું. આ બનાવમાં હત્યાનો પણ કેસ નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઘરમાં એકલી રહેતી 80 વર્ષીય વૃદ્ધ અશકત માતા સાથે તેના ૫૦ વર્ષના આધેડ વયના પુત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકમાં નાના ભાઈની પત્નિએ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભપાત માટે દબાણ કરનારો પકડાયો
નરાધમ દીકરાએ દુષ્કર્મ ગુજારતા વૃદ્ધ માતાને ઈજાઓ પહોંચવાની સાથે બ્રેઈન હેમરેજ થયું હતું. તેઓને ગંભીર હાલતમાં સારવાર તળે દાખલ કરવામાં આવી હતી. તેમનું સોમવારની સવારે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા સમગ્ર મામલો ‘રેપ વિથ મર્ડર’માં ફેરવાયો છે.
પોલીસે આરોપીને પકડયો ત્યારે નશાની હાલતમાં મળી આવ્યો હતો. લોકોના કહેવા પ્રમાણે આરોપી દારૂના નશામાં ચકચૂર રહેતો અને આડોશ-પાડોશમાં પણ લોકો તેની કરતૂતથી ત્રસ્ત થઈ ગયા હતા. દરમ્યાન આ જધન્ય કૃત્ય આચરનાર નરાધમ પુત્રનો કેસ ન લડવાની અંજાર બાર એસોસિયેશન દ્વારા જાહેરાત કરાઈ છે. હાલમાં આ સમગ્ર ઘટનાક્રમની અંજારના પી. આઈ એ. આર. ગોહિલે તપાસ હાથ ધરી છે.