ઈન્સ્પેક્શન માટે આવેલા વીજ કંપનીના અધિકારીઓને ફટકાર્યા: ત્રણની ધરપકડ

થાણે: ભિવંડીમાં ઈન્સ્પેક્શન માટે આવેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)ના અધિકારીઓ પર કથિત હુમલો કરવા બદલ પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.
ગણેશપુરી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંદીપન સોનાવણેએ જણાવ્યું હતું કે ઘટના ભિવંડી તાલુકાના કુંદે ગામમાં શુક્રવારે બની હતી. એમએસઈડીસીએલની ટીમ ઈન્સ્પેક્શન માટે આવી હતી. ઈન્સ્પેક્શન દરમિયાન અડધો ડઝન જેટલાં ઘરોના ઈલેક્ટ્રિક મીટર ન હોવાથી વીજચોરી કરતા હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો: ગેરકાયદે વીજ જોડાણ લેનારા ફેરિયાઓ સામે પાલિકા અને વીજ કંપનીની કાર્યવાહી
પ્રોટોકોલ અનુસાર ગેરકાયદે વીજજોડાણ ખંડિત કરીને વાયર કાઢી નાખવામાં આવે છે. અધિકારીઓ દ્વારા આવાં પગલાં ભરમાં આવ્યાં ત્યારે અમુક લોકો ઉશ્કેરાયા હતા. અધિકારીઓ સાથે બોલાચાલી કરી તેમની મારઝૂડ કરવામાં આવી હતી.
એમએસઈડીસીએલની ટીમે પછી ગ્રામપંચાયતના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. જોકે તેમની પાછળ પાછળ આરોપીઓ પણ અન્ય ગામવાસીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ગાળાગાળી કરી હતી. અધિકારીઓને ધમકી આપી ફરી મારવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે એમએસઈડીસીએલની ટીમે શનિવારે નોંધાવેલી ફરિયાદને આધારે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પોલીસ શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)