
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન અને સિક્સર કિંગ રોહિત શર્મા માટે કોંગ્રેસના નેતાએ કરેલી ટિપ્પણી પછી જોરદાર વિવાદનું નિર્માણ થયું છે. કોંગ્રેસનાં નેતા ડોક્ટર શમા મોહમ્મદે રોહિત શર્મા અંગે (બોડી શેમિંગ)ની કરેલી ટિપ્પણી પછી વિવાદનું નિર્માણ થયું છે. આ મુદ્દે અનેક રાજકીય પ્રતિક્રિયાઓ મળી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ શમા મોહમ્મદના નિવેદનથી અંતર રાખ્યું છે, ત્યારે બીસીસીઆઈ (ધ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)એ આકરો જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: ‘રોહિત શર્મા જાડિયો ખેલાડી છે…’ કોંગ્રેસ નેતાની ટિપ્પણી બાદ હોબાળો, પોસ્ટ ડિલીટ કરવી પડી…
ટીમ ઈન્ડિયામાં મોટી જવાબદારી નિભાવે છે
બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ શમા મોહમ્મદના નિવેદનની ટીકા કરી છે. દેવજીત સૈકિયાએ કહ્યું છે ભારતીય ટીમના કેપ્ટન અંગે આ પ્રકારનું નિવેદન આપવાનું નિંદનીય છે. કેપ્ટન વિના પણ રોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. અત્યારના તબક્કે ભારતીય ટીમ આઈસીસી ટૂર્નામેન્ટની સેમી ફાઈનલ રમવા સજ્જ છે ત્યારે આ પ્રકારનું નિવેદન હકીકતમાં નિંદનીય છે.
તુચ્છ ટિપ્પણી કરવાની બાબત કમનીસબ
મીડિયાને સંબોધતા દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે એક જવાબદાર વ્યક્તિ માટે આ પ્રકારની તુચ્છ ટિપ્પણી કરવાની બાબત કમનસીબ છે. ટીમ એક મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છે, ત્યારે આવી વાતની ટીમ અને ખેલાડીઓ પર પણ ખોટી અસર પડે છે. આ પ્રકારનું કોઈ નિવેદન કરવામાં આવે નહીં તેનો સૌને અનુરોધ કરવામાં આવે છે.
રોહિત શર્માએ વજન ઉતારવાની જરુર
આ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા અને ડોક્ટર શમા મોહમ્મદે પોતાના એક્સ એકાઉન્ટ પર રોહિત શર્માને ટેગ કરીને લખ્યું હતું કે એક ખેલાડીની રીતે રોહિત શર્મા મેદસ્વી છે. તેને વજન ઉતારવાનું જરુરી છે અને ભારતના બિનઅસરકારક કેપ્ટન પણ છે. જોકે, આ વિવાદ પછી શમાએ પોતાની પોસ્ટને ડિલીટ પણ કરી હતી.
ડિલીટ કર્યા પછી શમા મોહમ્મદે કરી સ્પષ્ટતા
કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે પોતાની પોસ્ટ ડિલીટ કર્યા પછી સ્પષ્ટતા કરી હતી કે મારી ટવિટનો ઉદ્દેશ કોઈનું અપમાન કરવાનો નહોતો. ટવિટ કરવા પાછળનો હેતુ ફક્ત રોહિત એક ખેલાડી હોવાને નામે વજન વધારે હોવાનો હતો. મેં કોઈ બોડી શેમિંગ કર્યું નથી અને ના તો એ બોડી શેમિંગ છે. મેં એટલું જ કહ્યું છે કે તે એક એવા કેપ્ટન છે, જેનો પ્રભાવ નથી અને મેં તેમની તુલના અન્ય કેપ્ટન મારફત કરી હતી.