Mumbai Metro 7A અધ્ધરતાલ? સરકારની ભૂલને લીધે જનતા પર કરોડોનો બોજ

મુંબઈઃ મુંબઈની મેટ્રો-વનને બાદ કરતા તમામ મેટ્રો પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદોમાં સપડાયા છે અને હવે શરૂ થયા બાદ પણ વિવાદોનો સામનો કરી રહી છે. મેટ્રો 2 અને મેટ્રો 7 જોઈએ તેવો ટ્રાફિક મેળવી શકતી નથી અને ક્ષમતા કરતા અડધા પ્રવાસીઓ પણ તેમાં મુસાફરી કરતા નથી. ત્યારે હવે મેટ્રો 7 (એ) રૂટની મેટ્રો મામલે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે.
ગુંદાવલીને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી જોડતા મુંબઈ મેટ્રો 7A પ્રોજેક્ટ સામે મોટી અડચણ ઊભી થઈ હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
ગંભીર ઇજનેરી ભૂલોને કારણે પ્રોજેક્ટમાં વિલંબ અને ખર્ચમાં વધારો થયો છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) ને હવે જાણવા મળ્યું છે કે મેટ્રો 7એના બ્રિજના બાંધકામ સમયે એરપોર્ટના ફનલ ઝોનના નિયમોનું ઉલ્લંઘન થયું છે. આના પરિણામે મેટ્રોબ્રીજની ઉંચાઈમાં 2.9 મીટરનો તફાવત દેખાયો છે, જે હવાઈ સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે તેમ છે. હવે રાજ્ય સરકારે Airports Authority of India (AAI)ને વિનંતી કરી છે કે તેઓ ફનલ ઝોનના નિયમોમાં ફેરફાર કરી નવા પ્લાનને મંજૂરી આપે. જોકે એક અધિકારીએ મીડિયાને જણાવ્યા અનુસાર આમ થવું લગભગ અશક્ય છે અને આમાં કેટલો સમય લાગી શકે તે કહી શકાય નહીં.
…તો શું મેટ્રોબ્રીજ તોડવો પડશે
મુંબઈના તમામ મેટ્રો પ્રોજેક્ટ ડેડલાઈન પર પૂરા થયા નથી. મેટ્રો 7એ પણ ડેડલાઈન કરતા પાંચ વર્ષ મોડો ચાલી રહ્યો છે અને હજુ તે અધ્ધરતાલ જ છે. અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ પર પહેલેથી જ રૂ. 900 કરોડનો વધારાનો ખર્ચ થયો છે. જો કેન્દ્ર સરકારનું ઉડ્યન ખાતું મહારાષ્ટ્ર સરકારની અપીલ ન માને તો મેટ્રોબ્રીજનો ઘણો ભાગ તોડવો પડે તેમ છે અને નવેસરથી ડિઝાઈન કરી બ્રિજ બનાવવો પડે તેમ છે. આ ખર્ચાળ અને સમય વેડફનારું સાબિત થઈ શકે તેમ છે.
હવે રાજ્ય સરકાર આનો શું ઉકેલ શોધે છે અને જનતાને મેટ્રો-7 ક્યારે મળે તે જોવાનું રહેશે. આ મામલે એમએમઆરસીએલ કે સંબંધિત એજન્સી સાથે સીધો સંપર્ક સાધી શકાયો નથી.