કેમ કેસર કેરીના આંબાઓ કાપવા લાગ્યા છે ખેડૂતો?: સીએમને પણ કરી અપીલ…

સાસણઃ લગભગ એકાદ મહિના પહેલા ગીર-ગઢડાના આંબાઓ મોરથી લચી પડ્યા હતા. આ આંબાના બગીચાઓના ફોટા અને વીડિયો જોઈને સૌ કોઈ દાઢ સજાવીને બેઠા હતા કે આ વખતે કેસર કેરી મબલખ આવશે અને પાક ઘણો થયો હોવાથી સસ્તી પણ મળશે, પરંતુ હાલમાં તો સ્થિતિ એવી આવી ગઈ છે કે ખેડૂતો રડી રહ્યા છે અને મદદ માટે મુખ્ય પ્રધાનને પત્ર પણ લખ્યો છે. જોકે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આંબાઓ કપાઈ છે તેની સાથે નવા ઉગાડાઈ પણ છે. આથી સોરઠની શાન સમી કેસર કેરી આવતી જ રહેશે, પરંતુ આ વર્ષે પાક ઓછો છે.
Also read : Gir Somnath માં ગેરકાયદે સિંહ દર્શન કરતાં 8 યુવકો પકડાયા, વન વિભાગે 80 હજાર દંડ ફટકાર્યો…
આંબાઓ કાપી રહ્યા છે ખેડૂતો
તમે ગીર ગઢડા, સાસણના વિસ્તારોમાં જશો તો બહારથી તો તમને આંબાના બગીચાઓ દેખાશે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં જતા ખબર પડશે કે અમુક ખેડૂતો હવે આંબાના 15થી 50-60 વર્ષ જૂના વૃક્ષો કાપી રહ્યા છે. આનું કારણ સ્થાનિકો એ જણાવી રહ્યા છે કે છેલ્લા દસેક વર્ષથી આંબાઓમાં એક યા બીજા કારણે કેરીઓ જોઈએ તેટલી આવતી નથી.
એક વર્ષ બગડે એટલે ખેડૂતોએ બીજા વર્ષની રાહ જોવી પડે આ સાથે એક વર્ષનો ઘર ખર્ચે અને ખેતી માટેનો ખર્ચ કાઢવો પડે. આમ કરતા ઘણા ખેડૂતો દેવાદાર પણ થઈ ગયા છે. આથી ગીર, વંથલી, આકોલવાડી સહિતના વિસ્તારોમાં ખેડૂતો આંબા કાપી અન્ય પાક લણવા અંગે વિચારી રહ્યા છે.
હવામાન અને અને આ રોગ નડી ગયો કેરીને
એક તો બદલતું હવામાન અને ઋતુનું અનિયમિત ચક્ર દરેક ખેતીને નુકસાન કરી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટેભાગે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થાય છે. ત્યારબાદ સખત ગરમી અને ઓછી ઠંડી અથવા તો મોડી ઠંડીને લીધે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે.
આ ઉપરાંત સૌથી મોટી સમસ્યા કેરીને લાગતો મધ્યો નામનો રોગ છે. આ રોગ એક ચીકણા પદાર્થ જેવો હોય છે જે પાન સહિત આખા આંબાને કોરીખાઈ છે. આ રોગ આવ્યા બાદ ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

આ વર્ષે કેરી કેટલી આવશે
કેરીની બાગાયતીના નિષ્ણાત સમસુ ઝારીયાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે કેરીનો પાક ઓછો થશે. મોડી મોડી ઠંડી પડવાથી અને મેલ અને ફીમેલ ફ્લાવરિંગના રેશિયોમાં બેલેન્સ ન રહેવાથી કેરીનો પાક ઓછો થવાની સંભાવના છે.
તેમણે કેરીની ઓછી થતી બાગાયતી વિશે જણાવ્યું હતું કે જેટલા આંબા કપાય છે તેની કરતા ઘણા નવા આંબા ઉગાડવામાં આવે છે, આથી આવનારા સમયમાં કેરીનો પાક ઓછો થશે તેમ કહેવું ખોટું ગણાશે. આ સાથે લોકો ઈઝરાયેલની ઘનિષ્ઠ બાગાયતી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં બે આંબા વચ્ચે ઘણું ઓછું અંતર રાખી ઓછી જગ્યામાં વધારે આંબા વાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે લોકોએ નવી ટેક્નોલોજી અને બદલતા હવામાનને ધ્યાનમાં રાખી ખેતીની નવી પદ્ધતિઓ અપનાવવાની જરૂર છે. ક્લાઈમેટ ચેન્જ સામે ખેડૂતોએ ક્લાઈમેટ સ્માર્ટ થવું પડશે.
ઈજારો રાખનારાઓ પણ નિરાશ
મોટાભાગના આંબાઓને ખેડૂતો ઈજારા પર આપી જતા હોય છે. પોતાાન બાગમાં સરેરાશ આટલી કેરી આવશે તેવો હિસાબ કરી ઈજારાની રકમ નક્કી થતી હોય છે અને ત્યારબાદ કેરી મોટી થતાં તેને તોડી માર્કેટ સુધી પહોંચાડવાનું કામ ઈજારાવાળા કરે છે. ઈજારો આપવાનું કામ ઘણું વહેલું શરૂ થઈ જતું હોય છે. આ વખતે પણ મોટાભાગના બાગ આ રીતે ઈજારા પર આપી દેવાયા છે, પરંતુ હવે ઈજારાવાળાઓને ઓછી કેરી મળશે, તેથી ઘણા નિરાશા અનુભવી રહ્યા છે.
Also read : Gujarat માં સોમનાથ ખાતે 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું આયોજન…
જોકે અમુક ખેડૂતો કહે છે કે ઘણા વિસ્તારોમાં આવી સમસ્યા છે. એકંદરે આંબાની બાગાયતીમાં આવક ઓછી થઈ છે, પરંતુ જો હવામાન સાથ આપે તો કેસર કેરીની આવક પણ વધી શકે. આ સાથે મધ્યા રોગથી કઈ રીતે બચવું તે અંગે વિશેષ માર્ગદર્શન ખેડૂતોને મળી રહે તેવી અપીલ પણ સ્થાનિકો કરી રહ્યા છે.