વિરાટ દુબઈના મેદાન પર અક્ષરને પગે લાગ્યો, જાણો શા માટે…

દુબઈ: ભારતને રવિવારે અહીં ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી લીગ મૅચમાં વિજય અપાવીને ટૂર્નામેન્ટમાં અપરાજિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્પિનર અક્ષર પટેલે એક પ્રાઈઝ વિકેટ લીધી એટલે વિરાટ કોહલી આનંદિત મૂડમાં અક્ષર પાસે પહોંચી ગયો હતો અને મજાકમાં તેને પગે લાગ્યો હતો.
Also read : કોહલી 300 મી મૅચમાં ફ્લૉપ, ફિલિપ્સનો જૉન્ટી જેવો ડાઇવિંગ કૅચ…
ભારતની પ્લેઇંગ-ઇલેવનમાં ચાર સ્પિનર હતા જેમાં અક્ષર ઉપરાંત રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવનો સમાવેશ હતો.
કિવીઓની દસમાંથી નવ વિકેટ ભારતીય સ્પિનર્સે લીધી હતી. સૌથી વધુ પાંચ વિકેટ વરુણે અને બે વિકેટ કુલદીપે મેળવી હતી, પરંતુ ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો બની ગયેલા ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસન (81 રન, 120 બૉલ, સાત ફોર)ને અક્ષરે આઉટ કર્યો એટલે વિરાટ દોડીને અક્ષર પાસે પહોંચી ગયો હતો અને મજાકમાં તેને પગે લાગ્યો હતો.
અક્ષરે આ બૅટિંગ-લેજન્ડને તરત રોકવાનો પ્રયત્ન કર્યો હતો. અક્ષર તથા ટીમના બીજા ખેલાડીઓ વિરાટની આ અનોખી મજાક જોઈને ખૂબ હસ્યા હતા. બધાએ અક્ષરને આ વિકેટ બદલ અભિનંદન આપ્યા હતા.
ન્યૂ ઝીલેન્ડને જીતવા ૨૫૦ રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. ૪૧મી ઓવરમાં કિવીઓનો સ્કોર છ વિકેટે 169 રન હતો અને વિલિયમસન એકલા હાથે ન્યૂ ઝીલેન્ડને જિતાડી શકે એવી ત્યારે સ્થિતિ હતી.
એવામાં અક્ષરે તેને જાળમાં આબાદ ફસાવ્યો હતો. અક્ષરના ફ્લાઇટેડ બૉલમાં વિલિયમસન સ્ટ્રેઈટ શૉટ મારવા ગયો હતો, પણ ચૂકી ગયો અને વિકેટકીપર કેએલ રાહુલે તકનો લાભ લઈને તેને સ્ટમ્પ આઉટ કરી દીધો હતો.
વિલિયમ્સ ત્યારે ઓવરના છેલ્લા બૉલમાં ઉતાવળે એક રન લેવા માગતો હતો કે જેથી કરીને સ્ટ્રાઈક પોતાની પાસે રહે. જોકે તે અક્ષર અને રાહુલની જાળમાંથી છટકી શક્યો નહોતો. રાહુલે સ્ટમ્પિંગ કરતા જ વિલિયમસન પાછળ જોયા વગર ચાલવા લાગ્યો હતો.
વિલિયમસનની એ સાતમી વિકેટ પડ્યા બાદ બીજી બે-ત્રણ નાની ભાગીદારી સાથે 46મી ઓવરમાં ન્યૂ ઝીલેન્ડનો દાવ 205 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો.
Also read : સેમિ ફાઇનલની ચારેય ટીમ દુબઈમાં! બે ટીમ લાહોર જવા રવાના થશે…
44 રનથી મેળવેલા આ વિજય સાથે ભારત ગ્રૂપ ‘એ’માં નંબર વન રહ્યું અને હવે મંગળવારે (બપોરે 2:30 વાગ્યાથી) સેમિ ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી સેમિ ફાઇનલ બુધવારે લાહોરમાં ન્યૂ ઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.