રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીઃ ટિકિટ ફાળવણી મુદ્દે આ પાર્ટી અવઢવમાં?
નવી દિલ્હી: રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે, પરંતુ વારંવાર બેઠકો યોજવામાં આવ્યા પછી હજુ નક્કર નિર્ણય લઈ શકતા નથી. આજે આ મુદ્દે કોંગ્રેસના સીઈસીની એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકના ત્રણ નેતાઓ શાંતિ ધારીવાલ, મહેન્દ્ર જોશી અને રાજેન્દ્ર રાઠોડની ટિકિટને લઈને ચર્ચા થઈ હતી. આ ત્રણેય નેતાઓ અગાઉ મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન નિરીક્ષક બનીને રાજસ્થાન ગયા હતા, ત્યારે તેમની મીટિંગ થવા દેવામાં આવી ન હતી. શાંતિધારીવાલે તો ત્યાં સુધી કહ્યું હતું કે હાઈકમાન્ડ કોણ છે.
બુધવારે સવારે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક મળી ત્યારે ગાંધી પરિવારની સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક પણ હાજર રહ્યા હતા. અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. જો કે શાંતિ ધારીવાલનું નામ ચર્ચામાં આવતાની સાથે જ સોનિયા ગાંધીએ થોડા ગુસ્સા અને અકળામણમાં પૂછ્યું કે તેમનું નામ યાદીમાં કેવી રીતે છે.
રાજસ્થાનમાં ઉમેદવારોની યાદી અંગે રાહુ ગાંધીએ કહ્યું કે આ વખતે પ્રધાનો, ધારાસભ્યો અને હારેલા ઉમેદવારોની 50 ટકા ટિકિટ કાપી દેવી જોઇએ. અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવી જોઈએ. આ મંથન વચ્ચે રાજસ્થાનમાં કોંગ્રેસની પ્રથમ યાદી હજુ આવી નથી.
બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 106 વિધાનસભા બેઠકો માટે સ્ક્રીનિંગ કમિટીએ આપેલી સિંગલ પેનલ પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું હતું કે આ બેઠકો માટે અન્ય કોઈ દાવેદાર છે કે નહિ તે વિચાર કરવામાં આવશે. આગામી સ્ક્રીનિંગ કમિટીની બેઠક 21 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. સ્ક્રીનીંગ કમિટી 22 ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પોતાનો અહેવાલ રજૂ કરશે, ત્યારબાદ જ કોંગ્રેસ રાજસ્થાન માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.
જો કે કોંગ્રેસની પ્રથમ યાદીમાં વિલંબ થવાનું એક મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે દૌસામાં RCP સંબંધિત જન જાગરણ યાત્રાનો સમાપન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધીની એક મોટી સભા ત્યાં યોજાવાની છે. ત્યારે જો પહેલાથી જ યાદી જાહેર કરવામાં આવે તો પક્ષમાં પ્રશ્ર્નો ઊભા થઇ શકે છે. આથી કદાચ કાંગ્રેસ સાવચેતી રાખી રહ્યું છે.