
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આજે સવારે ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન અને રાજ્યના શિક્ષણ પ્રધાન બ્રત્ય બાસુ સાથે ગેરવર્તણૂક બાદ જાદવપુર યુનિવર્સિટી કેમ્પસમાં સન્નાટો છવાયેલો છે.
પ્રદર્શનકારીઓએ પ્રધાનની કારનો કાચ તોડી નાખ્યો હતો અને બે આંદોલનકારીઓ ઘાયલ થયા હતા. જેમાંથી એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે એક ફોરેન્સિક ટીમ કેમ્પસની મુલાકાત લે તેવી અપેક્ષા છે. યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ભાસ્કર ગુપ્તાને ડાબેરી વિદ્યાર્થીઓના એક જૂથે કથિત રીતે ગાળ આપી હતી, જ્યારે તે ઘાયલ વિદ્યાર્થીઓમાંના એક ઇન્દ્રનુજ રોયને મળવા નજીકની ખાનગી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગયા હતા.
Also read : BSPમાં ઉથલપાથલ: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના બધા પદો પરથી હટાવ્યા
કેમ્પસમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના શિક્ષા પ્રકોષ્ઠ(શૈક્ષણિક પાંખ) કાર્યાલયને પ્રધાનનો કાફલો યુનિવર્સિટીમાંથી બહાર નીકળ્યા બાદ રોષે ભરાયેલા વિરોધીઓએે આગ ચાંપી દીધી હતી. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુપ્તાને જ્યારે રાત્રે ૧૨-૩૦ વાગ્યે ઘાયલ વિદ્યાર્થીને મળવા હોસ્પિટલ ગયા ત્યારે ગાળ આપી હતી. તેમણે તેમના પર વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજવા જેવા મુદ્દાઓના ઉકેલ માટે કંઇ ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસ કર્મચારીઓએ કેમ્પસની બહાર એસ સી મલિક રોડ અને જાદવપુર પોલીસ સ્ટેશનની સામે કડક નજર રાખી હતી. જ્યાં શનિવારે અલગ-અલગ રેલીઓમાં આંદોલનકારી ડાબેરી વિદ્યાર્થીઓનો તૃણમૂલ સમર્થકો સાથે આમનો-સામનો થયો હતો. સીપીઆઇ(એમ)ની વિદ્યાર્થી પાંખ એસએફઆઇ અને નક્સલવાદી વિદ્યાર્થી સંગઠન આઇસાએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી તાત્કાલિક યોજવાની માંગ કરી હતી. તેમણે બસુ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી.
ટીએમસીએ બસુ સાથે થયેલી ગેરવર્તણૂક, તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા પશ્ચિમ બંગાળ કોલેજ અને યુનિવર્સિટી પ્રોફેસર સંઘ (ડબ્લ્યુબીસીયુપીએ)ના એક કાર્યક્રમ દરમિયાન તોડફોડ અને ડાબેરી આંદોલનકારીઓ દ્વારા કથિત રીતે તેના ઘણા સભ્યો પર થયેલા હુમલાનો પણ વિરોધ કર્યો હતો. જ્યારે બાસુ ડબ્લ્યુબીસીયુપીએની વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપવા માટે જેયુ કેમ્પસ ગયા ત્યારે હોબાળો શરૂ થયો હતો.