બાળકના અપહરણ અને હત્યાના કેસમાં કોર્ટે યુવાનને નિર્દોષ છોડ્યો…

થાણે: દીવામાં 2022માં બનેલા અપહરણ બાદ 13 વર્ષના બાળકની હત્યાના કેસમાં કોર્ટે પૂરતા પૂરાવાને અભાવે યુવાનને નિર્દોષ છોડી મૂક્યો હતો.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે મુંબ્રાના રહેવાસી દશરથ પ્રકાશ કાકડે (30)ને અપહરણ, હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે 28 ફેબ્રુઆરીએ આદેશ આપ્યો હતો, જેની નકલ રવિવારે પ્રાપ્ત થઈ હતી.
Also read : સેબીનાં પૂર્વ વડા માધબી પુરી બુચની મુશ્કેલી વધીઃ કોર્ટે એફઆઈઆર માટે આપ્યો આદેશ
તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યા હતા કે કોન્ટ્રાક્ટર કાકડેએ સુરેશ ઉર્ફે રૂપેશ વિજય ગોલેનું 17 એપ્રિલ, 2022ના રોજ કપડાં ખરીદવાને બહાને અપહરણ કર્યું હતું. બાદમાં દીવા રેલવે સ્ટેશન પાસેના જાહેર શૌચાલયમાં ગળું દબાવી તેની હત્યા કરી હતી.
ટ્રાયલ દરમિયાન બાળકની માતાએ જુબાનીમાં જણાવ્યું હતું કે ઘટનાની બપોરે ત્રણ વાગ્યે કાકડેએ તેના પુત્રનું અપહરણ કર્યું હતું. જોકે ઘટનાના 11 દિવસ પછી તેનું નિવેદન નોંધાયું હોવાથી તેની વિશ્ર્વસનીયતા પ્રત્યે કોર્ટે સવાલ ઊભો કર્યો હતો.
પોલીસે પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ રજૂ કર્યાં હતાં, જેમાં બાળક આરોપી સાથે જતો નજરે પડે છે. જોકે ફૂટેજ કાયદાને અનુરૂપ ન હોવાથી કોર્ટે તેને સ્વીકાર્યાં નહોતાં.
ફરિયાદ પક્ષે એવી પણ દલીલ કરી હતી કે કાકડે જ પોલીસને બાળકના મૃતદેહ પાસે લઈ ગયો હતો. જોકે કોર્ટે જાહેર શૌચાલયમાં અનેક લોકોની આવજા થતી હોવાથી કોર્ટે આ દાવાની ખરાઈ સામે પણ પ્રશ્ર્ન કર્યો હતો. આવા અનેક મુદ્દાને આધારે કોર્ટે પુરાવાના અભાવે કાકડેને નિર્દોષ જાહેર કર્યો હતો.