ટી પાર્ટીમાં અજિત પવારે ધનંજય મુંડેથી રાખ્યું અંતર, પણ રાજીનામા અંગે કરી ‘આ’ વાત…

મુંબઈઃ વિધાનસભા બજેટ સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે તેની પૂર્વ સંધ્યાએ મહાયુતિ સરકાર તરફથી ટી-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે હંમેશની જેમ વિપક્ષોએ આ પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. આ ટી-પાર્ટીમાં મહાયુતિ સરકારના ઘટક પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ અજિત પવારે પાર્ટીમાં ધનજંય મુંડેથી અંતર રાખ્યું હતું. એટલું જ નહીં, રાજીનામા અંગે પણ પરોક્ષ રીતે સંકેત આપ્યો હતો.
Also read : મુંબઈ યુનિવર્સિટીના ‘છબરડા’થી પરેશાન થયા ડિગ્રીધારકો, જાણો શું કરી ભૂલ?
આ પાર્ટીમાં ઘણા દિવસથી ચર્ચામાં રહેલા પ્રધાન ધનંજય મુંડે પણ હાજર રહ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ધનંજય મુંડે સાથે અબોલા લીધા હોવાનું ટી-પાર્ટીમાં જણાયું હતું. ટી-પાર્ટીના અમુક વીડિયો વાઇરલ થયા હતા જેમાં અજિતદાદા અને મુંડે એકબીજાથી બહુ દૂર ઊભા હોવાનું જાણવા મળ્યું હતું.
અજિત પવાર ધનંજય મુંડે સાથે બોલવાનું ટાળી રહ્યા હોવાનું જણાઇ રહ્યું હતું. મુંડે તેમની પાસે જઇ રહ્યા હતા ત્યારે ઝડપથી ત્યાંથી અન્ય જગ્યાએ જઇ રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
થોડા દિવસ પહેલા અજિત પવારને ધનંજય મુંડેના રાજીનામા અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ અનેક દિગ્ગજ નેતાઓને નૈતિક ફરજ પ્રમાણે તેમના રાજીનામા આપવા લાગ્યા છે. વિપક્ષોના આરોપો બાદ પ્રધાનોને આવું કરવું પડ્યું છે. તેથી મુંડેએ રાજીનામું આપવું કે નહીં એ તેઓ નક્કી કરે, એમ નાયબ મુખ્ય પ્રધાન વધુમાં જણાવ્યું હતું.
Also read : પ્રોપર્ટી ટેક્સની વસૂલી: મહિનો બાકીને લક્ષ્યથી 1,000 કરોડ રૂપિયા દૂર છે મુંબઈ સુધરાઈ
એક તરફ બીડના સરપંચ હત્યા કેસ અને બીજી તરફ સામાજિક કાર્યકર્તા અંજલી દમાણિયાએ મુંડે પર કૃષિ પ્રધાન તરીકે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ કર્યા હોવાથી મુંડે હાલમાં વિપક્ષોના નિશાના પર છે ત્યારે અજિત પવાર તેમનાથી નારાજ હોવાનું સૂત્રોનું કહેવું છે.