નેશનલ

ગંગા નદીના પાણી અંગે બિહાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપ્યો ચોંકાવનારો રિપોર્ટ, સ્નાન કરવા યોગ્ય નહીં…

પટણાઃ બિહારમાં મોટા ભાગના સ્થળોએ ગંગા નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય પણ નહીં હોવાનો ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. બિહાર આર્થિક સર્વેક્ષણ 2024-25માં આ જાણકારી આપતા કહેવામાં આવ્યું હતું કે આ ગંગાના પાણીમાં પ્રતિ યુનિટ બેક્ટેરિયાની વધુ સંખ્યાની હાજરી કારણ છે. અધિકારીઓએ કહ્યું હતું કે બિહાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (બીએસપીસીબી) દર પખવાડિયે રાજ્યમાં 34 સ્થળો પર ગંગાના પાણીની ગુણવત્તાનું નિરીક્ષણ કરે છે.

Also read : ગુલાબી નોટને લઈને RBIએ આપ્યું મહત્ત્વનું નિવેદન, આંખો પહોળી થઈ જશે…

તાજેતરમાં જ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણ મુજબ, ગંગાના પાણીમાં બેક્ટેરિયાની વધુ સંખ્યા (કોલિફોર્મ અને ફીકલ કોલિફોર્મ)ની હાજરીના સંકેત મળે છે. આ મુખ્યત્વે ગંગા અને તેની સહાયક નદીઓના કિનારે આવેલા શહેરોમાંથી નીકળતી ગટર/ઘરેલું કચરો ગંગાના પાણીમાં ઠલવાઈ જવાને કારણે છે.

સર્વેમાં બીએસપીસીબીના તાજેતરના પાણીની ગુણવત્તા પરીક્ષણ પરિણામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, “અન્ય પેરામીટર, પીએચ, ઓગળેલો ઓક્સિજન અને અને બાયોકેમિકલ ઓક્સિજન માંગ બિહારમાં નદી અને તેની સહાયક નદીઓમાં નિર્ધારિત મર્યાદામાં જોવા મળ્યા હતા જે દર્શાવે છે કે પાણી જળચર જીવન, વન્યજીવનના સંવર્ધન, માછીમારી અને સિંચાઈ માટે યોગ્ય છે.”

નદીના કિનારે આવેલા મહત્વપૂર્ણ શહેરોમાં બક્સર, છાપરા (સારણ), દિઘવારા, સોનપુર, મનેર, દાનાપુર, પટના, ફતુહા, બખ્તિયારપુર, બાઢ, મોકામા, બેગુસરાય, ખગડિયા, લખીસરાય, મનિહારી, મુંગેર, જમાલપુર, સુલતાનગંજ, ભાગલપુર અને કહલગાંવનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા બીએસપીસીબીના અધ્યક્ષ ડી કે શુક્લાએ પીટીઆઈને જણાવ્યું હતું કે ગંગા નદીમાં બેક્ટેરિયાની વધુ સંખ્યા ચિંતાનો વિષય છે.

શુક્લાએ કહ્યું હતું કે, “મળમાં ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા જોવા મળે છે જે શુદ્ધ નહીં કરાયેલ ગટરના પાણીથી નદીને પ્રદૂષિત કરે છે. તેનું જેટલું ઊંચું સ્તર હશે પાણીમાં રોગ પેદા કરતા સૂક્ષ્મ જીવાણુઓની હાજરી એટલી જ વધારે હશે. સીપીસીબીના ધોરણો મુજબ, ફીકલ કોલિફોર્મની માન્ય મર્યાદા 2,500 એમપીએન પ્રતિ 100 મિલી છે.

તેમણે કહ્યું કે ગંગામાં મોટા ભાગના સ્થળોએ કુલ કોલિફોર્મ અને ફીકલ કોલિફોર્મની હાજરી ખૂબ વધારે છે, જે દર્શાવે છે કે તે સ્નાન માટે યોગ્ય નથી. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બીએસપીસીબી રાજ્યમાં ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ યોગ્ય રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહ્યું છે.

Also read : વડા પ્રધાન મોદીએ રમઝાનની શુભેચ્છાઓ પાઠવી; રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ એ પણ પોસ્ટ કરી

મીડિયાને પ્રાપ્ત થયેલા ગંગાના પાણીની ગુણવત્તા અંગેના તાજેતરના બીએસપીસીબીના ડેટા અનુસાર, કચ્ચી દરગાહ-બિદુપુર બ્રિજ પર માપવામાં આવેલા ફીકલ કોલિફોર્મનું સ્તર 3,500 એમપીએન/100 મિલી, ગુલાબી ઘાટ (5,400 એમપીએન/100 મિલી), ત્રિવેણી ઘાટ (5,400 એમપીએન/100 મિલી), ગાયઘાટ (3,500 એમપીએન 100 મિલી), કેવાલા ઘાટ (5,400 એમપીએન /100 મિલી), ગાંધી ઘાટ, એનઆઇટી (3,500 એમપીએન/100 મિલી) અને હાથીદાહમાં 5,400 એમપીએન /100 મિલી માપવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button