સ્પોર્ટસ

વિદર્ભનું ત્રણ હજારના હોમ-ક્રાઉડની હાજરીમાં ત્રીજું રણજી ટાઇટલ…

નાગપુરઃ અહીં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ આજના પાંચમા અને છેલ્લા દિવસે ડ્રૉમાં જવા છતાં વિદર્ભએ પ્રથમ દાવની સરસાઈને આધારે 3,000 પ્રેક્ષકોની હાજરીમાં વિજય મેળવી લીધો હતો અને એ સાથે વિદર્ભએ ત્રીજી વાર આ સર્વોચ્ચ ડોમેસ્ટિક સ્પર્ધાનું ચૅમ્પિયનપદ હાંસલ કર્યું છે. આ પહેલાં વિદર્ભની ટીમ 2018માં અને 2019માં ચૅમ્પિયન બની હતી.

Also read : રણજી ફાઇનલમાં કરુણ નાયરે વિદર્ભને મજબૂત સ્થિતિમાં લાવી દીધું…

2023-’24ની સીઝનમાં મુંબઈ ચૅમ્પિયન બની જતાં વિદર્ભની ટીમ રનર-અપ બની હતી એટલે ત્યારે ત્રીજું વિજેતાપદ મેળવવાની એની આશા પર પાણી ફરી વળ્યું હતું, પરંતુ આજે અક્ષય વાડકરના સુકાનમાં અને ઉસમાન ઘનીના કોચિંગમાં વિદર્ભએ એ સપનું સાકાર કરી લીધું હતું.

વિદર્ભએ પ્રથમ દાવમાં ડેનિશ માલેવારના 153 રન અને કરુણ નાયરના 86 રનની મદદથી 379 રન બનાવ્યા હતા જેના જવાબમાં પહેલી જ વાર રણજી ફાઇનલમાં પહોંચેલા કેરળની ટીમે 342 રન બનાવ્યા હતા. એ ત્રીજો દિવસ હતો અને વિદર્ભએ ત્યારે 37 રનની સરસાઈ લીધી ત્યારે જ મોટા ભાગે નક્કી થઈ ગયું હતું કે આ વખતે ચૅમ્પિયન તો વિદર્ભ જ બનશે.
સચિન બૅબીના સુકાનમાં કેરળે વિદર્ભને જોરદાર લડત આપી હતી, પણ વિદર્ભના ખેલાડીઓને અથાક મહેનત અને શિસ્તબદ્ધ રમતનું ફળ મળ્યું છે. થોડા જ અઠવાડિયા પહેલાં વિદર્ભએ 50 ઓવરની વિજય હઝારે ટ્રોફીમાં રનર-અપની ટ્રોફી મેળવી હતી.

ડ્રૉની જાહેરાત સાથે વિદર્ભની ઉજવણી

વિદર્ભનો કરુણ નાયર શનિવારે બીજા દાવમાં 132 રન પર નૉટઆઉટ હતો, પણ તે બીજા ફક્ત ત્રણ રન ઉમેરી શક્યો હતો અને તેને તેના 135 રનના સ્કોર પર નાગપુરમાં જ રહેતા કેરળના બોલર આદિત્ય સરવટેએ આઉટ કરી દીધો હતો. ત્યાર પછી બીજા બૅટર્સની નાની ઇનિંગ્સ વચ્ચે દર્શન નાલકંડેએ અણનમ 51 રન બનાવીને વિદર્ભની ટીમને બીજા દાવમાં ઑલઆઉટ નહોતી થવા દીધી અને વિદર્ભનો સ્કોર 375/9 હતો ત્યારે મૅચને ડ્રૉ જાહેર કરવામાં આવી હતી અને વિદર્ભના ખેલાડીઓની વિજેતાપદની ઉજવણી શરૂ થઈ ગઈ હતી.

વિદર્ભનું સંપૂર્ણ પ્રભુત્વ

વિદર્ભની ટીમ લીગ રાઉન્ડમાં સાતમાંથી છ મૅચ જીતીને ચારેય ગ્રૂપમાં મોખરે રહી હતી. નૉકઆઉટ રાઉન્ડમાં કેરળે જમ્મુ-કાશ્મીરને એક રનના તફાવતથી અને પછી ગુજરાતને બે રનના તફાવતથી હરાવીને પ્રગતિ કરી હતી, જ્યારે વિદર્ભએ આઠ આઉટરાઇટ વિન હાંસલ કર્યા હતા. આઉટરાઇટ વિન એટલે એવી મૅચના વિજય જેમાં ટીમને પ્રથમ દાવની સરસાઈને આધારે નહીં, પણ ચડિયાતા પર્ફોર્મન્સ બદલ સીધો વિજય મળે. વિદર્ભએ ક્વૉર્ટરમાં તામિલનાડુને 198 રનથી અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈને 80 રનથી પરાજિત કર્યું હતું. એકંદરે, આ વખતની રણજી સીઝનમાં વિદર્ભની ટીમ 10માંથી નવી મૅચમાં વિજયી થઈ જે એના પ્રભુત્વનો પુરાવો છે.

કોને કયો અવૉર્ડ? દુબેને અશ્વિનની ટિપ્સ ફળી

પ્રથમ દાવમાં 153 રન અને બીજા દાવમાં 73 રન બનાવનાર વિદર્ભના કેરળ માલેવારને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ અપાયો હતો. પુણેમાં રહેતા વિદર્ભના લેફ્ટ-આર્મ સ્પિનર હર્ષ દુબેને મૅન ઑફ ધ ટૂર્નામેન્ટના પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. આ વખતની રણજી ટ્રોફીમાં તમામ બોલર્સમાં હર્ષ દુબે 69 વિકેટ સાથે મોખરે હતો. તેણે રવિચન્દ્રન અશ્વિન પાસેથી મળેલી ટિપ્સની મદદથી 10 મૅચમાં 476 રન પણ બનાવ્યા હતા. વિદર્ભનો જ લેફ્ટ-હૅન્ડ બૅટર યશ રાઠોડ 960 રન સાથે તમામ બૅટર્સમાં અવ્વલ હતો.

Also read : સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર ડ્રૅપરનું નિધન, હવે નીલ હાર્વી ઑલ્ડેસ્ટ પ્લેયર…

રણજી ટ્રોફીના ટોચના ત્રણ-ત્રણ ખેલાડી

બૅટિંગઃ (1) વિદર્ભનો યશ રાઠોડ (960 રન), (2) મધ્ય પ્રદેશનો શુભમ શર્મા (943 રન) અને (3) હૈદરાબાદનો તન્મય અગરવાલ (934 રન)
બોલિંગઃ (1) વિદર્ભનો હર્ષ દુબે (69 વિકેટ), (2) જમ્મુ-કાશ્મીરનો ઔકિબ નબી (44 વિકેટ) અને (3) મુંબઈનો શમ્સ મુલાની (44 વિકેટ)

નોંધઃ (1) હર્ષ દુબેની 69 વિકેટ એક જ રણજી સીઝનમાં સૌથી વધુ વિકેટનો નવો વિક્રમ છે. તેણે બિહારના આશુતોષ અમનનો 68 વિકેટનો રેકૉર્ડ તોડ્યો છે. (2) ઔકિબ નબી ચડિયાતી બોલિંગ ઍવરેજ (13.93)ને કારણે શમ્સ મુલાની (23.52) કરતાં એક ડગલું આગળ રહ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button