સેમિ ફાઇનલની ચારેય ટીમ દુબઈમાં! બે ટીમ લાહોર જવા રવાના થશે…

દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એક એવી અસાધારણ પરિસ્થિતિ જોવા મળી રહી છે જેમાં પહેલી વાર આઇસીસી ઇવેન્ટની બન્ને સેમિ ફાઇનલની કુલ ચારેય ટીમ એક જ શહેરમાં ભેગી થઈ છે અને એવા સંજોગોમાં એકત્રિત થઈ છે જેમાં ચારેય ટીમને સેમિમાં પોતાની સામે કઈ હરીફ ટીમ આવશે એની જાણ નથી.
Also read : સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર ડ્રૅપરનું નિધન, હવે નીલ હાર્વી ઑલ્ડેસ્ટ પ્લેયર…
ભારત માટે આ ટૂર્નામેન્ટમાં દુબઈનું નૅશનલ સ્ટેડિયમ હોમ-ગ્રાઉન્ડ છે અને ન્યૂ ઝીલૅન્ડ સામે એનો આજે આ જ સ્થળે પ્રૅક્ટિસ મૅચ જેવો મુકાબલો થઈ રહ્યો છે.
આ અભૂતપૂર્વ સ્થિતિ વિશે ભૂતપૂર્વ અને વર્તમાન, બન્નેના ખેલાડીઓ વચ્ચે થોડા મતમતાંતર છે અને આઇસીસી પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે.
બેમાંથી એક સેમિ ફાઇનલ દુબઈમાં રમાવાની છે અને એમાં ભારતનું નામ તો હશે જ. મંગળવાર, ચોથી માર્ચની દુબઈની સેમિમાં ભારતનો મુકાબલો કઈ ટીમ સામે થશે એ નક્કી થવાનું બાકી હતું એ સંજોગોમાં બુધવાર, પાંચમી ફેબ્રુઆરીની બીજી સેમિ ફાઇનલ માટે લાહોરમાં તખ્તો તૈયાર રાખવામાં આવ્યો છે. એ બીજી સેમિમાં ન્યૂ ઝીલૅન્ડ સામે કઈ ટીમ આવશે એ નક્કી થવાનું બાકી હતું.
દરમ્યાન, ગ્રૂપ બી’ની બે ટીમ સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ યોગ્ય પ્રૅક્ટિસ તથા આરામ માટે દુબઈ પહોંચી ગયા હતા અને હવે બુધવારે લાહોરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની સેમિમાં કઈ ટીમે રમવાનું છે એ નક્કી થતાં જ એના ખેલાડીઓ દુબઈથી લાહોર જવા રવાના થઈ જશે. શુક્રવારે વરસાદને કારણે લીગ મૅચ ધોવાઈ જતાં ઑસ્ટ્રેલિયાએ સેમિમાં એન્ટ્રી કરી હતી અને અફઘાનિસ્તાનનો આધાર શનિવારની સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચના પરિણામ પર નિર્ભર હતો.
સાઉથ આફ્રિકાએ બ્રિટિશરોને 39 ઓવર ની અંદર ઑલઆઉટ કર્યા એ સાથે અફઘાનિસ્તાનની પણ આ સેમિ ફાઇનલની રેસમાંથી બાદબાકી થઈ ગઈ હતી. આજની મૅચ પહેલાંની સ્થિતિ એવી હતી જેમાં જો ભારત રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામે જીતે તો ગ્રૂપએ’માં ટૉપ કરે એટલે એણે મંગળવારની સેમિમાં ગ્રૂપ `બી’ની બીજા નંબરની ટીમ એટલે કે ઑસ્ટ્રેલિયા સામે રમવાનું આવે. જો ભારત રવિવારે હારે તો બીજા નંબર પર રહી જાય એટલે એણે હરીફ ગ્રૂપની ટોચની ટીમ એટલે કે સાઉથ આફ્રિકા સામે રમવું પડે.
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યેનસેન સહિત ઘણા ખેલાડીઓ કહી ગયા છે કે ભારતને એક જ સ્થળે (દુબઈમાં) રમવાનું મળ્યું એનો ભારતીય ખેલાડીઓને ઘણો ફાયદો થયો છે.