ઉત્સવ

સર્જકના સથવારે : ‘કાબિલ’ છે ગઝલનો ‘વૈભવ’ ઠેસ પહોંચાડવી છે હૈયા ને? કોઈ તાજું ગુલાબ લઈ આવો…

-રમેશ પુરોહિત

ગુજરાતી ગઝલની પરવરિશ, હિફાઝત અને ઉછેર રાંદેર-સૂરતમાં થયો. મુશાયરા પ્રવૃત્તિથી ગઝલને લોકાભિમુખ અને વિદ્વતપ્રિય બનાવવામાં સૂરતના શાયરોએ ભેખ લીધેલો અને સૂરતને ગઝલનું મક્કા બનાવ્યું. વીસમી સદીના ચોથા-પાંચમા દાયકામાં શયદા સાહેબની આગેવાની હેઠળ મુંબઈ ગઝલનું થાણું બનવા માંડે છે. બેફામ, મરીઝ, બદરી કાચવાલા, આસિમ રાંદેરી, નસીમ નાઝ માંગરોળી, બાદરાયણ, શૂન્ય, સૈફ અને હરીન્દ્ર દવે જેવા માતબર શાયરોના મુંબઈ નિવાસથી મુંબઈને ગઝલની જાહોજલાલી મળી. આ કાફલામાં બીજાં પણ ઘણાં મહત્ત્વનાં નામ છે તેમાં એક મુખ્ય નામ છે જનાબ ‘કાબિલ ડેડાણવી,’

Also read : ઉફ…તોબા તોબા આ ગરમી…!

મુંબઈમાં વહોરા કોમના સાહિત્યશોખીન કુટુંબમાં 16-12-1927ના રોજ જન્મ થયો હતો. મૂળ નામ અબ્બાસ મુલ્લાં નૂરભાઈ ડેડાણવાલા એલએલ.બી. સુધી અભ્યાસ કરીને વકાલતનો વ્યવસાય અને સાથે સાથે સાહિત્યની ઉપાસના. એમણે ગઝલ, મુક્તક, નઝમ અને સોનેટના ક્ષેત્રમાં નેત્રદીપક પ્રદાન કર્યું છે. તખલ્લુસ રાખ્યું ‘કાબિલ ડેડાણવી’ આમ નામની સાથે ઠામનું પણ મહત્ત્વનું બંધન રાખ્યું.

જનાબ જલન માતરીએ નોંધ્યું છે કે બાળપણમાં ‘બહુરૂપી’માં આવતી ડિટેક્ટિવ વાર્તાઓના અતિલોકપ્રિય પાત્ર ચિત્રગુપ્ત વકીલની જેમ ડિટેક્ટિવ બનવાના કોડ પૂરા ન થયા, પણ વકીલ જરૂર બન્યા. ઈ.સ. 1961થી મુંબઈની હાઈ કોર્ટમાં સિવિલ સાઈડ ઉપર પ્રૅક્ટિસ કરી.

પાંચ દાયકાની ગઝલ સાધનાના ફળસ્વરૂપે એમના તરફથી ‘વૈભવ’ નામનો દળદાર કાવ્યસંગ્રહ મળ્યો છે. કાબિલ સ્વભાવે સંકોચશીલ, શરમાળ અને નમ્ર હતા, પણ મિજાજે સ્વતંત્ર હતા. પોતાના કાવ્યનો પરિચય આપતાં એમણે કહ્યું છે તે અક્ષરશ: યથાર્થ છે:

મનની ઉપર ભલેને અનુભવની થઈ અસર,
દિલનો તો એ જ હાલ છે રેશમ સમું રહ્યું,
‘કાબિલ’નું કાવ્ય એટલે વાણી અને વિચાર,
જાણે કે બે નદીઓના સંગમ સમું રહ્યું.
કાબિલના કલામ કાબિલે દાદ જરૂર છે, પણ શરૂઆતમાં એમની એક ગઝલના એક શેરની વાત કરીએ. ગઝલનું શીર્ષક છે: ‘જવાબ લઈ આવો’ જે હરીન્દ્ર દવેએ ‘મધુવન’ સંગ્રહમાં આમેજ કરી છે. આ ગઝલનો બીજો
શેર છે:
ઠેસ પહોંચાડવી છે હૈયાને?
કોઈ તાજું ગુલાબ લઈ આવો.

આશ્ચર્ય એક વાતનું કાયમ રહ્યા કરે છે કે મુંબઈ જેવા અતિધમાલિયા મહાનગરમાં કાબિલને આ શેર કેવી રીતે સ્ફુર્યો હશે!.. કવિઓ વસંતમાં કેસૂડાની, ગ્રીષ્મમાં ગુલમહોરની, વર્ષામાં મોગરા અને હેમંતમાં પારિજાતનાં ગુણગાન ગાય છે. અહીં ફૂલ છે ગુલાબનું, જે સદાબહાર છે.

ઋતુઓનાં બંધન જેને નડી શકતાં નથી એવું ગુલાબ જગત આખામાં બધાનું મનગમતું ફૂલ છે. કવિ વિશેષણ વાપરે છે કે તાજું ગુલાબ. તાજા ગુલાબનાં રૂપ, રંગ, મહેક, કોમળતા અને ઠસ્સો નિરાળો હોય છે.

આથી હૈયાને ઠેસ પહોંચાડવા માટે તાજા ગુલાબની માગણી થઈ છે. આ શેર તાજગીભર્યો બન્યો છે, પણ શેરમાં જે વ્યથા છે, વેદના છે, આક્રંદ છે તે ગુલાબના છોડમાં રહેલા કાંટા
સમી છે.

કવિએ પોતાનું દિલ રેશમ જેવું હોવાનું કહ્યું છે. ગુલાબ જેવા મુલાયમ હૈયાને ઠેસ પહોંચાડનાર વારે તહેવારે ગુલાબ લઈને આવતાં હોય છે કારણ કે એ બધાં અગંત અગંત નામ હોય છે. એમના વિપુલ સર્જનમાં આવાં પાણીદાર મોતીઓનો ખજાનો બરકરાર છે.

ઉચ્ચ અભ્યાસ, સાથી શાયરોની સંગતિ અને સૂક્ષ્મ નિરીક્ષણમાં સંવેદના ભળે ત્યારે થતાં સર્જનમાં આપોઆપ નવીનતા અને વિશિષ્ટતા આવતાં હોય છે.

કાબિલના કવનને માણીએ તે પહેલાં એમના મુક્તકથી શરૂઆત કરીએ:

Also read : મુલાકાત : ગમગીનીએ આપી ગઝલ ગઝલે બક્ષી કામયાબી!

હશે જેમાં કોઈ પ્રતિભાનો જાદુ
એ સર્જન કદાપી નહીં નાશ પામે
મટી પણ જશે તો એ ગૌરવની સાથે
અમર થઈ જવાનું વિસર્જનને નામે
છે ખુદ મારા વ્યક્તિત્વમાં એવી ખુશ્બો
ગજું શું કોઈનું મને ભૂલી બેસે
હજીય પુરાણા બધા મારા મિત્રો
કરે છે મને યાદ દુશ્મનને નામે


હતા એ અમારી જવાનીના દિવસો
નશાનું એ વર્તુળ જગતભરની મસ્તી
હતો તારો સહવાસ સ્વપ્નની સૃષ્ટિ
મહોબતનો મીઠો શો લ્હાવો લીધો’તો
નથી કરવું ખંડેર મહેલોનું માતમ
પ્રસંગોનો ટૂંકસાર દોહરાવી લઉં છું.
પ્રભુની કનેથી અહીં જીવતાજીવત
અમે સ્વર્ગ કેરો પુરાવો લીધો’તો


જીવનની શરૂઆત શૈશવનો વૈભવ
બપોરે જવાનીના કલરવનો વૈભવ
બધીયે અવસ્થામાં ગૌરવના રંગો
સમી સાંજે માણ્યા અનુભવનો વૈભવ.


કાબિલે બહુ અસરકારક અને સુંદર નઝમો લખી છે. પ્રિયતમા સાથેનું પ્રથમ મિલન કેવું હોય તેની પ્રતીતિ કરવી હોય તો એમની નઝમ ‘પહેલું મિલન’ વાંચવી રહી. એમના દિલના ભાવો એટલા હૃદયસ્પર્શી છે કે નઝમની નજાકતને ચાર ચાંદ લાગી જાય છે. એમની 19 બન્દમાં ચતુષ્પદી પ્રકારની નઝમ ‘સુહાગરાત’માં સુહાગરાતનું રસભીનું વર્ણન છે. ચાલો બન્ને નઝમના થોડાક બન્દ જાણીએ:

તારું પ્રથમ મિલન તો ગુલાબો સમું હતું!
મોસમ વિના વસંતનું વાતાવરણ હતું
ગીતોની એ રવાની કે બુલબુલ ભુલાઈ જાય,
ઝરણું જો સાંભળે તો શરમથી સુકાઈ જાય
સંગીત અને ગીતોનું એ એકીકરણ હતું.


સોહામણા શયનને કાજે આ ખંડ સુંદર,
શોભિત છે પુષ્પ કેરા આભૂષણોથી એવો
શણગારમાં ડૂબેલી લાવણ્યની કુમારી,
ધરતીને તાલ દેતી જોતી હો જાણે મેળો.

કાબિલની ગઝલોમાં સરળતા, સાદગી અને કોમળતા છે તો સાથે સાથે ગઝલના રંગ તગઝ્ઝૂલની તાજગી છે અને તસ્વવુફી તત્ત્વદર્શન પણ છે. ચાલો માણીએ એમની ગઝલોના થોડાક શેર:
મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી
હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું.

Also read : બોરડી નીચે સૂતેલો આળસુ બોર માગે

ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં
કોઈ કહેશે કે ‘કાબિલ’ની ગઝલમાં અવતરણ આવ્યું.


એ તો ખુદ ચિત્ર છે. રેખાઓ વિનાનું ‘કાબિલ’!
કોણ નાહકની ભલા ખેંચે પ્રણયની તસવીર


ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે
પાપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.


મેં તારી વફાને બિરદાવી
પણ તારી જફા પર ચૂપ હજી,
મેં ચાંદનું વર્ણન ખૂબ કર્યું
પણ દાગનું વર્ણન બાકી છે
સૌ વાત કરે છે ‘કાબિલ’
બર્બાદ થયો છે ઉલ્ફતમાં
એ વાત તો હું પણ માનું છું
એક તારું સમર્થન બાકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button