ઉત્સવ

મિજાજ મસ્તી : 40 લાખ ડેડબોડી – 1 ડાયરી: ઘૃણાની ઘડિયાળના ઘૂમતા કાંટા

-સંજય છેલ

ટાઇટલ્સ:
નફરતથી મોટું કોઈ હથિયાર નથી. (છેલવાણી)

‘જે પોતે ખુશ છે એ જ બીજાને ખુશ કરી શકે!’

‘કોમળ લાગણીથી તીક્ષ્ણ કોઈ હથિયાર નથી!’

‘એક જ નિયમ યાદ રાખો: જીવનમાં બધી વાત પર હસી નાખો ને બીજું બધું કે બીજા બધાને ભૂલી જાઓ, આત્મપીડનની આ એકમાત્ર દવા છે ’

આવા અદ્ભુત વિચારો લખેલા કેવળ 14 વર્ષની ઐન ફ્રેંક નામની છોકરીએ!

ધર્માંધ ને જૂઠા રાષ્ટ્રવાદી હિટલરની નાઝીસેનાના જાલિમ દમનને કારણે ઐન ફ્રેંકનો યહૂદી પરિવાર જર્મનીથી ભાગીને નેધરલૅન્ડ જતો રહેલો, પણ પછી ત્યાંય હિટલરસેનાએ આક્રમણ કર્યું એટલે જાન બચાવવા ફ્રેંક પરિવાર, એમસ્ટરડેમમાં કોઈ મિત્રના ઘરમાં ભંડકિયામાં 3-3 વરસ ગોંધાઈને જીવ્યો. ક્રૂર નાઝીઓનો ખૌફ એવો કે ભંડકિયામાંથી 1 સેકંડ પણ નીકળાય નહીં ને માત્ર રેડિયો સાંભળીને બહારના જગત સાથે જીવવાનું! પરિવાર સાથે ગોંધાઈને જીવતી ઐન ફ્રેંકનો એક જ સહારો હતો:

એની ડાયરી.
મોત પહેલાં 3-3 વરસ, એક જ ઓરડીમાં પુરાઈને, એક દિવસ પણ બહાર ગયા વિના ઐન ફ્રેંકે 12 જૂન 1942થી 1 ઓગસ્ટ 1944 સુધી સતત ડાયરી લખી… પછી અચાનક એ ડાયરી અટકી ગઈ, કારણ કે 1944માં નાઝીઓએ એના પરિવારની ધરપકડ કરી ને ડાયરીલેખન કાયમ માટે થંભી ગયું. વિશ્વયુદ્ધના અંત પછી માત્ર ઐનનો બાપ ઓટો બચી ગયો, જેને દીકરીની ડાયરી મળી. એ ડાયરી દુનિયા સામે આવી: ‘ડાયરી ઑફ અ યંગ ગર્લ’ રૂપે…

એ નથી કોઇ રસઝરતી નોવેલ, કે કાવ્યસંગ્રહ કે મોટિવેશનલ કિતાબ, પણ એ સમયે બાઇબલ બાદ બીજા નંબરે સૌથી વધુ વેચાતા પુસ્તક તરીકે એ બેસ્ટસેલર હતી.

હકીકતમાં ઐન ફ્રેંકની ડાયરી જન્મજાત જાલિમ માણસજાતને આઈનો દેખાડે છે કે વિશ્વયુદ્ધ ને હિટલરનું દમન એક ટીનેજર છોકરીના નોર્મલ જીવનને કેટલી હદે તહેસનહેસ-છિન્નભિન્ન કરી નાખે છે. પળપળની માથે લટકતી તલવાર જેવું ટેન્શન કે ખબર નહીં ક્યારે ક્રૂર નાઝીઓ આવીને મારી નાખશે, છતાંય ઐન ફ્રેંકની જીવનમાંથી શ્રદ્ધા ઊઠી નહોતી. કૂણા હૈયામાં માણસજાત પર ભરોસો ટકેલો, જે માણસ કહેવાવાને લાયક નહોતી.

ફકત એક હવાબારી કે વેંટિલેશનમાંથી ટુકડો આકાશ ફક્ત એને જોવા મળે તોય ઐન ફ્રેંક કહેતી, ‘જ્યાં સુધી બહાર તડકો છે ને ધેરાયેલાં વાદળાઓ વિનાનું ખુલ્લું આકાશ છે, ત્યાં સુધી હું ઉદાસ કઇ રીતે થઈ શકું?’ વિચાર કરો 3-3 વરસ એક જ રૂમમાંથી બહાર ગયા વિના, માથે મોત ઝઝૂમવા છતાં હજારો વીંછીઓના ડંખ જેવી એકલતા સામે બહાદૂરીથી લડવાની એ બાળકીમાં કઈ તાકાત હતી?

મજબૂર મૂંગી વેદના મોતથીય ઘાતક હોય છે. જે પરિવારે ઐનના પરિવારને છુપાવીને આશરો આપેલો એનો જુવાન છોકરો ‘પીટર’ એને ગમતો, ટીનેજર ફ્રેંક એ વિશે લખે છે:

‘ઘણીવાર જુવાન લોકો, પુખ્ત વયના માણસો કરતાં વધારે એકલવાયા હોય છે!’

‘ડાયરી ઑફ અ યંગ ગર્લ’ આમ તો ઐને એકલતાના ઇલાજરૂપે ‘કિટી’ નામની કાલ્પનિક મિત્રને સંબોધીને લખેલી. આજે આપણા સમાજ અને દુનિયામાં જ્યારે ધર્માંધતાની લોહિયાળ લહેર જોવા મળે છે ત્યારે 13-14 વરસની ઐન ફ્રેંકના વિચારો લાલબત્તી દેખાડે છે કે આપણે કેટકેટલી ‘ડાયરી’ઓની ડરામણી દિશા તરફ જઇ રહ્યા છીએ.

માથે મોત ઝળૂંબતું ત્યારે પણ ઐન ફ્રેંકે કહેલું: ‘હું હજીય માનું છું કે લોકો મૂળે તો દિલના સારા જ હોય છે! પણ હું વેદના, મૂંઝારા ને મૃત્યુનાં પાયા પર આશાની ઇમારત કઇ રીતે ચણી શકું?’

ઇન્ટરવલ:
જીવન જ્યારે સૂકાઈ જાયે
કરુણા વરસંતા આવો (રવીન્દ્રનાથ ટાગોર)
તમને થશે કે વળી આજે 2025માં એ ઐન જેવી છોકરીની આ કરુણકથા ફરીથી કેમ માંડી? એનું પણ કારણ છે. ઇતિહાસ, જે દરેક દૌરમાં વેશ બદલી બદલીને બહુરૂપિયાની જેમ ફરી ફરી આપણા ચહેરાની નજીક આવીને આંખ સામે તાકીને ‘બેટમેન’ ફિલ્મના જોકરની જેમ, વિકૃત રીતે હસીને બરાડે છે કે ‘હટ ભૂંડા માણસ, તું તો ભણીગણીને હજીય પશુનો પશુ જ રહ્યો છે!’

  • તો પેલી કથાનું કારણ અને તારણ? હમણાં હિટલરે જ્યાં યહુદીઓનો નરસંહાર કરેલો એ ઓશવિટ્ઝ કેમ્પમાં, જે લોકો ક્રૂર નાઝી સૈનિકોથી બચી ગયેલા એમણે ‘ધ લિબરેશન ઑફ ધ નાઝી જર્મન ડેથ કૈંપ’ની 80મી વર્ષગાંઠ ઊજવી. ઊજવી શબ્દ ક્રૂર છે. હકીકતમાં એ કંપાવનારી ઘટનાને યાદ કરી. યાદ કરી અને એ લોકોએ આજે 2024-25માં ફરીથી યહૂદીઓ વિરોધી વધતી નફરત વિશે નવી ચેતવણીઓ આપી. વાત એમ છે કે બીજા વિશ્વયુદ્ધમાં 40 લાખ યહૂદીઓની હત્યાઓ નાઝી સૈનિકોએ કરેલી એ વિશે પોલૅન્ડમાં એક સમારોહ યોજાયેલો, જેમાં જર્મની, યુક્રેન, બ્રિટન, ફ્રાંસ, પોલૅન્ડ વગેરેના નેતાઓ રાજાઓ હાજર હતા. એ બધા મહાનુભાવોએ 1 અક્ષર પણ લેક્ચરબાજી ના કરી, પણ માણસજાતના સૌથી મોટા મનહૂસ હત્યાકાંડમાં બચેલા વૃદ્ધોના આક્રંદને કદાચ પહેલીને હવે છેલ્લી વાર સાંભળે રાખ્યા. સૌ સત્તાધારીઓ નતમસ્તક, નિ:શબ્દ મૌન સાથે બેઠા રહ્યા. ધર્માંધ હિટલરે, યહૂદીઓ વિરુદ્ધ જે નરસંહાર આચરેલો એમાં બચી ગયેલા વયોવૃદ્ધ મેરિસન ટસ્કે કહ્યું: ‘ફરીથી 80 વરસ બાદ યહુદીઓ વિરુદ્ધ નફરતની આગ ધીમીઆંચ પર ફેલાઇ રહી છે, એ આગ જે 40 લાખ માણસોના નરસંહાર તરફ દોરી ગયેલી‘

તો 99 વરસના ડૉ. લિયોન વેઇન્ટ્રાબ, જેમને 1944માં પરિવારથી દૂર ખેંચીને યહૂદીઓને ખતમ કરનારા મોતના કૅમ્પમાં ધકેલવામાં આવેલા, એમણે આજની વધતી અસહિષ્ણુતા વિશે ધ્રૂજતા અવાજે કહ્યું, ‘ત્યારના હિંસક વિચારની અસર આજે પણ આપણે યાદ કરીએ છીએ તેનો ફરીથી સામનો કરવા માટે પ્રયત્નો કરો’

એન્ડ-ટાઇટલ્સ:
આદમ: આત્મકથા લખું?
ઇવ: આત્મા છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button